એક ટેબલ પર રૂપિયાનો ઢગલો પડ્યો હોય અને 15 મિનિટમાં ગણવાના હોય તો કેટલા રૂપિયા ગણાય? ચીનની એક કંપનીએ આ જ રીતે વહેંચ્યુ બોનસ- Video
એક ટેબલ પર અઢળક રૂપિયાનો ઢગલો કરી દેવામાં આવે અને 15 મિનિટ ગણવા માટે આપવામાં આવે તો કેટલા રૂપિયા ગણાઈ શકે.. તમને થશે આ કેવો વિચીત્ર સવાલ છે પરંતુ આ સવાલ થવો વાજબી છે કારણ કે ચીનની એક કંપનીએ તેના કર્મચારીઓને આ જ પ્રકારે બોનસ વહેંચ્યુ છે. વિશ્વાસ ન આવતો હોય તો અહીં આપેલો વીડિયો જોઈ લો.
જો તમે નોકરી કરતાં હોય અને તમારી કંપની તમને કહે કે ટેબલ પર અઢળક રૂપિયા ગોઠવ્યા છે. તમે 15 મિનિટમાં જેટલા ગણી શકો એટલા રૂપિયા તમને બોનસ તરીકે ઘરે લઈ જવા મળશે. તમને થશે આવું થોડુ હોય. પરંતુ આ સત્ય હકીકત છે. ચીનની એક કંપનીએ પોતાના કર્મચારીઓને બોનસ એવી રીતે વહેંચ્યું કે તે દુનિયામાં ચર્ચાનો વિષય બની ગયો. આ ચાઇનીઝ ફર્મ ક્રેન્સનું ઉત્પાદન કરે છે અને તેનું નામ ‘હેનાન માઇનિંગ ક્રેન કંપની લિમિટેડ’ છે, તેણે 11 મિલિયન સિંગાપોર ડોલર અને 70 કરોડ ભારતીય રૂપિયા બોનસ તરીકે કર્મચારીઓને આપ્યા. હેનાન માઇનિંગ દ્વારા તેના કર્મચારીઓને બોનસ આપવાની આ રીત સોશિયલ મીડિયા પર પણ ખૂબ વાયરલ થઈ રહી છે. ક્રેન કંપનીએ લગભગ 70 મીટર લંબાઈના ટેબલ પર ચાઇનીઝ કરન્સી યેન પાથરી દીધી અને તેના કર્મચારીઓને 15 મિનિટનો સમય આપ્યો કે જેટલા રૂપિયા ગણી શકો એટલા રૂપિયા તમે ઘરે લઈ જાવ.
કંપની દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે આ સમયગાળામાં તમે જેટલી રોકડ લઈ શકો તેટલી રકમ લેવા માટે તમારી પાસે 15 મિનિટનો સમય છે. આ માટે કંપનીએ 30-30 કર્મચારીઓની ટીમ બનાવી હતી અને દરેકને એક પછી એક તક આપી હતી. કંપની દ્વારા 25 જાન્યુઆરીના રોજ આ સ્પેશિયલ બોનસનું વિતરણ કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે, જ્યારે કોઈ કંપની બોનસ આપે છે, ત્યારે કર્મચારીઓ ઉત્સાહિત થઈ જાય છે અને જો આ બોનસ મર્યાદા વિનાનું હોય, તો પછી કહેવું જ શું.