માણાવદર પેટાચૂંટણીના ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણીએ પણ કાઢ્યો બળાપો, પાટીલને પત્ર લખી જવાહર ચાવડાની કરી ફરિયાદ
રાજ્યના ભાજપ સંગઠનમાં હાલ સબ સલામતની સ્થિતિ નથી. અમરેલીમાં આંતરિક જૂથવાદની સ્થિતિ બાદ હવે જુનાગઢ ભાજપમાં પણ આંતરિક કલહ સપાટી પર આવ્યો છે. જુનાગઢની માણાવદર સીટ પરથી કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અરવિંદ લાડાણીએ પ્રદેશ પ્રમુખ પાટીલને પત્ર લખી જવાહર ચાવડાની ફરિયાદ કરી છે.
માણાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણીના લેટર બોંબથી ભાજપની ચિંતામાં વધારો થયો છે. પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલને પત્ર લખી લાડાણીએ પૂર્વ કેબિનેટ પ્રધાન અને માણાવદરના પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડા પર ગંભીર આરોપ લગાવ્યા છે. જવાહર ચાવડાએ પત્ની અને દીકરાને આગળ રાખી પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી હોવાનો લાડાણીનો દાવો છે.
જવાહર ચાવડા સામે કોંગ્રેસને મદદ કરવાનો આરોપ
જવાહર ચાવડાના પુત્ર રાજ ચાવડાએ 4 મે ના દિવસે ભાજપ કાર્યકર્તા અને 6 મેના દિવસે વેપારીઓ સાથે બેઠક યોજી ભાજપ ઉમેદવાર વિરૂદ્ધ મતદાન માટે ઉશ્કેર્યા હોવાનો લાડાણીએ આક્ષેપ કર્યો છે. માણાવદર ભાજપના અન્ય હોદ્દેદારો પર પણ પક્ષવિરોધી પ્રવૃત્તિનો લાડાણીએ પત્રમાં ઉલ્લેખ કર્યો છે. મતદાનના દિવસે મેંદરડા તાલુકાના કોંગ્રેસ આગેવાનો સાથે મળીને ભાજપ વિરોધી મતદાન કરાવ્યાનો લાડાણીનો આરોપ છે.
2022ની ચૂંટણીમાં અરવિંદ લાડાણી સામે હાર્યા હતા જવાહર ચાવડા
કોંગ્રેસને અલવિદા કરી ભાજપમાં આવેલા અરવિંદ લાડાણીએ પત્ર લખી જવાહર ચાવડા સામે કોંગ્રેસને મદદ કરવાનો આરોપ લગાવ્યો છે. 2022ની વિધાનસભા ચૂંટણીમાં જવાહર ચાવડા કોંગ્રેસના અરવિંદ લાડાણી સામે માણાવદર બેઠક પરથી હારી ગયા હતા. ત્યારે એ હાર બાદ જવાહર ચાવડાએ પણ એવુ નિવેદન આપ્યુ હતુ કે મારી હાર પાછળ પાર્ટીના જ કેટલાક લોકો જવાબદાર છે. ત્યારે હાલ 7મેએ થયેલી લોકસભાની ચૂંટણી સમયે માણાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી યોજાઈ હતી. અને ચૂંટણી બાદ તુરંત અરવિંદ લાડાણીના લેટર બોંબથી પાર્ટીના આંતરિક વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો