અમદાવાદ: ચાંગોદરમાંથી ઝડપાઈ બનાવટી દવા બનાવતી ફેક્ટરી, પોણા બે કરોડની કિંમતની દવાઓનો જથ્થો કરાયો જપ્ત- વીડિયો

| Edited By: | Updated on: Feb 17, 2024 | 10:19 PM

રાજ્યમાં આજકાલ નક્લીની ભરમાર ફાટી નીકળી છે. નક્લી ઘી, નક્લી દૂધ, નક્લી કચેરી અને હવે નક્લી દવાઓની પણ ફેક્ટરી મળી આવી છે. અમદાવાદના ચાંગોદરમાંથી બનાવટી એન્ટીબાયોટિક દવાઓની ફેક્ટરી ઝડપાઈ છે અને પોણા બે કરોડની કિંમતની દવાઓનો જથ્થો જપ્ત કરાયો છે. કોઈપણ લાયસન્સ અને ટેસ્ટિંગ વિના આ દવા બનાવાતી હતી અને રાજ્યની વિવિધ મેડિકલમાં સપ્લાય કરાતી હતી.

અમદાવાદના ચાંગોદરમાંથી બનાવટી દવાઓની ફેક્ટરી ઝડપાવાના કેસમાં મોટો ખુલાસો થયો છે, સામે આવ્યું છે કે નકલી દવાઓનું ઉત્પાદન કરીને રાજ્યભરમાં તેનું વેચાણ કરાતું હતું. રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડામાં રૂપિયા પોણા બે કરોડની કિંમતની બનાવટી એન્ટિબાયોટિક દવાઓનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. અહી દવાઓનું ઉત્પાદન કરી વડોદરા, સુરત, ભુજ, ઇડરમાં મોકલવામાં આવતી હતી. ત્યારે વિભાગે ફેક્ટરીમાંથી મિક્ષર, શિફ્ટર, 2 કોમ્પ્રેસન મશીન, કોટીંગ મશીન સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

કોઈપણ ટેસ્ટિંગ વગર બનતી હતી દવાઓ

તપાસમાં ખુલાસો થયો છે કે અન્ય રાજ્યની પેઢીના લાયસન્સનો ઉપયોગ કરાયો હતો, ચાંગોદરમાં આવેલા મહારાજા હાઉસમાં નક્લી દવાઓ બનતી હતી. કોઈપણ લાયસન્સ વગર એન્ટીબાયોટિકના નામે ડુપ્લીકેટ દવાઓ બનાવવામાં આવતી હતી. ફેક્ટરીની દવાઓ શહેરના 11 જેટલા મેડિકલ સ્ટોરમાં સપ્લાય કરાયાની વિગતો પણ પ્રકાશમાં આવી છે.

હરદ્વારની કંપનીના નામે ખોટુ લાયસન્સ લેવાયુ

ગાંધીનગર ફુડ એન્ડ ડ્રગ્સ દ્વારા કરાયેલી દરોડાની કામગીરીમાં જેમાં 1.75 કરોડથી વધુની કિંમતની એન્ટીબાયોટિક દવાઓનો જથ્થો અને રો મટિરિયલ જપ્ત કરવામાં આવ્યુ છે. હાલ 9 જેટલી દવાના સેમ્પલ તપાસ માટે મોકલાયા છે. હરદ્વારની એક કંપનીના નામનુ ખોટુ લાયસન્સ લઈ, સરનામુ બતાવી અહીં જ ડુપ્લીકેટનો ખેલ શરૂ કરવામાં આવ્યો હતો. આ દવાઓ દર્દીઓ માટે ઘણી ખતરનાક સાબિત થઈ શકે તેમ હતી. આ દવાનું કોઈપણ પ્રકારનું ટેસ્ટિંગ કરવામાં આવતુ ન હતુ.

આ પણ વાંચો: ભાવનગર: ચારણ સમાજ વિશે વિવાદી ટીપ્પણી બદલ ગીગા ભમ્મર સામે અમદાવાદ સાયબર ક્રાઈમમાં થઈ ફરિયાદ, પુત્રએ માગી માફી

આ દવાની ફેક્ટરીમાં કોઇપણ પ્રકારના ટેક્નિકલ વ્યક્તિઓને રાખવામાં આવ્યા ન હતી. આ ગંભીર પ્રકારના ગુનાનો ખુલાસો થતાં હાલ ફેક્ટરીને સીલ કરી દેવાઇ છે. પાઈકન ફાર્મા કંપનીના માલિક નરેશ ધનવાણીયા અને ફાર્માકેમનાં દિવ્યેશ જાગાણી સામે તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Feb 17, 2024 10:18 PM