MONEY9: શા માટે ચીન ખરીદી રહ્યું છે ભારત પાસેથી જંગી માત્રામાં ચોખા?

માર્ચમાં પૂરા થયેલાં નાણાકીય વર્ષ 2021-22માં ભારતે જેટલા ચોખાની નિકાસ કરી, તેમાં ચીનનો હિસ્સો લગભગ 8 ટકા હતો. આમ, ભારતે ચોખાની નિકાસમાં હાંસલ કરેલી નવી સિદ્ધિમાં ચીનનું મોટું યોગદાન રહ્યું છે.

Divyesh Nagar
| Edited By: | Updated on: Jun 23, 2022 | 3:24 PM

MONEY9: ભારતીય ચોખા (INDIAN RICE) માટે ચીન (CHINA) એક નવા બજાર તરીકે ઊભરી રહ્યું છે, કારણ કે, ચીનમાં થતી ભારતીય ચોખાની નિકાસમાં જબરજસ્ત વૃદ્ધિ નોંધાઈ છે. માર્ચમાં પૂરા થયેલાં નાણાકીય વર્ષ 2021-22માં ભારતે જેટલા ચોખાની નિકાસ કરી, તેમાં ચીનનો હિસ્સો લગભગ 8 ટકા હતો. આમ, ભારતે ચોખાની નિકાસમાં હાંસલ કરેલી નવી સિદ્ધિમાં ચીનનું મોટું યોગદાન રહ્યું છે. 

નાણાકીય વર્ષ 2021-22માં ભારતે 212.1 લાખ ટન ચોખાની નિકાસનો વિક્રમ રચ્યો હતો, જેમાં 172.62 લાખ ટન નોન-બાસમતી અને 39.48 લાખ ટન બાસમતી ચોખા હતા. નોન-બાસમતી ચોખામાં પણ 38.64 લાખ ટન બ્રોકન રાઈસ એટલે કે કણકી ચોખા હતા. ભારતમાંથી નિકાસ થયેલા કુલ ચોખામાંથી એકલા ચીનમાં જ 15.76 લાખ ટન નિકાસ થઈ હતી. દુનિયાના 80થી પણ વધારે દેશ આપણા કણકી ચોખાની ખરીદી કરે છે અને હવે આ બધા દેશોમાં ચીન સૌથી મોટું ખરીદદાર બની ગયું છે. ચીનમાં ચોખામાંથી બનતી વાઈન અને નૂડલ્સ માટે ભારતીય કણકી ચોખાની માંગ વધી રહી છે.

વિશ્વમાં ચોખાની નિકાસમાં ભારત સૌથી મોટો દેશ છે જ્યારે ચીન સૌથી મોટો ગ્રાહક. પરંતુ ભારતમાં ભરપૂર સપ્લાય હોવા છતાં ચીન ભારતીય ચોખા નહોતું ખરીદતું. ભારત દુનિયાના 150થી પણ વધુ દેશોમાં ચોખાની નિકાસ કરે છે પણ ચીન ભારતીય ચોખા ખરીદતું નહોતું. જોકે, ભારત સાથે સંબંધ સુધારવા માટે ચીને કેટલાક નીતિવિષયક ફેરફાર કર્યા છે અને છેલ્લાં બે વર્ષથી ભારતમાંથી ચોખાની ખરીદીમાં અનેક ગણો વધારો કર્યો છે. 2020-21માં ચીને ભારતમાંથી 2.73 લાખ ટન બ્રોકન રાઈસ ખરીદ્યા હતા જ્યારે 2021-22માં આ ખરીદી લગભગ 6 ગણી વધી ગઈ છે. 

ચીન સિવાય દુનિયાના અન્ય દેશો પણ ભારતના ચોખાની જંગી ખરીદી કરે છે. બાંગ્લાદેશ, નેપાળ અને શ્રીલંકા જેવા પાડોશી દેશો સિવાય આફ્રિકાના દેશોમાં ભારત મોટા પ્રમાણમાં નોન-બાસમતી ચોખાની નિકાસ કરે છે. અખાતના દેશોમાં મોટા ભાગે બાસમતી ચોખાની નિકાસ થાય છે. 

રશિયા-યુક્રેન યુદ્ધને કારણે આખીયે દુનિયામાં ખાદ્ય સંકટ ગંભીર બની રહ્યું છે અને આથી, ચાલુ વર્ષે ભારતીય ચોખાની નિકાસમાં વૃદ્ધિ થઈ શકે છે. ભારતમાં ચોખાનું મબલખ ઉત્પાદન થાય છે અને જથ્થો પણ પર્યાપ્ત છે, એટલે નિકાસની માંગને ભારત સરળતાથી પહોંચી વળશે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">