12 Jyotirlinga : સાત જન્મના પાપને નષ્ટ કરશે આ શિવલિંગ ! જાણો ભીમાશંકર જ્યોતિર્લિંગનો મહિમા
ભક્તો આ શિવલિંગને ‘મોટેશ્વર મહાદેવ' પણ કહે છે. પુરાણાનુસાર જે વ્યક્તિ દ્વાદશ જ્યોતિર્લિંગના નામનો જાપ કરતાં મહેશ્વરના આ ભીમાશંકર રૂપના દર્શન કરી લે છે, તેના તો સાત જન્મોના પાપ નષ્ટ થઈ જાય છે.
શિવભક્તોને મન દ્વાદશ જ્યોતિર્લિંગના (12 jyotirlinga) દર્શનનો, તેની કથાના પઠનનો અને શ્રવણનો અદકેરો જ મહિમા રહેલો છે. ત્યારે અમારે આજે એ જ્યોતિર્લિંગની વાત કરવી છે કે જે મહેશ્વના સૌથી ‘મહાકાય’ સ્વરૂપનો પરચો આપે છે. અને આ જ્યોતિર્લિંગ એટલે ભીમાશંકર (bhimashankar) જ્યોતિર્લિંગ.
ભીમાશંકર જ્યોતિર્લિંગ એ મહારાષ્ટ્રના પુણેથી લગભગ 110 કિલોમીટરના અંતરે સ્થિત છે. સહ્યાદ્રી પર્વત પર ભીમા નદીને સાનિધ્યે સ્થિત આ શિવધામ એટલે તો પ્રકૃતિના અખૂટ સૌંદર્ય મધ્યે શોભતું શિવધામ. શ્યામ પત્થરમાંથી કંડારાયેલું આ મંદિર નાગર શૈલીથી નિર્મિત છે. અને વાસ્તુકલાનું શ્રેષ્ઠ ઉદાહરણ પણ. દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં મહેશ્વરના દિવ્ય રૂપના દર્શનાર્થે ઉમટતા જ રહે છે.
અહીં ગર્ભગૃહ મધ્યે મહેશ્વરના અત્યંત દિવ્ય રૂપના ભક્તોને દર્શન થાય છે. ‘ભીમ’નો અર્થ થાય છે ‘મહાકાય’. અને તેના પરથી જ ભક્તો આ શિવલિંગને ‘મોટેશ્વર મહાદેવ’ પણ કહે છે. પુરાણાનુસાર જે વ્યક્તિ દ્વાદશ જ્યોતિર્લિંગના નામનો જાપ કરતાં મહેશ્વરના આ ભીમાશંકર રૂપના દર્શન કરી લે છે, તેના તો સાત જન્મોના પાપ નષ્ટ થઈ જાય છે. દ્વાદશ જ્યોતિર્લિંગમાં ભીમાશંકર મહાદેવ એ છઠ્ઠું સ્થાન ધરાવે છે.
શિવપુરાણની કોટિરુદ્રસંહિતામાં ભીમાશંકર જ્યોતિર્લિંગ સંબંધી કથાનો ઉલ્લેખ મળે છે. શિવપુરાણમાં ‘ભીમાશંકર’ જ્યોતિર્લિંગનો ‘ભીમશંકર’ તરીકે ઉલ્લેખ છે. જે અનુસાર કુંભકર્ણના મૃત્યુ સમયે તેની પત્ની રાક્ષસી કર્કટી સગર્ભા હતી. તેણે ભીમા નામે અત્યંત શક્તિશાળી પુત્રને જન્મ આપ્યો. ભીમા જ્યારે મોટો થયો ત્યારે તેની માતાએ તેને તેના પિતાના વધની કથા કહી.
આ સાંભળી ભીમા શ્રીરામ જેમના અવતાર હતા એવાં શ્રીહરિને પોતાના પિતાની હત્યાના દોષી માનવા લાગ્યો. તેણે વિષ્ણુ સાથે બદલો લેવાનું નક્કી કર્યું. શ્રીહરિ સાથે બદલો લેવાં ભીમાએ અનેક વર્ષો સુધી કઠોર તપસ્યા કરી. તેની તપસ્યાથી પ્રસન્ન થઈ બ્રહ્માજીએ તેને અતુલનીય બળ આપ્યું. અને પછી તો ભીમાએ ત્રણેય લોકોમાં હાહાકાર મચાવી દીધો.
દુઃખી થયેલાં દેવતાઓએ દેવાધિદેવ મહાદેવનું શરણું લીધું. મહેશ્વરે દેવતાઓને રક્ષાનું વચન આપ્યું. ત્યાં જ બીજી તરફ અસુર ભીમાએ શિવજીના જ એક પરમ ભક્ત એવાં કામરૂપ દેશના રાજા સુદક્ષિણને બંદી બનાવ્યા. તેમને પરેશાન કરવાનું શરૂ કરી દીધું.
એકવાર ક્રોધાવેશમાં ભીમા સુદક્ષિણ દ્વારા પૂજીત શિવલિંગને નષ્ટ કરવા તલવાર સાથે ધસી ગયો. પણ, ત્યાં જ મહેશ્વર પ્રગટ થયા. અને સ્વયં ‘ભીમેશ્વર’ એટલે કે ‘કદાવરમાં પણ અત્યંત કદાવર’ એવાં તેમના રૂપનો પરિચય આપતા શિવજીએ રાક્ષસ ભીમાનો વધ કરી દીધો. ત્યારબાદ નારદમુનિની પ્રાર્થનાથી પ્રસન્ન થઈ મહાદેવ આ પુણ્ય ભૂમિ પર ‘ભીમશંકર’ના રૂપમાં વિદ્યમાન થયા.
માન્યતા અનુસાર આ શિવલિંગના તો દર્શન માત્રથી વ્યક્તિને સમસ્ત દુઃખોથી મુક્તિ મળી જાય છે. અને મૃત્યુ બાદ તેને સ્વર્ગલોકની પ્રાપ્તિ થઈ જાય છે. એ જ કારણ છે ભક્તો ભીમાશંકરના દિવ્ય રૂપના દર્શનાર્થે ઉત્સાહિત રહે છે.
આ પણ વાંચો : શ્રાવણના ત્રીજા સોમવારે કેવી રીતે કરશો ઘરે બેઠા જ શિવજીનું પૂજન ?
આ પણ વાંચો : વિષ્ણુભક્ત રાજા હિમવાને શા માટે કરી શૈલેશ્વર શિવલિંગની સ્થાપના ? જાણો સૌથી દિવ્ય શિવલિંગનો મહિમા