PAKA vs INDA Asia Cup Final: ઇમર્જિંગ એશિયા કપમાં પાકિસ્તાન ભારતને હરાવી પાકિસ્તાન બીજી વાર ચેમ્પિયન બન્યુ, ટીમ ઈન્ડિયાની 128 રને હાર
Pakistan A vs India A Final Match Result: ભારત અને પાકિસ્તાન વચ્ચે ઇમર્જિંગ એશિયા કપ 2023 ની ફાઈનલ મેચ કોલંબોમાં રમાઈ હતી. પાકિસ્તાન-એ ટીમે શરુઆત મજબૂત કરતા વિશાળ 352 રનનો સ્કોર ભારત સામેખડક્યો હતો.
ભારત અને પાકિસ્તાન વચ્ચે ઇમર્જિંગ એશિયા કપ 2023 ની ફાઈનલ મેચ કોલંબોમાં રમાઈ હતી. ભારતીય ટીમના સુકાની યશ ઢૂલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી હતી. પાકિસ્તાન-એ ટીમે શરુઆત મજબૂત કરતા વિશાળ 352 રનનો સ્કોર ભારત સામેખડક્યો હતો. તૈય્યબ તાહીરે ભારત-એ સામે સદી નોંધાવતા પાકિસ્તાન 350 પ્લસ સ્કોર ખડકવામાં સફળ રહ્યુ હતુ. પાકિસ્તાનના સુફીયાન મુકીમે ભારત સામે તરખાટ મચાવતી બોલિંગ કરી હતી. ભારત સામે પાકિસ્તાને 128 રનથી જીત મેળવી હતી.
ભારત તરફથી અભિષેક શર્માએ અડધી સદી નોંધાવી હતી. ભારતીય ટીમે શરુઆત સારી કરી હતી, પરંતુ ત્યાર બાદ વિકેટ પીચ પર નહીં ટકી રહેતા મુશ્કેલીઓ શરુ થઈ ચૂકી હતી. પાકિસ્તાને 50 ઓવરના અંતે 8 વિકેટ ગુમાવીને 353 રનનુ લક્ષ્ય આપ્યુ હતુ. જેની સામે ભારતીય ટીમ ઝડપથી સમેટાઈ ગઈ હતી.
ભારતની 128 રને હાર
શરુઆતમાં એક સમયે ભારતીય ઓપનરોએ શરુ કરેલી રમતને લઈ મેચ રોમાંચક બનાવાના સંકેતો લાગી રહ્યા હતા. પરંતુ ઓપનિંગ જોડી તૂટવા સાથે જ ભારતીય ટીમની વિકેટો એક બાદ એક પડવાની શરુઆત થઈ ચુકી હતી. ભારતને ફરી એક સારી ભાગીદારી રમતની જરુર હતી, પરંતુ આવી રમત જોવા મળી નહોતી. ભારતીય ટીમ ટીમના ખેલાડીઓ એક બાદ એક વિકેટ ગુમાવવા લાગ્યા હતા. વિશાળ સ્કોર સામે ટીમ ઈન્ડિયા ઝડપથી સમેટાઈ ગઈ હતી.
ઓપનર સાઈ સુદર્શન અને અભિષેક શર્માની જોડીએ 64 રનની ભાગીદારી રમત રમી હતી. સુદર્શન 29 રન નોંધાવીને પરત ફર્યો હતો. અભિષેક શર્માએ અડધી સદી નોંધાવી હતી. તેણે 51 બોલમાં 61 રન નોંધાવ્યા હતા. અભિષેકે 1 છગ્ગો અને 5 ચોગ્ગા નોંધાવ્યા હતા. નીકિન જોસે 11 રન નોંધાવ્યા હતા. કેપ્ટન યશ ઢૂલે 39 રન નોંધાવ્યા હતા, તેણે 4 ચોગ્ગા વડે આ રન 41 બોલનો સામનો કર્યો હતો. નિશાંત સંધૂએ 10 રન, ધ્રૂવ જૂરેલ 9 રન, રિયાન પરાગ 14 રન નોંધાવ્યા હતા.
224 રનમાંજ ટીમ ઈન્ડિયા સમેટાઈ ગઈ
માત્ર 224 રનમાંજ ભારતીય ટીમ પાકિસ્તાન સામે સમેટાઈ ગઈ હતી. આમ 128 રનથી ભારતનો પરાજય થયો હતો. ભારતીય ટીમ માત્ર 40 ઓવરની રમત રમીને પેવેલિયન પરત ફરી હતી. સુફિયાન મુકીમે 10 ઓવર કરીને 66 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. જ્યારે મેહરાન મુમતાઝ, મોહમ્મદ વસીમ જુનિયર અને અર્શદ ઈકબાલે 2-2 વિકેટ ઝડપી હતી.