Breaking News : પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષાથી પથરાઈ સફેદ ચાદર, જનજીવન પ્રભાવિત, જુઓ Video

| Updated on: Jan 24, 2026 | 10:02 AM

પહાડી પ્રદેશોમાં ભારે હિમવર્ષાના કારણે જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં જનજીવન પ્રભાવિત થયું છે. કડકડતી ઠંડી સાથે વાહનવ્યવહાર ખોરવાયો છે. કુલગામ પોલીસે દર્દીઓને મદદ કરી. શિમલા-મનાલીમાં સીઝનની પ્રથમ હિમવર્ષાથી પ્રવાસીઓ ખુશ છે, જ્યારે સ્થાનિકો અને મુસાફરો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. હવામાન વિભાગે વધુ હિમવર્ષાનું એલર્ટ આપ્યું છે.

પહાડી પ્રદેશોમાં થયેલી ભારે હિમવર્ષાના કારણે સમગ્ર દેશમાં શીત લહેરનું સામ્રાજ્ય છવાયું છે. જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના અનેક વિસ્તારોમાં બરફની સફેદ ચાદર છવાઈ ગઈ છે, જેનાથી જનજીવન પ્રભાવિત થયું છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી દિવસોમાં પણ આ સ્થિતિ યથાવત રહી શકે છે. દેશના ઉત્તરથી દક્ષિણ સુધી કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, જેનું મુખ્ય કારણ પહાડી પ્રદેશોમાં ફરીવાર જામેલી હિમવર્ષા છે.

ક્યાંય આફત વધી, ક્યાંક પ્રવાસીઓમાં ખુશી

જમ્મુ-કાશ્મીરના વિવિધ જિલ્લાઓમાં આજે સતત બીજા દિવસે ભારે બરફ વર્ષા થઈ રહી છે. રામબન, ભલેસા, કુલગામ, બડગામ, રાજોરી સહિતના વિસ્તારોમાં મોટા પ્રમાણમાં બરફ પડ્યો છે. આ હિમવર્ષાના કારણે પ્રવાસીઓમાં ખુશીનો માહોલ છે, પરંતુ અંતરિયાળ વિસ્તારોમાં રહેતા પરિવારો માટે મુશ્કેલીઓ વધી છે. કુલગામમાં બરફના થર જામી ગયા હોવાથી દર્દીઓની મદદ માટે કુલગામ પોલીસ આગળ આવી હતી અને તેમને સત્વરે ચિકિત્સા કેન્દ્રો પર પહોંચાડવામાં સહાયતા કરી હતી.

રામબન પાસે જમ્મુ-કાશ્મીર નેશનલ હાઇવે સતત બીજા દિવસે પણ બંધ રહેતા હાઇવે પર ભારે વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. રાજોરી સહિતના વિસ્તારોમાં પણ ભારે હિમવર્ષાના પગલે અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે, જેનાથી વાહનચાલકોની મુશ્કેલીમાં વધારો થયો છે.

બીજી બાજુ હિમાચલ પ્રદેશમાં પણ ભારે બરફ વર્ષાનો માહોલ છે. ચંબા અને મનાલી જેવા વિસ્તારોમાં સફેદ બરફની ચાદર છવાઈ ગઈ છે, જેનાથી સ્થાનિકોની મુશ્કેલી વધી છે. જોકે, આ નયનરમ્ય દ્રશ્યોને નિહાળીને પ્રવાસીઓ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા. ખાસ કરીને શિમલા અને મનાલીમાં આ સિઝનની પહેલી જ હિમવર્ષા થઈ છે, જેનાથી છેલ્લા ત્રણ મહિનાથી રાહ જોતા લોકોને રાહતનો શ્વાસ મળ્યો છે. શિમલા-મનાલી ઉપરાંત નારકંડા, કુફરી, ચાયલ તેમજ ડલહોઝી અને કલ્પા સહિતના વિસ્તારોમાં પણ સિઝનની પ્રથમ અને ભારે હિમવર્ષા નોંધાઈ છે.

શિમલામાં થયેલી આ બરફ વર્ષા વર્ષ 2022 ના જાન્યુઆરીમાં નોંધાયેલી સૌથી વધુ બરફ વર્ષાના સ્તરની છે. હવામાન વિભાગ દ્વારા હજુ પણ ભારે હિમવર્ષા માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ હિમવર્ષાના કારણે સમગ્ર હિમાચલ પ્રદેશમાં લગભગ 600 બસો ફસાઈ હોવાની વિગતો છે અને હજારો પ્રવાસીઓ પણ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, જેમને સલામત સ્થળે પહોંચાડવાના પ્રયાસો ચાલી રહ્યા છે.
Breaking News : ગુજરાતમાં હાજા ગગડાવી દેતી ઠંડી, લઘુત્તમ તાપમાનમાં 3-4 ડિગ્રી ઘટાડો, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો