કાનપુરના બેકનગંજ માર્કેટનો આ વીડિયો છે, જેમાં રામ રાજ્ય શું છે, તેના વિશે એક મૌલાના શાનદાર રીતે સમજાવી રહ્યા છે અને હજારોની સંખ્યામાં એકઠા થયેલા મુસ્લિમ ભાઈઓ અને બહેનો તેમને સાંભળી રહ્યા છે. આ વીડિયો 2 વર્ષ જૂનો છે અને તેને અત્યાર સુધીમાં 3.1 મિલિયન એટલે કે 31 લાખથી વધુ લોકોએ જોયો છે.
આ મૌલાનાનું નામ ગુલઝાર જાફરી છે. તેમણે રામ રાજ્ય શું છે, તે સમજાવતાં રામાયણના એક પ્રસંગનો ઉલ્લેખ કર્યો છે. જેમાં તેમણે કહ્યું કે, જ્યારે રાવણ છેલ્લી અવસ્થામાં હતો એટલે કે મૃત્યુની કગાર પર હતો, ત્યારે ભગવાન શ્રીરામે લક્ષ્મણને કહ્યું કે, હે લક્ષ્મણ રાવણ મોટો જ્ઞાની છે, તેથી જાવ અને તેમની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરો, લક્ષ્મણ રાવણ પાસે જાય છે અને તેમના મસ્તક પાસે ઊભા રહીને જ્ઞાન આપવા વિનંતી કરી, તો તરત જ રાવણ તેમની સામે જોયું અને કહ્યું કે, જાવ તમને તો હજુ જ્ઞાન પ્રાપ્ત કરવાની રીત પણ નથી આવડતી, ત્યાર બાદ લક્ષ્મણજી રામ પાસે જાય છે અને આ સમગ્ર ઘટના જણાવે છે.
શ્રીરામે લક્ષ્મણને કહ્યું કે, જો તમારે જ્ઞાન મેળવવું હોય, તો તમારે તમારા અહંકારનો ત્યાગ કરવો જોઈએ અને નમ્રતાપૂર્વક શીખનારની ભૂમિકા ધારણ કરવી જોઈએ. વ્યક્તિએ ગુરુ અથવા જ્ઞાની વ્યક્તિના મસ્તક પાસે નહીં, પરંતુ તેમના ચરણો પાસે બેસીને જ્ઞાન મેળવવું જોઈએ. રામની સલાહ પર લક્ષ્મણ ફરીથી રાવણ પાસે ગયા અને તેમના ચરણો પાસે બેસીને નમ્રતાથી જ્ઞાન માંગ્યું. ત્યાર બાદ રાવણ લક્ષ્મણને જ્ઞાન આપે છે.
આ ઘટના આપણને શીખવે છે કે જ્ઞાન મેળવવા માટે અહંકાર અને નમ્રતાનો ત્યાગ જરૂરી છે. તે એ પણ દર્શાવે છે કે જીવનમાં ભૂલો કરનારા લોકો પણ તેમના અનુભવો દ્વારા અન્ય લોકોને મૂલ્યવાન પાઠ આપી શકે છે. રામ અને લક્ષ્મણની આ નમ્રતા અને રાવણની શાણપણ, રામાયણના આ પ્રસંગને અનન્ય બનાવે છે. છેલ્લે મૌલાના એક જ વાક્યમાં કહે છે કે, રામ રાજ્ય એ શિષ્ટાચાર છે, કોઈ રમત નથી.