Breaking News: કૂતુહલનો અંત આવ્યો! સારંગપુરની જર્જરિત પાણીની ટાંકી પર આ રીતે ચડાવાયું JCB, જુઓ વીડિયો
અમદાવાદના સારંગપુર વિસ્તારમાં આવેલી વર્ષો જૂની જર્જરિત પાણીની ટાંકી આખરે ઉતારી લેવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસોથી આ ટાંકી કેવી રીતે તોડવામાં આવશે અને JCB મશીન કેવી રીતે ટાંકી પર ચડાવાયુ તે જાણવા અંગે લોકોમાં ભારે કૂતુહલ હતું. હવે આ કૂતુહલનો અંત આવ્યો છે.
સારંગપુર જેવા ગીચ અને સતત ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં કોઈપણ પ્રકારની અવરોધ વિના ટાંકી તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પાણીની ટાંકી તોડવા માટે ક્રેનની મદદથી JCB મશીનને ટાંકીના ઉપરના ભાગ પર ચડાવવામાં આવ્યું હતું. આ સમગ્ર પ્રક્રિયાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
ટાંકી અત્યંત જર્જરિત હાલતમાં હતી
મ્યુનિસિપલ તંત્ર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ લગભગ 70 વર્ષ જૂની આ પાણીની ટાંકી અત્યંત જર્જરિત હાલતમાં હતી અને જાહેર સલામતીના હિતમાં તેને ઉતારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હાલ ટાંકીનો ઉપરનો ભાગ સંપૂર્ણપણે દૂર કરી લેવામાં આવ્યો છે, જ્યારે પીલર તોડી પાડવાની કામગીરી ચાલી રહી છે.
ટ્રાફિકને કોઈ અડચણ ન પડે તે રીતે આયોજનબદ્ધ રીતે કામગીરી કરવામાં આવી હતી. તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે આ જગ્યાએ હવે નવી અને આધુનિક પાણીની ટાંકી બનાવવામાં આવશે, જેથી વિસ્તારના રહેવાસીઓને ભવિષ્યમાં કોઈ જોખમ ન રહે.