Panchmahal : ઉમરપુર અને હાંસેલાવ ગામમાં નળ છે પણ પાણી નથી, ભર ઉનાળે પાણીની પારાયણ, જુઓ Video
પંચમહાલ જિલ્લાના ઉમરપુર અને હાંસેલાવ ગામોની મુલાકાત લેતા ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. અહીં નલ સે જલ યોજના અંતર્ગત પાણીની પાઇપલાઇન તો નાંખવામાં આવી છે, નળ પણ નાંખવામાં આવ્યા છે.પરંતુ હજુ સુધી પાણીનું એક ટીપું પણ ગ્રામજનોને મળ્યું નથી
પંચમહાલ ( Panchmahal ) જિલ્લામાં નલ સે જલ યોજનામાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો આક્ષેપ થતાં ફરી રાજકારણમાં ગરમાવો આવ્યો છે. બીજી તરફ જિલ્લાના અનેક ગામડાઓ પણ ખરા અર્થમાં પાણીથી વંચિત હોવાનું સામે આવ્યું છે. ટીવી નાઇનની ટીમે ઉમરપુર અને હાંસેલાવ ગામોની મુલાકાત લેતા ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. અહીં નલ સે જલ યોજના અંતર્ગત પાણીની પાઇપલાઇન તો નાંખવામાં આવી છે, નળ પણ નાંખવામાં આવ્યા છે.
આ પણ વાંચો : Panchmahal : સ્થાનિક એજન્સીનું ગોધરા સબજેલમાં સરપ્રાઈઝ ચેકિંગ, 9 મોબાઈલ ઝડપાયા
પરંતુ હજુ સુધી પાણીનું એક ટીપું પણ ગ્રામજનોને મળ્યું નથી. જેના કારણે આ પાઇપલાઇન અને નળ બંને શોભાના ગાંઠિયા સમાન બન્યા છે. યોજના પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. પરંતુ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલિભગતને કારણે મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો ગ્રામજનોનો આક્ષેપ છે. શહેરા બેઠકના ધારાસભ્ય જેઠા ભરવાડે આ મુદ્દે ઉચ્ચ સ્તરે રજૂઆત કરી ભ્રષ્ટાચારીઓ સામે કડક કાર્યવાહીની માગ કરી છે.
ગ્રામજનોએ નલ સે જલ યોજના અંતર્ગત કરાયેલી કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે. આ ગામોમાં યોજનાના કામો માત્ર કાગળ પર જ થયા હોવાની હૈયાવરાળ ગ્રામજનોએ કાઢી છે. તેમણે કહ્યું કે પાણી માટે જે પાઇપલાઇન તેમજ નળ નાંખવામાં આવ્યા તે ખૂબ જ હલકી ગુણવતાના અને તકલાદી છે.
યોજના અંતર્ગત અધિકારીઓ ફોટા પડાવીને જતા રહ્યા પરંતુ ત્યારબાદ ન તો અધિકારીઓ આવ્યા છે કે ન તો પાણી આવ્યું છે. અધિકારીઓ અને એજન્સીઓના ભ્રષ્ટાચારને કારણે ગ્રામજનોએ કાળઝાળ ગરમીમાં પાણી વિના વલખા મારવા પડી રહ્યા છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…