
પ્રથમ ટેસ્ટમાં ત્રીજા દિવસે ન્યૂઝીલેન્ડ સામે ભારતીય કેપ્ટન શુભમન ગિલ યાદગાર સદીથી માત્ર બે રન દૂર રહ્યો. શાનદાર ફોર્મમાં બેટિંગ કરતા ગિલે 146 બોલમાં 98 રન બનાવ્યા, જેમાં 9 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થાય છે, પરંતુ દિવસની અંતિમ ઓવરમાં ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર જેકબ ડફી દ્વારા ક્લીન બોલ્ડ થયા. પરંતુ તેણે પોતાની ઇનિંગ દરમિયાન વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) માં એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારત તરફથી સૌથી વધુ રન બનાવનાર શુભમન ગિલે ત્રીજા દિવસના ત્રીજા સત્ર દરમિયાન 3,000 WTC રન પૂર્ણ કરનાર પેહલા ભારતીય બન્યા અને આ એક ઐતિહાસિક સિદ્ધિ પોતાના નામે કરી છે. ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચ શરૂ થાય તે પહેલાં ગિલને આ ખાસ મુકામ સુધી પહોંચવા માટે વધુ 83 રનની જરૂર હતી. તેણે પોતાની ઇનિંગના 117મા બોલ પર 83મો રન ફટકારીને આ ઐતિહાસિક આંકડો હાંસલ કર્યો હતો. ગિલે પોતાની 43મી WTC મેચની 77મી ઇનિંગમાં આ અનોખી સિદ્ધિ મેળવી હતી.
દિવસની અંતિમ ઓવરમાં જેકબ ડફીના બોલ પર વિકેટ ગુમાવતાં શુભમન ગિલના નામે એક અનિચ્છનીય રેકોર્ડ નોંધાયો હતો. ટેસ્ટ કારકિર્દીમાં ચોથી વખત ગિલ નર્વસ નાઈન્ટીઝનો શિકાર બન્યા છે. ખાસ વાત એ છે કે ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન તરીકે તેની સાથે આવું પ્રથમ વખત બન્યું છે. આ ઉપરાંત, છેલ્લા આઠ વર્ષમાં નર્વસ નાઈન્ટીઝમાં આઉટ થનાર ગિલ પ્રથમ ભારતીય ટેસ્ટ કેપ્ટન બન્યો છે. તેના પહેલાં વર્ષ 2018માં ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન વિરાટ કોહલી આ રીતે નર્વસ 90નો શિકાર થયા હતા.
ભલે કેપ્ટન શુભમન ગિલ સદી ફટકારવામાં ચૂકી ગયા હોય, પરંતુ ત્રીજા દિવસની રમત પર ભારતીય બેટ્સમેનોનો દબદબો જોવા મળ્યો હતો. ટીમ ઈન્ડિયાએ પ્રથમ ઈનિંગમાં પોતાની શાનદાર બેટિંગ ચાલુ રાખી હતી અને દિવસની રમત પૂર્ણ થઈ ત્યારે 4 વિકેટ ગુમાવીને 486 રન બનાવી લીધા હતા. આ સાથે જ ભારતે પ્રથમ દાવના આધારે 118 રનની મહત્વપૂર્ણ સરસાઈ મેળવી લીધી છે. હવે ચોથા દિવસે ભારતીય ટીમનો પ્રયાસ આ લીડને વધુ મજબૂત બનાવવાનો રહેશે.