અમદાવાદમાં ભગવાન જગન્નાથની જળયાત્રાની ભવ્ય તૈયારીઓ, 108 કળશથી થશે મહાભિષેક
અમદાવાદના જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથજીની જળયાત્રાને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. 108 કળશના જળથી મહાભિષેક, ભવ્ય શોભાયાત્રા અને વર્ષમાં એક જ વાર થતા ગજવેશના દુર્લભ દર્શન માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
અમદાવાદના ઐતિહાસિક જગન્નાથ મંદિરમાં 29 જૂને યોજાનારી ભગવાન જગન્નાથજીની પવિત્ર જળયાત્રાને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મંદિરને ધ્વજ-પતાકાઓથી શણગારવામાં આવી રહ્યું છે, જ્યારે 108 કળશના રંગરોગાન અને કાવડ તૈયાર કરવાની કામગીરી પણ અંતિમ તબક્કામાં પહોંચી છે. જળયાત્રાના દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય શોભાયાત્રા નીકળશે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાશે.
જળયાત્રા દરમિયાન મંદિરના મહંત, ટ્રસ્ટીઓ અને આમંત્રિત મહેમાનો સાબરમતી રિવર ક્રૂઝમાં સવાર થઈ સાબરમતી નદીમાંથી પવિત્ર જળ ભરી લાવશે. ત્યારબાદ ભુદરના આરે વૈદિક વિધિ મુજબ પૂજન કરવામાં આવશે અને પછી આ જળ મંદિર સુધી લાવવામાં આવશે. આ પવિત્ર જળથી ભગવાન જગન્નાથજીનો 108 કળશ વડે મહાભિષેક કરવામાં આવશે.
જળયાત્રા બાદ ભગવાન જગન્નાથજી વર્ષમાં માત્ર એક જ વાર ધારણ કરવામાં આવતા ગજવેશમાં ભક્તોને દર્શન આપશે. ભગવાનના ગણપતિ સ્વરૂપના આ દુર્લભ દર્શન માટે દર વર્ષે હજારો શ્રદ્ધાળુઓ અમદાવાદના જગન્નાથ મંદિરે ઉમટી પડે છે.