Breaking news : રોહન બોપન્નાએ નિવૃત્તિની જાહેરાત કરી, 22 વર્ષની યાદગાર કારકિર્દીનો અંત
ભારતીય ટેનિસ દિગ્ગજ રોહન બોપન્નાએ પ્રોફેશનલ ટેનિસમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં આ માહિતી શેર કરી છે. રોહન બોપન્નાએ 22 વર્ષની યાદગાર ટેનિસ કારકિર્દીમાં અનેક મેચો જીતી હતી અને ભારતનું નામ રોશન કર્યું હતું.

ભારતના સ્ટાર ટેનિસ ખેલાડી રોહન બોપન્નાએ 22 વર્ષની શાનદાર કારકિર્દી પછી પ્રોફેશનલ ટેનિસમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તેની છેલ્લી મેચ પેરિસ માસ્ટર્સ 1000માં હતી, જ્યાં તે એલેક્ઝાન્ડર બુબલિક સાથે ડબલ્સ રમ્યો હતો. આ વર્ષની શરૂઆતમાં, બોપન્નાએ સૌથી મોટી ઉંમરના ગ્રાન્ડ સ્લેમ ડબલ્સ વિજેતા અને સૌથી મોટી ઉંમરના વિશ્વ નંબર 1 ખેલાડી બનીને ઈતિહાસ રચ્યો હતો. રોહન બોપન્નાએ સોશિયલ મીડિયા પર એક ઈમોશનલ પોસ્ટ શેર કરી જેમાં નિવૃત્તિની જાહેરાત કરી હતી.
રોહન બોપન્નાએ લીધી નિવૃત્તિ
ભારતીય ટેનિસ દિગ્ગજ રોહન બોપન્નાએ સોશિયલ મીડિયા પર પોતાની નિવૃત્તિની જાહેરાત કરતા લખ્યું, “તમે એવી વસ્તુને કેવી રીતે અલવિદા કહો છો જેણે તમારા જીવનને અર્થ આપ્યો છે? 22 અવિસ્મરણીય વર્ષો પછી, સમય આવી ગયો છે… હું સત્તાવાર રીતે મારું ટેનિસ રેકેટ છોડી રહ્યો છું.”
ઈમોશન પોસ્ટ શેર કરી
બોપન્નાએ વધુમાં કહ્યું કે ભારતનું પ્રતિનિધિત્વ કરવું એ મારા જીવનનું સૌથી મોટું સન્માન રહ્યું છે અને જ્યારે પણ હું કોર્ટ પર પગ મૂકું છું, ત્યારે હું તે ધ્વજ, તે લાગણી અને તે ગર્વ માટે રમ્યો છું. બોપન્નાએ લખ્યું કે મારું હૃદય ભારે અને કૃતજ્ઞ બંને છે. ભારતના કુર્ગના એક નાના શહેરથી મારી સફર શરૂ કરીને, મારી સર્વિસને મજબૂત કરવા માટે લાકડાના ટુકડા કાપવા, સ્ટેમિના બનાવવા માટે કોફીના બગીચાઓમાંથી દોડવું અને તૂટેલા કોર્ટ પર સપનાઓનો પીછો કરવાથી વિશ્વના સૌથી મોટા કોર્ટની લાઈટમાં ઊભા રહેવા સુધી આ બધું અવાસ્તવિક લાગે છે.
❤️❤️❤️ pic.twitter.com/IS3scPrwhW
— Rohan Bopanna (@rohanbopanna) November 1, 2025
ટેનિસ મારા માટે સર્વસ્વ છે : બોપન્ના
“ટેનિસ મારા માટે ફક્ત એક રમત કરતાં વધુ રહી છે. જ્યારે હું હારી ગયો હતો ત્યારે તેણે મને હેતુ આપ્યો છે, જ્યારે હું તૂટી ગયો હતો ત્યારે શક્તિ આપી છે, અને જ્યારે દુનિયા મારા પર શંકા કરતી હતી ત્યારે આત્મવિશ્વાસ આપ્યો છે,” રોહને કહ્યું કે જ્યારે પણ તે કોર્ટ પર પગ મૂકતો હતો, ત્યારે તેણે તેને દ્રઢતા, પાછા ઉભા થવાની શક્તિ અને ફરીથી લડવાની હિંમત શીખવી હતી. સૌથી વધુ, તે તેને યાદ અપાવતું હતું કે તેણે શા માટે શરૂઆત કરી હતી અને તે કોણ છે.
રોહન બોપન્નાની શાનદાર કારકિર્દી
45 વર્ષીય બોપન્નાએ બે ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ સાથે પોતાની કારકિર્દીનો અંત કર્યો. 2024 ઓસ્ટ્રેલિયન ઓપન મેન્સ ડબલ્સ (મેથ્યુ એબડેન સાથે) અને 2017 ફ્રેન્ચ ઓપન મિક્સ્ડ ડબલ્સ (ગેબ્રિએલા ડાબ્રોવસ્કી સાથે). તે ચાર ગ્રાન્ડ સ્લેમ ફાઈનલમાં પણ પહોંચ્યો, બે વાર મેન્સ ડબલ્સમાં: 2020 યુએસ ઓપનમાં ઐસમ-ઉલ-હક કુરેશી સાથે અને 2023 યુએસ ઓપનમાં એબડેન સાથે. તેણે બે મિક્સ્ડ ડબલ્સ ફાઈનલ પણ રમી છે: 2018 ઓસ્ટ્રેલિયન ઓપનમાં ટિમિયા બાબોસ સાથે અને 2023 ઓસ્ટ્રેલિયન ઓપનમાં સાનિયા મિર્ઝા સાથે. રોહન બોપન્ના 2012 અને 2015 માં મહેશ ભૂપતિ અને ફ્લોરિન મર્જિયા સાથે ATP ફાઈનલ્સની ફાઈનલમાં પણ પહોંચ્યો હતો.
સ્ટાર ટેનિસ પ્લેયરની સંઘર્ષમય સફર
રોહન બોપન્નાની સફર ભારતના કુર્ગમાં એક સામાન્ય પરિવારથી શરૂ થયો હતો, જ્યાં તેણે પોતાની સર્વિસ સુધારવા માટે લાકડા કાપ્યા હતા અને પોતાની સ્ટેમિના વધારવા માટે કોફીના બગીચાઓમાં દોડ્યો હતો. હાલમાં, બોપન્ના ભારતમાં ટેનિસને વધુ ફેમસ કરવા માટે કામ કરી રહ્યો છે. તે દેશમાં UTR ટેનિસ પ્રો લાવ્યો. બોપન્ના એક ટેનિસ એકેડેમી પણ ચલાવે છે.
આ પણ વાંચો: ICC Womens World Cup: જો ભારત-દક્ષિણ આફ્રિકા ફાઈનલ રદ થાય, તો કોણ બનશે ચેમ્પિયન? જાણો શું છે નિયમ
