58 કરોડના ખર્ચે બનેલા બ્રિજમાં 7 વર્ષમાં ત્રીજી વખત રિપેરિંગ, AMCમાં ક્યાં સુધી ચાલશે ‘લાલિયાવાડી’?

58 કરોડના ખર્ચે બનેલા બ્રિજમાં 7 વર્ષમાં ત્રીજી વખત રિપેરિંગ, AMCમાં ક્યાં સુધી ચાલશે ‘લાલિયાવાડી’?

| Edited By: | Updated on: Dec 30, 2025 | 9:41 PM

અમદાવાદમાં સુભાષબ્રિજ બાદ હવે ઈન્કમટેક્સ બ્રિજ પણ ક્ષતિગ્રસ્ત બનતા AMCની કામગીરી અને કોન્ટ્રાક્ટર સામે ગંભીર સવાલો ઊભા થયા છે. માત્ર 6–7 વર્ષમાં કરોડોના બ્રિજને વારંવાર રિપેર કરવાની ફરજ પડતા નાગરિકોની સુરક્ષા જોખમમાં મુકાઈ છે.

અમદાવાદમાં વધુ એક બ્રિજમાં બેદરકારીનો ક્સ્સો સામે આવ્યો છે. સુભાષબ્રિજ બાદ હવે ઈન્કમટેક્સ બ્રિજ પર લાગેલા જોઇન્ટ તૂટી જતા બ્રિજ ક્ષતિગ્રસ્ત થયો છે. બ્રિજને જોડતા જોઇન્ટની નીચેનો ભાગ તૂટી જતાં અકસ્માતની શક્યતા વધતા મામલો ગંભીર બન્યો હતો. મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હરકતમાં આવી અને તાત્કાલિક બ્રિજ પર બેરીકેડ લગાવવામાં આવ્યા.

ઉલ્લેખનીય છે કે 58 કરોડના ખર્ચે રણજીત કન્સ્ટ્રક્શન કંપની દ્વારા બનાવવામાં આવેલા આ બ્રિજને છેલ્લા 7 વર્ષમાં બેથી ત્રણ વખત રિપેર કરવાની ફરજ પડી છે. તેમ છતાં, કંપની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ચેરમેન બ્રિજમાં સામાન્ય રિપેરિંગ હોવાનું કહી, વોરંટી અંતર્ગત કોન્ટ્રાક્ટર દ્વારા કામ કરવામાં આવશે તેવો બચાવ કર્યો છે.

આ મામલે કોંગ્રેસે AMC અને કોન્ટ્રાક્ટર સામે આકરા પ્રહાર કર્યા છે. કોંગ્રેસનું કહેવું છે કે માત્ર 6 વર્ષમાં બ્રિજ રિપેર કરવો પડે તે શરમજનક છે અને તેમાં અધિકારીઓ તથા કોન્ટ્રાક્ટરની મિલીભગત હોવાનો આરોપ લગાવ્યો છે. જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ પણ કરવામાં આવી છે.

રણજીત કન્સ્ટ્રક્શન કંપની અગાઉ પણ આંબેડકર બ્રિજ (મહેસાણા), મહી નદી એક્સપ્રેસવે બ્રિજ અને અમદાવાદના કેટલાક ફ્લાયઓવર્સમાં ખામીઓના કારણે ચર્ચામાં રહી ચૂકી છે, ત્યારે ફરી એક બ્રિજ ક્ષતિગ્રસ્ત બનતા શહેરની ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગુણવત્તા પર મોટો સવાલ ઊભો થયો છે.

Input Cridet: Jignesh Patel

ભોજન કર્યા પછી તમને પણ એવું થાય છે કે “કુછ મીઠા” હો જાય!,વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Dec 30, 2025 08:51 PM