નરિન્દર બત્રાએ ઈન્ટરનેશનલ હોકી ફેડરેશનના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું, IOC સભ્યપદ પણ છોડી દીધું
નરિન્દર બત્રા (Narinder Batra) હોકી ઈન્ડિયાના અધ્યક્ષ રહી ચૂક્યા છે અને લાંબા સમય સુધી આ પદ પર રહ્યા હતા. ત્યારબાદ તે આંતરરાષ્ટ્રીય મહાસંધના અધ્યક્ષ બન્યા હતા.
Narinder Batra : ભારતીય ઓલિમ્પિક સંઘના અધ્યક્ષ નરિન્દર બત્રા (Narinder Batra)એ સોમવારે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે, તેમણે એક પત્ર લખી IOAના સચિવને પોતાનું રાજીનામું સોંપ્યું છે, આટલું જ નહિ આંતરરાષ્ટ્રીય હોકી મહાસંધના અધ્યક્ષ પદ અને આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિની સભ્યતા પણ છોડી દીધી છે.બત્રા (Narinder Batra)નો આ નિર્ણય કોમનવેલ્થ ગેમ્સ શરુ થવાને થોડા દિવસ પહેલા જ સામે આવ્યા છે, દિલ્હી હાઈકોર્ટે બત્રાને આદેશ આપ્યો હતો કે, તે આઈઓએ અધ્યક્ષ તરીકે કામ કરવાનું બંધ કરી દે, ત્યારબાદ બત્રાએ આ આદેશ પર સ્ટે પણ માંગ્યો હતો પરંતુ અદાલતે તેની અપિલ નામંજૂર કરી હતી. ત્યારબાદ બત્રાએ પદ્દ છોડવાનો નિર્ણય લીધો છે
દિલ્હી હાઈકોર્ટે 25 મેના રોજ બત્રાને આઈઓએ અધ્યક્ષ પદ્દ પરથી દુર કર્યા હતા. કોર્ટે હોકી ઈન્ડિયાના આજીવન સભ્યનું પદ નાબૂદ કરી દીધું હતું અને બત્રાને IOA પ્રમુખ પદેથી દૂર કર્યા હતા. આ પોસ્ટને કારણે, બત્રા 2017માં IOA પ્રમુખ તરીકે નોમિનેશન ફાઇલ કરવામાં સફળ રહ્યા હતા અને તે પદ પણ જીત્યા હતા.
કોર્ટના આદેશ બાદ પણ કામ કરી રહ્યા હતા
બત્રા કોર્ટના આદેશ બાદ પણ કામ કરી રહ્યા હતા. જેને જોઈ પૂર્વ ઓલિમ્પિયન અને હોકી વર્લ્ડ કપ વિજેતા અસલમ શેર ખાને કોર્ટમાં અરજી દાખલ કરી હતી અને આ સાંભળીને દિલ્હી હાઈકોર્ટે બત્રાને તાત્કાલિક અસરથી આઈઓએ પ્રમુખ તરીકે સેવા આપવા પર રોક લગાવી દીધી હતી. ખાનની અપીલ પર સુનાવણી કરતા જસ્ટિશ દિનેશ શર્માએ બત્રા વિરુદ્ધ આ નિર્ણય લીધો હતો. ખાનના વકીલે સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું કે, “કોર્ટે નરિન્દર બત્રાને તાત્કાલિક અસરથી IOA પ્રમુખ તરીકે સેવા આપવા પર રોક લગાવી છે. આ કોર્ટના જૂના આદેશ પછી પણ બત્રા IOA પ્રમુખ તરીકે મીટિંગમાં હાજરી આપતા હોવાથી તે અવમાનની સુનાવણી હતી.
બત્રાએ ત્રણ અલગ અલગ પત્રો દ્વારા લેખિતમાં અધિકારિક રુપથી આઈઓએ, આઈઓસી અને એફઆઈએચમાં પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતુ. જેમાં પદ છોડવાને કારણે પોતાનું અંગત કારણ જણાવ્યું છે બત્રાએ AIH એક્ઝિક્યુટિવ બોર્ડને લખ્યું, “વ્યક્તિગત કારણોસર, હું FIHના પ્રમુખ તરીકે મારું રાજીનામું સુપરત કરું છું.”
બત્રાનું IOC સભ્યપદ તેમના IOA પ્રમુખપદ સાથે જોડાયેલું હતું પરંતુ FIHમાંથી તેમનું રાજીનામું આશ્ચર્યજનક હતું કારણ કે તેમણે મે મહિનામાં કહ્યું હતું કે, તેઓ હવે વિશ્વ હોકી સંસ્થામાં તેમના કામ પર ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે.