Badminton: વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સાઈના નેહવાલનું શાનદાર પ્રદર્શન, જીતી 1 મેચ, પાસ કર્યા 2 રાઉન્ડ
સાઈના નેહવાલને (Saina Nehwal) બીજા રાઉન્ડની મેચ રમવાની જરૂર નથી કારણ કે તેની પ્રતિસ્પર્ધી નાજોમી ઓકુહારા ઈજાગ્રસ્ત છે અને તેથી સાઈનાને બાય મળી છે.
વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતની જવાબદારી લઈને લંડન પહોંચેલી ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા સાયના નેહવાલે (Saina Nehwal) આ ટુર્નામેન્ટની શાનદાર શરૂઆત કરી છે. તેઓએ મંગળવારે પહેલા રાઉન્ડની મેચ જીતી લીધી છે. પીવી સિંધુ આ ટૂર્નામેન્ટમાં નથી રમી રહી, તેથી સાઈનાની જવાબદારી વધી ગઈ છે. સાયના નેહવાલે હોંગકોંગની ચેંગ નગન યી પર સીધી ગેમમાં જીત નોંધાવીને બીડબલ્યૂએફ વર્લ્ડ (BWF World Championship) બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં તેના અભિયાનની શાનદાર શરૂઆત કરી હતી. સાયનાએ પહેલા રાઉન્ડની મેચમાં 38 મિનિટમાં નગન યીને 21-19, 21-9થી હરાવી હતી.
વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીતનાર 32 વર્ષની ખેલાડી પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગઈ છે કારણ કે તેની બીજા રાઉન્ડની હરીફ નાજોમી ઓકુહારા ઈજાને કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી. આનાથી સાયનાને બાય મળી હતી.
આવી રહી સાયનાની મેચ
સાયનાએ સિંગાપોર ઓપનમાં ચીનની હી બિંગજિયાઓ સામેની જીત દરમિયાન પોતાનું ફોર્મ પાછું મેળવવાનો સંકેત આપ્યો હતો. હૈદરાબાદની આ ખેલાડીએ મંગળવારે પણ પોતાની પેશનનું ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું. તેણે નગન યી સામે પહેલી ગેમમાં 4-7થી આગળ જતાં 12-11ની લીડ મેળવી હતી. સાયનાને એક-એક પોઈન્ટ માટે મુશ્કેલ પડકારનો સામનો કરવો પડ્યો, પરંતુ તેણે પોતાની લીડ જાળવી રાખી. આ પછી સ્કોર 19-19ની બરાબરી પર પહોંચી ગયો. પરંતુ આ પછી ભારતીય ખેલાડીએ સતત બે પોઈન્ટ મેળવીને પહેલી ગેમ જીતી લીધી હતી.
સાયનાએ બીજી ગેમમાં વધુ આક્રમક અભિગમ અપનાવ્યો હતો અને આ દરમિયાન નગન યીને પણ સંઘર્ષ કરવો પડ્યો હતો. સાયનાએ ઈન્ટરવલ સુધી 11-6ની લીડ મેળવી લીધી હતી. આ પછી પણ તેણે પોતાની લીડ જાળવી રાખીને આ ગેમ અને મેચ જીતી લીધી હતી.
ડબલ્સમાં મિક્સ રહ્યો દિવસ
- ત્રિસા જોલી અને ગાયત્રી ગોપીચંદની જોડીએ પણ ભારતીય મહિલા ડબલ્સમાં જીત સાથે પોતાના અભિયાનની શરૂઆત કરી હતી. ભારતીય જોડીને મલેશિયાની યેન યુઆન લો અને વેલેરી સિયોને 21-11, 21-13થી હરાવવામાં બહુ મુશ્કેલી પડી ન હતી.
- અશ્વિની ભટ અને શિખા ગૌતમની મહિલા જોડીએ પણ ઇટાલીની માર્ટિના કોર્સિની અને જુડિથ મૈયરને 30 મિનિટમાં 21-8, 21-14થી હરાવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો હતો.
- આ દરમિયાન વેંકટ ગૌરવ પ્રસાદ અને જુહી દેવગનની મિક્સ ડબલ્સની જોડીને હારનો સામનો કરવો પડ્યો હતો. આ ભારતીય જોડી ઈંગ્લેન્ડની ગ્રેગરી માયર્સ અને જેની મૂરે સામે 10-21, 21-23થી હારી ગઈ હતી.
- કૃષ્ણ પ્રસાદ ગરાગા અને વિષ્ણુવર્ધન ગૌડ પંજલાની પુરુષ ડબલ્સ જોડી પણ ફ્રાન્સના ફેબિયન ડેલરુ અને વિલિયમ વિલેગર સામે 14-21, 18-21થી હારીને ટુર્નામેન્ટમાંથી બહાર થઈ.
- તનિષા ક્રાસ્ટો અને ઈશાન ભટનાગર પણ મિક્સ ડબલ્સમાં થાઈલેન્ડની સુપક જોમકોહ અને સુપિસારા પાવસમપ્રાનની 14મી ક્રમાંકિત જોડી સામે 14-21, 17-21થી હારી ગયા હતા.