અમરેલી: ખાંભા-મહુવાને જોડતો ધાતરવડી નદી પરનો બ્રિજ 10 જ વર્ષમાં બન્યો બિસ્માર- ગમે ત્યારે તૂટી પડે તેવી સ્થિતિ- Video
અમરેલી: રાજુલા તાલુકામાં આવેલો ખાંભાથી મહુવા જવાનો બ્રિજ ગમે ત્યારે તૂટી પડે તેવો જોખમી બન્યો છે. માત્ર 10 જ વર્ષમાં આ બ્રિજ બિસમાર બન્યો છે. લોકો જીવના જોખમે આ બ્રિજ પરથી પસાર થઈ રહ્યા છે. ગમે ત્યારે આ બ્રિજ તૂટી પડે તો મોટો અકસ્માત સર્જાઈ શકે છે.
રાજ્યમાં બ્રિજોના બિસ્માર થવાનો સિલસિલો બંધ થવાનું નામ જ નથી લઈ રહ્યો. ગુજરાતમાં બ્રિજને બનતા જેટલો સમય લાગે છે. તેનાથી પણ ઓછાં સમયમાં તેની હાલત એવી થઈ જાય છે કે નવો બ્રિજ બનાવવાની જરૂર પડે ! અને હાલ કંઈક આવાં જ દ્રશ્યો અમરેલીમાંથી સામે આવી રહ્યા છે.
10 વર્ષમાં જ આ બ્રિજમાંથી અનેક ઠેકાણે સળિયા બહાર નીકળી ગયા છે અને મસમોટી તિરાડો પડી ગઈ છે. સ્લેબ વચ્ચે એ હદે જગ્યા પડી ગઈ છે કે એવું લાગે જાણે હમણાં જ બ્રિજ તૂટી પડશે. અમરેલી જિલ્લાના સ્ટેટ હાઈવે પર આવેલા પર આવેલો આ બ્રિજ છે. રાજુલા તાલુકામાં ખાંભા-મહુવા હાઈવે ઉપર ભાક્ષી ગામ નજીક આ બ્રિજ આવેલો છે. ધાતરવડી નદી પર બનેલા આ બ્રિજનું હજુ તો માંડ દસ વર્ષ પહેલાં જ નિર્માણ થયું છે છતાં તેની આ સ્થિતિ. જે બ્રિજની કામગીરી અને ગુણવત્તા સામે અનેક સવાલો ઉભા કરે છે.
મુદ્દો એ છે કે બ્રિજ જોખમી બન્યો હોવા છતાં તેના પર વાહન વ્યવહાર પણ ચાલુ છે. અન્ય વિકલ્પ ન હોઈ લોકો જીવના જોખમે બ્રિજ પરથી પસાર થવા મજબૂર બન્યા છે. રોજ ભારે વાહનો પણ આ બ્રિજ પરથી પસાર થાય છે. ત્યારે સવાલ એ છે કે જો કોઈ કોઈ અકસ્માત સર્જાયો કે દુર્ઘટના ઘટી તો જવાબદારી કોની ?
સ્થાનિકોનો આક્ષેપ છે કે આસપાસ ભરડીયા ધમધમી રહ્યા છે. જેમાં સતત બ્લાસ્ટ થવાને કારણે બ્રિજ આ હદે બિસ્માર બન્યો છે. પરંતુ, વારંવાર રજૂઆત કરવા છતાં આજ સુધી તંત્રના કોઈપણ અધિકારી આ વિસ્તારમાં ફરક્યા નથી. મુદ્દો એ કે શું કોઈ દુર્ઘટના પછી જ તંત્ર જાગશે ? પ્રશ્ન તો એ પણ છે કે કરોડો રૂપિયાના ખર્ચે બનેલો બ્રિજ આ હદે બિસ્માર કઈ રીતે થઈ ગયો ?
Input Credit- Jaydev Kathi- Amreli
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો