અમદાવાદ: બાપુનગરની ગ્રાન્ટેડ રંજન સ્કૂલને બંધ કરવાના નિર્ણયનો વાલીઓએ કર્યો ઉગ્ર વિરોધ- Video

| Edited By: | Updated on: Sep 13, 2024 | 4:38 PM

અમદાવાદની બાપુનગરની રંજન ગ્રાન્ટેડ શાળાને બંધ કરવાનો નિર્ણય કરાયો છે. વિદ્યાર્થીઓની ઓછી સંખ્યાને લીધે સ્કૂલને બંધ કરવામાં આવશે. જેના કારણે 125 જેટલા વિદ્યાર્થીઓેને અન્ય શાળામાં ટ્રાન્સફર કરવામાં આવશે. જો કે શાળાના આ નિર્ણયનો વાલીઓ ઉગ્ર વિરોધ કરી રહ્યા છે.

અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલી રંજન ગ્રાન્ટેડ સ્કૂલને બંધ કરવાના નિર્ણય કરાતા વાલીઓ લાલઘુમ થયા છે.શાળા બંધ કરવાના નિર્ણયનો વાલીઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. આ શાળા બંધ થતા 125 વિદ્યાર્થીઓને અન્ય સ્કૂલમાં ટ્રાન્સફર કરવામાં આવશે. સ્કૂલમાં ધોરણ 9, 11 અને 12માં માત્ર 25 થી 30 વિદ્યાર્થીઓ છે અને ધોરણ 10માં 36 કરતા વધુ વિદ્યાર્થીઓ છે. છેલ્લા 5 વર્ષમાં રાજ્યમાં ગુજરાત એજ્યુકેશન બોર્ડની 150થી વધુ સ્કૂલો બંધ થઈ છે.

જો કે શાળા સંચાલકનો દાવો છે કે અમારે સ્કૂલ શરૂ જ રાખવાની છે, અમે સંખ્યા પૂરી થાય તે માટે પ્રયાસ કરીએ જ છીએ , હાલ જે વિદ્યાર્થીઓની ઘટ છે તેને પૂરી કરશુ અને શાળા ચાલુ જ રાખવાની છે. સંચાલકનું કહેવુ છે કે સરકારની જોહુકમીને કારણે ગ્રાન્ટેડ શાળાઓ બંધ કરાઈ રહી છે, તેમનો આક્ષેપ છે કે મંડળને જાણ કર્યા વગર જ શાળા બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. અમને DEO કચેરીમાંથી આદેશ આવ્યો છે, નિરીક્ષક આવ્યા હતા અને અમને કોઈપણ પ્રકારના વિશ્વાસમાં લીધા વિના શાળા બંધ કરી દેવાનો સીધો આદેશ કરી દેવામાં આવ્યો છે, અમને કોઈ જાણ કરવામાં આવી નથી.

વાલીઓનું કહેવુ છે કે શાળા દ્વારા અચાનક ફોન આવ્યો અને એલસી લઈ જવા માટે જણાવવામાં આવ્યુ છે, અગાઉ કોઈપણ પ્રકારની જાણ કરવામાં આવી નથી. હાલ  સ્કૂલ બંધ થવાનુ સાંભળી વિદ્યાર્થીઓ અને વાલીઓ ચિંતામાં મુકાયા છે.  બીજી તરફ આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારીને પુછવામાં આવ્યું તો તેમણે કહ્યું શાળામાં વર્ગદીઠ 36 વિદ્યાર્થીઓની સંખ્યા ન જળવાતા સ્કૂલ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે અને સમગ્ર શાળાના વિદ્યાર્થીઓને 500 મીટરની આજુબાજુની શાળામાં ખસેડવાનો પ્રયાસ ચાલી રહ્યો છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો