દ્વારકામાં 2 કલાકમાં ખાબક્યો 9 ઈંચ વરસાદ, આભ ફાટ્યા જેવી સ્થિતિ, કલ્યાણપુરમાં 10 ઈંચ વરસાદથી જળબંબાકાર- Video

|

Jul 19, 2024 | 7:38 PM

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેઘરાજા તોફાની બેટીંગ કરી રહ્યા છે. દ્વારકા તાલુકામાં 2 કલાકમાં 9 ઈંચ વરસાદ ખાબકી જતા જળબંબાકાર અને ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. આ તરફ કલ્યાણપુર તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 10 ઈંચ વરસાદ ખાબકી જતા અનેક માર્ગો ધોવાયા છે અને અવરજવર માટે બંધ કરાયા છે. જેના કારણે જનજીવન ભારે પ્રભાવિત થયુ છે.

દેવભૂમિ દ્વારકાના વિવિધ તાલુકાઓમાં ધોધમાર વરસાદ ખાબક્યો . જેના પગલે જામ રાવલમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. જામ રાવલ ગામ જાણે બેટમાં ફેરવાઈ ગયું હોય તેવાં દૃશ્યો સામે આવ્યા. તો આ તરફ કલ્યાણપુર તાલુકામાં 10 ઈંચથી વધુ વરસાદ ખાબકતા રસ્તા જાણે નદીઓમાં ફેરવાઈ ગયા હોય તે હદે પાણી ફરી વળ્યા હતા. કલ્યાણપુરની રેણુકા નદી પણ જાણે ગાંડીતૂર બની હતી નદી પરનો કોઝવે પણ પાણીમાં ગરકાવ થઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. આ તરફ ખંભાળિયામાં પણ ધોધમાર વરસાદથી મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. ધોધમાર વરસાદમાં તંત્રની કામગીરી પોલ ખુલી ગઈ અને લોકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

દ્વારકામાં કલ્યાણપુરમાં છેલ્લા 24 કલાકમાં 10 ઈંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે. હરીપર, ભાટીયા, ટંકારિયા, કેનેડી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત છે. ભારે વરસાદને પગલે ખેતરો જળમગ્ન બન્યા છે. સ્થળ ત્યા જળની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદને પગલે પાનેલી ગામથી હરીપર ગામને જોડતો રસ્તો પાણીમાં ગરકાવ થયો છે. રસ્તા પર ધસમસતા પાણીનો પ્રવાહ વહેતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદથી સામાન્ય જનજીવનને ભારે અસર પહોંચી છે.

દ્વારકા તાલુકામાં 2 કલાકમાં જ 9 ઈંચ વરસાદ તૂટી પડતા આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. જામરાવલ વિસ્તારમાં મેઘરાજાની તોફાની બેટીંગ જોવા મળી. રાવલ ચંદ્રાવાડા માર્ગ બેટમાં ફેરવાયો, માર્ગ પર પાણી વળતા અવરજવર માટે બંધ કરવામાં આવ્યો. રાવલ ગામની ચારેય તરફ પાણી ફરી વળ્યા. પાણીના ધસમસતા પ્રવાહને કારણે ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 7:37 pm, Fri, 19 July 24

Next Video