Tv9ના રિયાલિટી ચેકમાં સામે આવી તંત્રની ઘોર બેદરકારી, અમદાવાદનો સરદાર બ્રિજ પણ ગમે ત્યારે ધરાશાય થવાની સ્થિતિમાં- જુઓ Video
સુભાષ બ્રિજ પછી હવે સરદાર બ્રિજ લોખંડના સળિયા દેખાયા, જોઈન્ટ્સમાં ઊંડા ગાબડાં, ઇન્સ્પેક્શનમાં પાસ થયેલા બ્રિજની સ્થિતિ અત્યંત ચિંતાજનક છે તો જેના ઇન્સ્પેક્શન કરવામાં ના આવ્યા હોયે તે બ્રિજની હાલત શું હશે?
અમદાવાદ શહેરના મુખ્ય બ્રિજની સ્થિતિ અત્યંત ચિંતાજનક જણાઈ રહી છે. સુભાષ બ્રિજને જોખમી જાહેર કરીને 25 ડિસેમ્બર સુધી જાહેર જનતા માટે બંધ કરી દેવાયો છે. જોકે, હકીકત એ છે કે પાંચ મહિના પહેલાં જ એક રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે બ્રિજનો કેન્ટીલીવર સ્લેબ ખરાબ છે, તેમ છતાં તંત્ર દ્વારા કોઈ તકેદારી લેવામાં આવી નહોતી.
TV9 દ્વારા શહેરના અન્ય મહત્ત્વપૂર્ણ બ્રિજ, જમાલપુર સરદાર બ્રિજનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું. આ ઇન્સ્પેક્શનમાં પાસ થયેલા સરદાર બ્રિજની સ્થિતિ પણ જોખમી જણાતાં મોટા સવાલો ઊભા થયા છે.
સરદાર બ્રિજ પર સ્પષ્ટ દેખાય છે જોખમ
રિયાલિટી ચેક દરમિયાન જણાયું કે સરદાર બ્રિજમાં ઠેર ઠેર ગાબડાં પડ્યાં છે અને ઘણી જગ્યાએથી લોખંડના સળિયા પણ બહાર દેખાઈ રહ્યા છે. બ્રિજના જોઈન્ટ્સમાં પડેલાં મોટા અને ઊંડા ગાબડાં અત્યંત ચિંતાજનક છે. આ બ્રિજ પરથી ટ્રક, ટ્રેલર સહિતના ભારે વાહનોની સતત અવરજવર રહે છે. જમાલપુર શાક માર્કેટ, ફૂલ બજાર અને ગીતા મંદિર તરફ જતા ભારે વાહનોનો ધસારો સતત રહેતો હોવાથી બ્રિજ પર ભારણ વધ્યું છે.
મોટો સવાલ: તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
સવાલ એ છે કે શું સમારકામ માટે તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? બ્રિજની સ્થિતિ સામાન્ય જનતાને નજરોનજર દેખાય છે, પરંતુ ACમાં બેસતા અધિકારીઓ કે બ્રિજનું ઈન્સ્પેક્શન કરનારી કમિટીઓના ધ્યાને આ વાત કેમ નથી આવતી? બ્રિજમાં પડેલા નાના ગાબડાનું સમારકામ જો સમયસર ન થાય, તો તે મોટા થવાની ભીતિ છે.
એક નાગરિકે આક્ષેપ કર્યો કે જનતા સવાલ પૂછતી નથી, અને એટલે સરકાર જવાબદારી લેતી નથી! મુદ્દો એ છે કે જ્યાં સુધી જનતા જાગૃત નહીં થાય અને તંત્ર જવાબદાર નહીં બને, ત્યાં સુધી બ્રિજની આ જોખમી સ્થિતિ યથાવત્ રહેશે. સમારકામ માટે હવે કઈ વાતની રાહ જોવાઈ રહી છે, તે મોટો સવાલ છે.
Input Credit-Sachin Patil- Ahmedabad