રામાનુજાચાર્ય કેવી રીતે બન્યા ભક્તિ આંદોલનના પ્રણેતા ? બિલકુલ પણ સરળ ન હતી આ યાત્રા !

રામાનુજાચાર્યએ અંત્યજોને પણ વૈષ્ણવ ધર્મની દીક્ષા આપી સંસ્કારયુક્ત કર્યા. તેમણે લોકોને એ સમજાવ્યું કે ઈશ્વરને પામવા માટે માત્ર જ્ઞાન કે અઘરા યોગની જરૂર નથી. પરમાત્મા તો બસ પ્રેમ અને શુદ્ધ ભક્તિથી જ ભક્તને વશ થઈ જાય છે.

TV9 Bhakti

| Edited By: Bipin Prajapati

May 06, 2022 | 9:56 AM

ભારતની ભૂમિ પર એવી અનેક સંત વિભૂતિઓએ અવતાર ધારણ કર્યો છે કે જેમણે તેમનું સમગ્ર જીવન ધર્મના ઉત્થાનમાં સમર્પિત કરી દીધું. અને સાથે જ તેમની કાયાને ચંદનની જેમ ઘસી લોકકલ્યાણનું કાર્ય કર્યું. જેમાં સવિશેષ ઉલ્લેખ કરવો પડે પરમ વૈષ્ણવાચાર્ય શ્રીરામાનુજાચાર્યનો. શ્રીરામાનુજાચાર્યનો જન્મ તારીખ 10 મે, વર્ષ 1017ના રોજ તમિલનાડુના પેરુમબુદુરમાં થયો હતો. તેમના જન્મની તિથિ હતી વૈશાખ સુદ છઠ્ઠ. એટલે કે આજે રામાનુજાચાર્યની જન્મ જયંતી છે. ત્યારે આવો તેમના મહાન કાર્યને સમજવાનો પ્રયત્ન કરીએ.

રામાનુજાચાર્યના પિતાનું નામ કેશવ ભટ્ટ અને માતાનું નામ કાંતિમતી હતું. બાળપણથી જ રામાનુજાચાર્ય અત્યંત તેજસ્વી હતા. તે સ્વયં તેમના ગુરુ યાદવ પ્રકાશના વ્યાખ્યાનોમાંથી પણ દોષ શોધી લેતાં. જેને લીધે બંન્ને વચ્ચે મતભેદ ઉદ્ભવ્યા. ઈર્ષ્યા વશ સ્વયં ગુરુએ જ શિષ્યની હત્યાનું ષડયંત્ર કર્યું. પરંતુ, ભગવાને રામાનુજાચાર્યને આવાં અનેક ષડયંત્રોમાંથી ઉગારી દીધાં. રામાનુજાચાર્યએ ગુરુ પાસે ભણવાનું છોડી ઘરે જ અભ્યાસ શરૂ કર્યું. તેમની બુદ્ધિમત્તાની પ્રસિદ્ધિ ઠેર ઠેર વિસ્તરવા લાગી. તે સમયના વિદ્વાન વૈષ્ણવ યામુનાચાર્યજી રામાનુજની પ્રતિભાને પામી ગયા. તેમને ઈચ્છા થઈ કે તેમના બાદ રામાનુજ જ વૈષ્ણવોના મહંત થાય. આ ઈચ્છાને વશ થઈ તેમણે રામાનુજને શ્રીરંગમ તેડાવ્યા. પરંતુ, રામાનુજ તેમને મળે તે પહેલાં જ તેઓ અવસાન પામ્યા.

રામાનુજ જ્યારે શ્રીરંગમ પહોંચ્યા ત્યારે તેમણે જોયું કે ગુરુ યામુનાચાર્યની ત્રણ આંગળીઓ વળેલી છે. તેઓ વળેલી આંગળીઓનો સંકેત સમજી ગયા. કે ગુરુની ઈચ્છા તેમના દ્વારા બ્રહ્મસૂત્ર, વિષ્ણુસહસ્ત્રનામ અને દિવ્ય પ્રબંધની ટીકા લખાવવાની છે. તેઓ બોલ્યા કે, “હે પ્રભુ ! આપની આજ્ઞા મને શિરોમાન્ય છે. હું ત્રણેય ગ્રંથોની ટીકા લખીશ અથવા લખાવીશ.”

કહે છે કે શ્રીરામાનુજાચાર્યના આમ બોલતા જ ગુરુની ત્રણેય આંગળી સીધી થઈ ગઈ. યતિરાજ નામના સંન્યાસી પાસેથી સંન્યાસની દીક્ષા લઈ રામાનુજાચાર્ય યામુનાચાર્યજીની ગાદી પર બેઠા. અને સર્વ પ્રથમ જ ગુરુના ત્રણ સંકલ્પ પૂર્ણ કર્યા. એક માન્યતા અનુસાર શ્રીરામાનુજાચાર્ય એ આદિશેષ એટલે કે શેષનાગનો અવતાર હતા. તે જેવું બોલતા તેવું જ આચરણ કરતા. લોકોને અઘરાં ઉપદેશો આપવાને બદલે તેમણે વિશિષ્ટાદ્વૈતનો સિદ્ધાંત લોકો સમક્ષ પ્રસ્તુત કર્યો. તેમણે લોકોને એ સમજાવ્યું કે ઈશ્વરને પામવા માટે માત્ર જ્ઞાન કે અઘરા યોગની જરૂર નથી. પરમાત્મા તો બસ પ્રેમ અને શુદ્ધ ભક્તિથી જ ભક્તને વશ થઈ જાય છે.

રામાનુજાચાર્યની વિદ્વત્તાથી આકર્ષાઈ હજારો સ્ત્રી-પુરુષોએ વૈષ્ણવ ધર્મની દીક્ષા લીધી. પરમ વૈષ્ણવાચાર્યએ શુદ્રો અને અંત્યજોને પણ વૈષ્ણવ ધર્મની દીક્ષા આપી સંસ્કારયુક્ત કર્યા. તેમજ લોકોને પરધર્મમાં વટલાતા રોક્યા. સમાનતાની આ મૂર્તિના મહાન કાર્યને વધાવતા તેલંગાણાના હૈદ્રાબાદમાં સ્ટેચ્યુ ઑફ ઈક્વાલિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે. 216 ફૂટ ઊંચી આ વિશાળ સમતા મૂર્તિ આજે સમગ્ર વિશ્વને સમાનતાનો સંદેશ આપી રહી છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati