Breaking News : 27 વર્ષ પછી મળ્યો ન્યાય… અને થોડા કલાકોમાં જીવનનો વિરામ, જુઓ કરુણ કહાની

| Edited By: | Updated on: Feb 06, 2026 | 1:03 PM

ગુજરાત હાઈકોર્ટે 27 વર્ષ જૂના 20 રૂપિયાના લાંચ કેસમાં એક પૂર્વ પોલીસકર્મીને નિર્દોષ જાહેર કર્યા તેના કલાકો બાદ જ તેમનું અવસાન થયું. 1997માં લાગેલા આરોપ અને 2004ની સજા બાદ 22 વર્ષથી કેસ લડતા તેમને અંતે ન્યાય મળ્યો, પરંતુ "જીવન પરથી કલંક દૂર થયું" તેવું કહી રાત્રે જ તેમણે દુનિયાને અલવિદા કહ્યું.

ગુજરાત હાઈકોર્ટના એક મહત્વપૂર્ણ ચુકાદા બાદ એક ચોંકાવનારો અને દુઃખદ બનાવ સામે આવ્યો છે. 27 વર્ષ જૂના લાંચ કેસમાંથી નિર્દોષ છૂટેલા એક પૂર્વ પોલીસકર્મીનું ચુકાદાના થોડા જ કલાકો બાદ જ અવસાન થયું છે. આ ઘટનાએ ન્યાયની પ્રક્રિયા અને વ્યક્તિગત સંઘર્ષના ઊંડા પ્રશ્નો ઊભા કર્યા છે.

આ કિસ્સો અમદાવાદથી શરૂ થાય છે. વર્ષ 1997માં તત્કાલીન પોલીસકર્મી પર 20 રૂપિયાની લાંચ લેવાનો આરોપ લાગ્યો હતો. એસીબી (એન્ટિ કરપ્શન બ્યુરો) દ્વારા વેજલપુર પાસેના વિશાલ જંકશન ખાતે છટકું ગોઠવીને આ કાર્યવાહી કરવામાં આવી હતી. આરોપ હતો કે પોલીસકર્મીઓ પસાર થતા ટ્રકો પાસેથી લાંચ ઉઘરાવતા હતા. આ કેસમાં 20 રૂપિયાની લાંચ લેવાનો આરોપ પોલીસ કોન્સ્ટેબલ પર લાગ્યો હતો.

લાંબા સમય સુધી ચાલેલા આ કેસમાં વર્ષ 2004માં અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટે તત્કાલીન પોલીસકર્મીને દોષિત ઠેરવીને ત્રણ વર્ષની સજા ફટકારી હતી. જોકે આ પોલીસકર્મીએ ડિસ્ટ્રિક્ટ કોર્ટના આ હુકમને ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો હતો. ત્યારથી આ કેસ ગુજરાત હાઈકોર્ટમાં 22 વર્ષથી ચાલી રહ્યો હતો.

ગઈકાલે ગુજરાત હાઈકોર્ટે આ કેસમાં અંતિમ ચુકાદો આપ્યો અને તત્કાલીન પોલીસકર્મીને નિર્દોષ જાહેર કર્યા. આ ચુકાદાથી તેમના પર લાગેલા તમામ આરોપો દૂર થયા હતા. હાઈકોર્ટના ચુકાદા બાદ પૂર્વ પોલીસકર્મી ખૂબ જ ખુશ હતા. તેઓ તેમના એડવોકેટની ઓફિસ પહોંચ્યા હતા અને સમગ્ર મામલે તેમની સાથે વાતચીત પણ કરી હતી. તેમણે પોતાના વકીલને જણાવ્યું હતું કે, “જીવનનો કલંક દૂર થયો અને હવે ભગવાન લઈ લે તો સારું.”

આ આનંદ અને રાહતના ક્ષણો પછી પૂર્વ પોલીસકર્મી પાટણ સ્થિત પોતાના ઘરે પહોંચ્યા. કમનસીબે તે જ રાત્રે તેમનું કુદરતી મૃત્યુ થયું. લાંબા 27 વર્ષના ન્યાયિક સંઘર્ષ બાદ જ્યારે તેમને નિર્દોષ જાહેર કરાયા, ત્યારે જ જાણે કે તેમના જીવનનો હેતુ પૂર્ણ થઈ ગયો. તેમની આ વાત કે “જીવનનો કલંક દૂર થયો અને હવે ભગવાન લઈ લે તો સારું” ક્યાંક ને ક્યાંક સાચી ઠરી હોય તેવું લાગી રહ્યું છે.

આ ઘટના સમાજમાં ન્યાય પ્રણાલીની ધીમી ગતિ અને તેના માનવીય પરિણામો પર પ્રકાશ પાડે છે. અનેક વર્ષો સુધી ન્યાયની રાહ જોયા બાદ, જ્યારે ન્યાય મળે છે ત્યારે ઘણીવાર વ્યક્તિની શારીરિક અને માનસિક સ્થિતિ નબળી પડી ગયેલી હોય છે. આ કિસ્સો બતાવે છે કે ન્યાય મળે તે જેટલું મહત્વનું છે તેટલું જ સમયસર ન્યાય મળે તે પણ અનિવાર્ય છે.

રાજકોટ ભાજપમાં આંતરિક જુથવાદ, આંતરિક શિસ્ત કે રાજકીય સમાધાન? આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.