Ahmedabad: કોરોના પેશન્ટ માટે સારા સમાચાર, સરકારે ઈલાજને લઈ બહાર પાડેલા પોતાના નિર્ણયો પર લીધો યૂટર્ન, જાણો શું કહે છે AMCનાં નવા નિયમો

રાજ્યના અધિક મુખ્ય સચિવ ડૉ રાજીવ ગુપ્તાના અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં કેટલાક આપાતકાલિન નિર્ણયો લેવામાં આવ્યા છે

  • tv9 webdesk39
  • Published On - 16:00 PM, 28 Apr 2021

અમદાવાદમાં કોરોનાની સ્થિતી અને દર્દીઓને પડી રહેલી હાલાકીને જોતા હવે AMC માટે નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. અમદાવાદના સાબરમતી રિવરફ્રંટ ખાતે રાજ્યના અધિક મુખ્ય સચિવ ડૉ રાજીવ ગુપ્તાના અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં કેટલાક આપાતકાલિન નિર્ણયો લેવામાં આવ્યા છે જેને લીધે હવે અમદાવાદના લોકો રાહતનો શ્વાસ લેશે.

કોવિડ હોસ્પિટલમાં દાખલ થતી વખતે 108 સેવા મારફતે દાખલ થવાની જરૂરિયાતને પાછી ખેંચી લેવામાં આવી છે. હવેથી દર્દીઓ કોઇ પણ ખાનગી વાહન મારફતે કોવિડ હોસ્પિટલમાં દાખલ થવા જઇ શકશે. હવે તમામ હોસ્પિટલોએ દર્દી કોઇ પણ રીતે હોસ્પિટલ પહોંચે તેમને દાખલ કરવાના રહેશે જેમાં AMC હોસ્પિટલો અને AMC ની હદમાં આવતી તમામ સરકારી તમામ હોસ્પિટલોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

29 એપ્રિલ 2021 ના રોજ સવારે 8 વાગ્યાથી કોઇ પણ દર્દી 108 સેવા મારફતે, ખાનગી એમ્બ્યુલન્સ અથવા તો ખાનગી વાહનમાં કોવિડ હોસ્પિટલ પહોંચી શકશે અને બેડની ઉપલભ્ધતાના આધારે અને દાખલ કરવાની જરૂરિયાત મુજબ દર્દીઓને દાખલ કરવામાં આવશે.અમદાવાદ શહેરમાં કોવિડ સારવાર પૂરી પાડતી તમામ હોસ્પિટલો તેની ક્ષમતાના 75 ટકા કોવિડ સારવાર પૂરી પાડશે. કોવિડ સિવાયના દર્દીઓ માટે ફક્ત 25 ટકા બેડ રખાશે. આ નિર્ણયને કારણે વધારાવા 1000 જેટલા બેડ કોવિડ સારવાર માટે મળશે

અમદાવાદના આધારકાર્ડની જરૂરિયાત પણ તાત્કાલિક ધોરણે પાછી ખેંચવામાં આવી છે. તાત્કાલિક સારવારની જરૂર હોય તેવા દર્દીઓને ઝડપથી દાખલ કરવા માટે આ નિર્ણય લેવાયો

કોરોનાની સારવાર માટે હોસ્પિટલમાં AMC ક્વોટામાં દાખલ થવા માટે પણ 108 સેવા કે 108 કંટ્રોલ રૂમના રેફરન્સની જરૂર હવે નથી.

કોવિડને લગતી માહિતી પૂરી પાડવા હોસ્પિટલો રાજ્ય સરકારના પોર્ટલ પર જોડાઇને જાહેર જનતા માટે બેડની અદ્યતન માહિતી દર્શાવશે

દરેક હોસ્પિટલની બહાર વિશાળ ડિસ્પ્લે પર બેડ વિશેની રિયલ ટાઇમ માહિતી આપવાની રહેશે

કોવિડની સારવાર કરતી દરેક હોસ્પિટલ ટેકનિકલ કારણોસર તાત્કાલિક સારવારની જરૂર હોય તેવા દર્દીને ના પાડી શકશે નહી

AMCની હદમાં આવેલી અને કોરોનાની સારવાર પૂરી પાડતી હોસ્પિટલોએ ઉપરોક્ત નિર્દેશોનું પાલન 29 એપ્રિલના રોજ સવારે 8 વાગ્યાથી કરવાનું રહેશે.

સરકારના કેટલાક નિર્ણયોને કારણે કોરોનાના દર્દીઓેને જે હાલાકી પડી રહી હતી તેને લઇને દરેક જગ્યાએ આ નિયમોની નિંદા થઇ રહી હતી છેવટે તંત્રને આ માટે વિચારીને પોતાના કેટલાક નિયમોને પાછા લેવા પડ્યા.