વડનગરમાં આર્કિયોલોજીકલ મ્યુઝિયમનું ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે લોકાર્પણ

| Edited By: | Updated on: Jan 15, 2025 | 7:00 PM

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ આવતીકાલ 16 જાન્યુઆરીને ગુરુવારના રોજ, મહેસાણાના વડનગરમાં નવનિર્મિત ભારતના પહેલા 'આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમ'નું ઉદ્ઘાટન કરશે. આ મ્યુઝિયમ 2500 વર્ષની ઐતિહાસિક યાત્રાનો અનુભવ કરાવશે.

વડનગર- ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મસ્થળ તરીકે તો જાણીતું છે. પણ તેની ઓળખ તેથી પણ કંઈક વિશેષ છે. આ નગર સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો ધરાવે છે અને નગરના આ વારસાને પ્રસ્તુત કરવા માટે તૈયાર કરાયું છે – ભારતનું સૌથી મોટું અને પ્રથમ આર્કીઓલોજિકલ એક્સપિરિઅન્સ મ્યુઝીયમ. આ મ્યુઝીયમ વડનગરના 2,500 વર્ષના ઐતિહાસિક વારસાને જીવંત કરે છે. મ્યુઝિયમમાં ઈસવીસન પૂર્વે 800 થી શરુ કરીને સાત અલગ-અલગ સંસ્કૃતિના તબક્કાઓ રજૂ કરવામાં આવ્યા છે.

એકવીસમી સદીના આરંભે ગુજરાત રાજ્ય પુરાતત્ત્વ વિભાગે કરેલા ઉત્ખનન્ન દરમિયાન વડનગરમાં બૌદ્ધ વિહારના અવશેષો અને માટીના વાસણો મળ્યા હતા, જે શહેરના સમૃદ્ધ ઈતિહાસની ઝલક આપે છે. વડનગરના ખોદકામમાં આઇઆઇટી ખડગપુર, આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયા અને અન્ય સંસ્થાઓના વૈજ્ઞાનિકોએ માનવ વસાહતના પુરાવા શોધ્યા છે, જે હવે મ્યુઝિયમના મુખ્ય આકર્ષણ તરીકે પ્રસ્તુત થશે.

વર્ષ 2014માં વડનગર ખાતે કરાયેલા ઉત્ખનન દરમિયાન, નાના મોટા 60થી વધુ દુર્લભ સ્મારકો મળી આવ્યા હતા. વડનગરમાં પુરાતત્વીય ખજાના ઉપરાંત હાટકેશ્વર મહાદેવ મંદિર, શર્મિષ્ઠા તળાવ અને 12મી સદીનું કીર્તિ-તોરણ આકર્ષણનું કેન્દ્ર છે. નવા મ્યુઝિયમમાં ક્લોક ટાવર અને આર્ટ ગેલેરીનો પણ સમાવેશ છે, જે પ્રવાસીઓને વડનગરના ઇતિહાસ અને વિકાસની યાત્રાનો અનુભવ કરવાની તક પૂરી પાડે છે.

આ મ્યુઝિયમમાં સૈકા જૂની કલાઓ, શિલ્પો અને ભાષાને પ્રદર્શિત કરતી 9 થીમેટિક ગેલેરીઓ પણ બનાવવામાં આવી છે. આ મ્યુઝિયમમાં ત્રણ ફ્લોરમાં સાત ગેલેરીનો સમાવેશ થાય છે, તેમાં ત્રણ ગેલેરીમાં વડનગર શહેરનો મહત્વપૂર્ણ વારસો નિહાળી શકાય છે. આ આર્ટ ગેલેરીમાં વડનગર સાથે જોડાયેલા ધર્મો, શાસકો અને કથાઓની સાથોસાથ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના બાળપણને પ્રદર્શિત કરતો વિભાગ પણ છે.
(વીડિયો સૌજન્ય- માહિતી ખાતુ, ગાંધીનગર)