ગુજરાતમાં આ તરીખથી જામશે ‘ચોમાસુ’, અંબાલાલ પટેલે ફરી શરુ કરી હવામાનની આગાહી – જુઓ Video
ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદને લઈને ફરી એકવાર નવી આગાહી કરી છે. તેમણે આગામી સમયમાં હવામાનમાં થનારા પલટા અને કયા વિસ્તારોમાં સારો વરસાદ પડશે તેની વિગતો આપી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર આગાહીઓ શરૂ કરી દીધી છે. આ અંગે વાત કરતા તેમણે જણાવ્યું છે કે, જનતા જ મારા માટે ભગવાન છે. તેઓ પરંપરાગત જ્ઞાનના સુમેળ સાથે આ આગાહી કરે છે. તેમના જણાવ્યા અનુસાર, આ આગાહી માત્ર વિચાર વિનિમય માટે જ છે.
અંબાલાલ પટેલે રાજ્યના હવામાનમાં પલટો આવવાની પણ આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ, 15 જુલાઈએ હવામાનમાં પલટો આવવાના એંધાણ વર્તાઈ રહ્યા છે અને 20 જુલાઈ સુધી રાજ્યમાં હળવો વરસાદ પડી શકે છે. આ સાથે જ તેમણે રથયાત્રાના દિવસે પણ છૂટાછવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.
આગામી 22 જુલાઈથી રાજ્યમાં ચોમાસું પોતાની જમાવટ કરશે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર, 22 જુલાઈથી 30 જુલાઈ સુધી રાજ્યમાં સારો એવો વરસાદ પડવાની શક્યતા છે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત કચ્છ અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદ પડવાની સંભાવના છે. આ સિવાય અમદાવાદ, વડોદરા અને પંચમહાલમાં પણ વરસાદ પડશે.
