Rath Yatra 2026:અમદાવાદમાં ભગવાન જગન્નાથને નિરખી ભાવિકો બન્યા ભક્તિમય, 18 ગજરાજો વધારી રહ્યા છે રથયાત્રાની શોભા
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભક્તિભાવ પૂર્વક નીકળી છે. ભગવાનના જગન્નાથના રથની સાથે 18 ગજરાજો અને અખાડાના કરતબ બાજો મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા છે, જેઓ વિવિધ કરતબો કરી ભાવિકોને આકર્ષી રહ્યા છે.
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા યોજાઈ છે. નગરના નાથ નગરચર્યાએ નીકળ્યા છે ત્યારે નાથના ઓવારણા લેવા, વ્હાલાના વધાવવા માટે આખુય શહેર જાણે હિલોળે ચડ્યુ હોય તેવા દૃશ્યો જોવા મળી રહ્યા છે. શહેરીજનોનો ઉત્સાહ ક્યાંય સમાઈ નથી રહ્યો. જે-જે રૂટ પરથી રથયાત્રા નીકળી રહી છે ત્યાં હજારો ભક્તો નાથને નિહાળવા રાહ જોઈ રહ્યા છે. આ રથયાત્રાની ખરી શોભા એટલે ગજરાજ. જેમને રથયાત્રાનું પહેલુ આમંત્રણ મળે છે. તેમના દ્વારા જ પ્રથમ પ્રસ્થાન કરવામાં આવે છે. આ રથયાત્રામાં 18 ગજરાજ જોડાા છે. 30 જેટલા અખાડાના કરતબ બાજો અદ્દભૂત કરતબો બતાવી રહ્યા છે અને ભાવિકોને આકર્ષી રહ્યા છે.
જગતના નાથ જગન્નાથ જ્યારે નગરચર્યાએ નીકળ્યા છે. ત્યારે વિશાળ અને અલૌકિક દૃશ્યો જોવા મળી રહ્યા છે. રથયાત્રામાં સૌપ્રથમ ‘નંદિઘોષ’ રથ પર ભગવાન જગન્નાથ બિરાજમાન થયા છે. ત્યારબાદ વચ્ચે ‘પદ્મધ્વજ’ રથમાં બહેન સુભદ્રાજી વિદ્યમાન થયા છે. અને ‘તાલધ્વજ’ રથ પર બળભદ્રજી બિરાજમાન છે. બંને ભાઈઓની વચ્ચે બહેન સુભદ્રાજી નો રથ રાખવામાં આવ્યો છે. ત્યારે ભારતીય સંસ્કૃતિમાં ભાઈ હંમેશા બહેનની રક્ષા કરે છે તે પણ અહીં જોવા મળે છે. બંને ભાઈઓની વચ્ચે બહેન સુભદ્રાજીનો રથ ચાલી રહ્યો છે.
આટલી ગરમીમાં પણ ભક્તો શા માટે કલાકો સુધી રાહ જોઈ રહ્યા છે, આ કયો ભાવ છે, કયો જુસ્સો છે, કઈ શક્તિ છે જે તેમને આટલું જોમ પૂરે છે? આ પ્રશ્નનો ઉત્તર આપતા ડોક્ટર કૃણાલ જોષીએ સુંદર સમજૂતી આપી. તેમણે હરિ શબ્દની વ્યાખ્યા કરતા કહ્યું કે “ભક્તજનાનામ પાપાન તાપાન હરતિ ઈતિ હરિ” અર્થાત્ જે ભક્તોના પાપ અને તાપને હરી લે તે હરિ. મનુષ્યના જીવનમાં બે પ્રકારના તાપ હોય છે, એક બાહ્ય તાપ અને બીજો આંતરિક તાપ. બાહ્ય તાપ એટલે શારીરિક ગરમી, થાક, કે બહારની કોઈ પ્રતિકૂળ પરિસ્થિતિ. જ્યારે આંતરિક તાપ એટલે આધી (માનસિક પીડા), વ્યાધી (શારીરિક રોગ) અને ઉપાધી (સામાજિક કે વ્યવહારિક મુશ્કેલીઓ).
ડોક્ટર જોષીએ જણાવ્યું કે જ્યારે વ્યક્તિ ભગવાનના દર્શન કરે છે, ત્યારે તેને અંદરના તાપમાંથી મુક્તિ મળે છે. એકવાર અંદરનો તાપ દૂર થઈ જાય, આંતરિક શાંતિ અને સંતોષ પ્રાપ્ત થાય, પછી બાહ્ય તાપ, ગરમી હોય કે બીજી કોઈ અગવડ, તેને સ્પર્શી શકતો નથી. તેની કોઈ અસર ભક્તો પર થતી નથી. આ જ કારણ છે કે ભક્તો ગમે તેવી પરિસ્થિતિમાં પણ ભગવાનના દર્શન માટે અડગ રહે છે. તેમની આસ્થા તેમને આંતરિક શક્તિ પૂરી પાડે છે.
સમગ્ર માહોલ ભક્તિમય બન્યો છે. આ વખતે રથયાત્રામાં 101 ટ્રક જોડાયા છે. જેના પર વિવિધ સંદેશાઓ અને સાંસ્કૃતિક ઝાંખીઓ રજૂ કરાઈ છે. રથયાત્રામાં સામેલ 18 ભજન મંડળીઓ અને ભજનિકોનો ઉત્સાહ પણ ચરમસીમાએ છે. કર્ણાવતીમાં જ્યારે નાથ નગરચર્યાએ નીકળ્યા છે ત્યારે આખુય શહેર ભક્તિમય બન્યુ હોય તેવુ ભાસી રહ્યુ છે. રથયાત્રામાં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યુ છે અને ભગવાનના મોસાળ સરસપુરની ગલીએ ગલીએ રસોડા ધમધમી રહ્યા છે. પ્રભુનો રથ સરસપુરથી પ્રસ્થાન કરે તે પહેલા ભાવિકોએ વ્હાલાના ઓવારણા લીધા અને આવતા વર્ષે જલદી આવે તે માટે પ્રાર્થના પ્રાર્થના કરી હતી.