IPL 2021: 9 એપ્રિલથી શરૂ થશે IPLની 14મી સિઝન, જાણો કયા શહેરોમાં રમાશે મેચ
IPL 2021: ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPLની આગામી 14મી સીઝન ઈંગ્લેન્ડ સામેની T20 શ્રેણી પૂરી થયા બાદ 12 દિવસ પછી 9 એપ્રિલથી શરૂ થશે.

IPL 2021: ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPLની આગામી 14મી સીઝન ઈંગ્લેન્ડ સામેની T20 શ્રેણી પૂરી થયા બાદ 12 દિવસ પછી 9 એપ્રિલથી શરૂ થશે. ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ના સૂત્રો દ્વારા શનિવારે આ માહિતી આપવામાં આવી છે. ઈંગ્લેન્ડ સામેની વનડે સિરીઝની ત્રીજી અને અંતિમ મેચ પુણેમાં 28 માર્ચે રમાશે. આ લોકપ્રિય T20 લીગનો સમયગાળો ભારતના આંતરરાષ્ટ્રીય કાર્યક્રમને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવ્યો છે.
BCCIના એક સૂત્રએ કહ્યું, ‘અમે કામચલાઉ નિર્ણય કર્યો છે કે IPL 2021 એટલે કે IPLની 14મી સિઝન 9 એપ્રિલથી શરૂ થશે અને 30 મેના રોજ સમાપ્ત થશે. આગામી અઠવાડિયે મેનેજમેન્ટ કમિટીની બેઠક દરમિયાન તારીખો અને સ્થળોને ઔપચારિક મંજૂરી આપી દેવામાં આવશે.
કયા કયા શહેરોમાં રમાશે મેચ? કોવિડ-19ના કારણે BCCIએ હાલની પરિસ્થિતિમાં પાંચ શહેરો ચેન્નઈ, કોલકાતા, બેંગ્લોર, દિલ્હી અને અમદાવાદમાં IPL મેચો યોજવાનું નક્કી કર્યું છે. છેલ્લા કેટલાક દિવસોમાં મહારાષ્ટ્રમાં કોવિડ-19ના કેસો ઝડપથી વધ્યા હોવાથી મુંબઈ શહેરને IPLના યજમાન બનવા માટે મંજૂરી લેવી પડશે. ચેન્નઈ અને કોલકાતામાં મેચોની ફાળવણી આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે. IPLની છેલ્લી 2020ની સીઝન UAEના બાયો બબલમાં યોજાઈ હતી. આ સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સની જીત થઈ હતી.
એશિયા કપ રદ્દ કરવામાં આવ્યો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ માટે ભારતીય ક્રિકેટ ટીમ ક્વોલિફાય થઈ હોવાના કારણે આ વર્ષે જૂનમાં ભારતમાં યોજાનાર એશિયા કપ રદ્દ કરવામાં આવ્યો છે. કારણકે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં આ સમયગાળા દરમિયાન જ મેચો યોજવાની છે.
આ પણ વાંચો: Maharashtra Corona Update: 5 મહિના બાદ 10 હજારથી વધુ નવા કેસ, 53 લોકોના મૃત્યુ