અમિત શાહના હસ્તે રૂ. 128 કરોડના ખર્ચે મધુર ડેરીના આધુનિક પ્લાન્ટનું ‘લોકાર્પણ’, બહેનો બનશે વધુ ‘સશક્ત’ – જુઓ Video
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે ગાંધીનગરમાં મધુર ડેરીના નવા આધુનિક પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. રૂ. 128 કરોડના ખર્ચે તૈયાર થયેલા અને 5 લાખ લિટરની ક્ષમતા ધરાવતા આ પ્લાન્ટથી પશુપાલક બહેનોને સૌથી મોટો આર્થિક ફાયદો થશે.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે ગાંધીનગરમાં મધુર ડેરીના નવા પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. અમિત શાહે રૂ. 128 કરોડના ખર્ચે તૈયાર થયેલા અને 5 લાખ લિટરની ક્ષમતા ધરાવતા આ આધુનિક પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું.
આ પ્રસંગે સંબોધન કરતા અમિત શાહે જણાવ્યું હતું કે, આ નવા પ્લાન્ટથી પશુપાલક બહેનોને સૌથી મોટો ફાયદો થશે. તેમણે ઉમેર્યું કે, મધુર ડેરી આજે એક મજબૂત ડેરી તરીકે ઉભરી આવી છે અને અહીંથી 3 લાખ લિટરથી વધુ દૂધનું વિતરણ થવું એ સહકારી સિસ્ટમની મોટી સફળતા છે. આ વ્યવસ્થાના કારણે પશુપાલકોની આવકમાં વધારો થયો છે અને બહેનો વધુ સશક્ત બની છે.
મધુર ડેરીના કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, “હું બાજુના માણસા ગામમાં જન્મ્યો છું. અમારા ગામમાં વર્ષ 1971માં ડેરી આવી હતી અને એ સમયથી મેં પશુપાલકો તેમજ ડેરી વચ્ચેનો વ્યવહાર ખૂબ નજીકથી જોયો છે. આજે સ્થિતિ બદલાઈ છે, હવે બહેનો ઘરમાં ‘શેઠ’ બનીને ચેક આપે છે. ટૂંકમાં, જ્યારે તેમના ખાતામાં પગાર જમા થાય છે, ત્યારે તેમના ચહેરા પર કેવો આનંદ હોય છે, તે મેં પોતે જોયું છે.”