Mike Tyson: હવાઈ યાત્રા દરમિયાન માઈક ટાયસને વિમાનમાંજ સહયાત્રીને ધોઈ નાંખ્યો, મોંઢા પર મુક્કા વરસાવ્યાનો Video વાયરલ
માઈક ટાયસન (Mike Tyson) ની ગણતરી અદ્ભુત બોક્સરોમાં થાય છે. પરંતુ તે તેના આક્રમક વર્તનને કારણે પણ ચર્ચામાં રહ્યો છે. અનેક વખત મારપીટના મામલામાં તેનું નામ સામે આવ્યું છે.
પૂર્વ બોક્સર માઈક ટાયસન (Mike Tyson) ફરી એકવાર ખોટા કારણોસર ચર્ચામાં છે. તેણે કથિત રીતે અમેરિકા (United States of America) માં ફ્લાઈટમાં સાથી મુસાફરને કથીત રીતે મુક્કા માર્યા હતા. આ ઘટના 20 એપ્રિલની હોવાનું કહેવાય છે. માઈક ટાયસનને મુક્કો મારતો વીડિયો સામે આવ્યો છે. જેના પર તેનો ગુસ્સો ઉતર્યો હતો તેના ચહેરા પર ઈજાઓ થઈ હતી અને લોહી પણ નીકળતું જોવા મળ્યું હતું. અમેરિકન મીડિયા અનુસાર, માઈક ટાયસને કથિત રીતે સાન ફ્રાન્સિસ્કોથી ફ્લોરિડા ફ્લાઈટમાં એક મુસાફરના ચહેરા પર મુક્કા માર્યા હતા. એવું કહેવાય છે કે માર મારનાર વ્યક્તિ ટાયસનને વારંવાર હેરાન કરતો હતો. આથી ગુસ્સે ભરાઈને તેણે હુમલો કર્યો હતો.
વીડિયો પ્રમાણે 55 વર્ષીય માઈક ટાયસન આગળની સીટ પર બેઠો હતો. તેમની પાછળ બેઠેલી વ્યક્તિ પહેલા તેમની સાથે વાત કરે છે. આ પછી, તે ઘણી વખત તેના વિશે વાત કરતી જોવા મળે છે. એવું લાગે છે કે આ વીડિયો તેના કોઈ મિત્ર દ્વારા બનાવવામાં આવી રહ્યો છે કારણ કે તે કેમેરા તરફ જુએ છે અને ટાયસન તરફ કેટલાક ઈશારા પણ કરે છે. બાદમાં ટાયસને તેને ચૂપ રહેવા કહ્યું પરંતુ તે વ્યક્તિએ ધ્યાન આપ્યું નહીં. આવી સ્થિતિમાં માઈક ટાયસને તેની શાંતિ ગુમાવી દીધી અને તેના પર હુમલો કર્યો.
A man was HARASSING Mike Tyson on a Jet Blue flight, and Mike had to put hands on him to stop the harassment. pic.twitter.com/NDjrfntrxn
— Tariq Nasheed 🇺🇸 (@tariqnasheed) April 21, 2022
વીડિયોમાં શું થયું
વીડિયોમાં ટાયસન પોતાની સીટ પરથી ઊભો થઈને પાછળની તરફ ફરી રહ્યો છે અને વ્યક્તિના ચહેરા પર મુક્કો મારતો જોવા મળે છે. ત્યારબાદ અન્ય એક વીડિયોમાં જોવા મળે છે કે માર મારનાર વ્યક્તિના ચહેરા પર ખૂબ સોજો છે. કપાળ પર પણ લોહી છે. આ માણસને એમ કહેતા સાંભળવામાં આવે છે, ‘માઈક ટાયસને મને માર માર્યો હતો. તેને ખૂબ જ ગુસ્સો આવ્યો. હું માત્ર ઓટોગ્રાફ માંગતો હતો. ખબર નથી શું થયું.’ ન્યૂઝ એજન્સી એએફપીના જણાવ્યા અનુસાર શરૂઆતમાં ફ્લાઈટમાં ટાયસનનું વલણ શાંત અને મૈત્રીપૂર્ણ હતું. પણ જ્યારે તે માણસ ચૂપ ન રહ્યો ત્યારે તેને ગુસ્સો આવ્યો. તે વ્યક્તિ આ 55 વર્ષીય બોક્સર સાથે વારંવાર વાત કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો.
એવા અહેવાલો છે કે વ્યક્તિએ આ બાબતે પોલીસને જાણ કરી છે, પરંતુ હજુ સુધી એ જાણવા મળ્યું નથી કે ટાયસનની કોઈ પૂછપરછ કરવામાં આવી હતી કે નહીં. યુએસ પોલીસ, જેટબ્લ્યુ એરલાઈન અને ટાયસનના પ્રતિનિધિઓ તરફથી કોઈ પ્રતિસાદ મળ્યો ન હતો.