Tech News: 16 રાજ્યના લાખો ગામડાઓને બ્રોડબેન્ડથી જોડવાની સરકારની યોજના અટકી, આ છે કારણ
પ્રોજેક્ટ હવે 2025 સુધી લંબાવવામાં આવ્યો છે. સત્તાવાર માહિતી અનુસાર, 31 ડિસેમ્બર, 2021 સુધી ભારતનેટ હેઠળ 1.69 લાખથી વધુ ગ્રામ પંચાયતોને બ્રોડબેન્ડ સેવા માટે તૈયાર કરવામાં આવી છે.
સરકારી માલિકીની ભારત બ્રોડબેન્ડ નિગમ લિમિટેડે 16 રાજ્યોના ગામડા (Villages)ઓને ઓપ્ટિકલ ફાઈબર આધારિત હાઈ-સ્પીડ બ્રોડબેન્ડ(Broadband)નેટવર્ક સાથે જોડવા માટે રૂ. 19,000 કરોડનું ટેન્ડર રદ કર્યું છે. 29,430 કરોડના કુલ ખર્ચ સાથે પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ(PPP)મોડલમાં 16 રાજ્યોમાં ઓપ્ટિકલ ફાઇબર નેટવર્ક શરૂ કરવા માટે ભારતનેટ હેઠળ ગત વર્ષ જૂનમાં પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી હતી.
3.61 લાખ ગામડાઓને જોડવાની યોજના
કેન્દ્રએ આ પ્રોજેક્ટ માટે રૂ. 19,041 કરોડના વાયેબિલિટી ગેપ ફંડને મંજૂરી આપી હતી, જેનો ધ્યેય 16 રાજ્યોના 3.61 લાખ ગામડાઓને જોડવાનો છે. પ્રોજેક્ટને 9 પેકેજમાં વિભાજિત કરવામાં આવ્યો હતો અને દરેક પેકેજ માટે અલગ-અલગ ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા.
દરેક 9 ટેન્ડર માટે, BBNL એ 8 ફેબ્રુઆરીના રોજ જણાવ્યું હતું કે સંબંધિત પેકેજ માટેના ટેન્ડર રદ કરવામાં આવ્યા હતા કારણ કે કોઈ પણ બિડરોએ ભાગ લીધો ન હતો. BBNL ને મોકલવામાં આવેલ ઈ-મેલ ક્વેરીનો કોઈ જવાબ મળ્યો નથી.
સ્ત્રોત દ્વારા આપવામાં આવેલ માહિતી
જો કે, એક સત્તાવાર સૂત્રએ પીટીઆઈને જણાવ્યું હતું કે કેટલીક કંપનીઓની ભાગીદારી હતી, બિડનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું, પરંતુ સહભાગીઓ લાયકાત મેળવવામાં નિષ્ફળ રહ્યા હતા. સૂત્રએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે ઉદ્યોગો પાસેથી પ્રતિસાદ લીધા બાદ ટેન્ડર ફરીથી બહાર પાડવામાં આવશે. સરકાર ગામડાઓને વહેલામાં વહેલી તકે બ્રોડબેન્ડથી જોડવા માટે પ્રતિબદ્ધ છે.
ઓનલાઇન થઈ રહી છે ગ્રામ પંચાયતો
રાજ્યની માલિકીની કંપનીઓને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો અને પ્રોજેક્ટને ઝડપી બનાવવા માટે ઘણી સમયમર્યાદા ચૂકી ગયા પછી સરકારે જાહેર-ખાનગી ભાગીદારી પસંદ કરી. ભારતનેટ પ્રોજેક્ટને 2011 માં રાષ્ટ્રીય ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક તરીકે મંજૂરી આપવામાં આવી હતી, જેનો ઉદ્દેશ્ય 2013 સુધીમાં તમામ 2.5 લાખ પંચાયતોને ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક સાથે જોડવાનો હતો.
પ્રોજેક્ટ હવે 2025 સુધી લંબાવવામાં આવ્યો છે. સત્તાવાર માહિતી અનુસાર, 31 ડિસેમ્બર, 2021 સુધી ભારતનેટ હેઠળ 1.69 લાખથી વધુ ગ્રામ પંચાયતોને બ્રોડબેન્ડ સેવા માટે તૈયાર કરવામાં આવી છે.