રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. ત્યારે આવી જ અકસ્માતની ઘટના વડોદરામાં બની હતી. વડોદરામાં 7 માર્ચના રોજ નોકરીથી પરત ફરી રહેલી યુવતીને બાઈકચાલકે અડફેટે લીધી હતી.અકસ્માતના 85 દિવસ બાદ પણ યુવતી હજુ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. યુવતીના પરિવાર પર આભ તૂટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. પોતાની વ્હાલસોય દીકરી કોમામાં જતી રહી છે અને હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
પરિવાર ન્યાય માટે પોકાર કરી રહ્યો છે.યુવતીના પરિવારજનોએ પોલીસ તપાસ સામે પણ સવાલ ઉઠાવ્યા છે. હવે અકસ્માત કરનાર યુવક સગીર વયનો હોવાથી તેની સામે ધરપકડની કાર્યવાહી નથી થઈ.પોલીસે નોટિસ મોકલીને સંતોષ માન્યો હોવાનો આક્ષેપ કર્યો છે.તો ન્યાયની આશ લઈને બેઠેલો પરિવાર કહી રહ્યો છે કે પૂણે અકસ્માતની ઘટનામાં જેમ પોલીસે કાર્યવાહી કરી તેમ વડોદરામાં કેમ નથી થઈ રહી.
પોલીસની કામગીરી સામે એટલે પણ સવાલ ઉઠી રહ્યા છે કે અકસ્માત બાદ પોલીસે આરોપી સગીરની બાઇક પણ ડિટેઇન કરી નથી. માત્ર RTO મેમો આપી સંતોષ માન્યો છે. સગીર નશાની હાલતમાં હતો કે નહીં તેનો પણ ટેસ્ટ કરવામાં આવ્યો નથી. તો બીજી તરફ પોલીસનું કહેવું છે કે આરોપી સગીર વયનો હોવાથી ધરપકડ કરાઈ નથી અને આરોપી અને તેના પિતાને નોટિસ આપવામાં આવી છે.