INDvsENG: ઈંગ્લેન્ડ સામેની પ્રથમ બે ટેસ્ટ મેચ માટેની ટીમ ઈન્ડીયાની જાહેરાત, આ બે ગુજરાતી ખેલાડીઓને સ્થાન

|

Jan 19, 2021 | 7:52 PM

ઈંગ્લેન્ડ (England) સામે ફેબ્રુઆરી માસથી શરુ થઈ રહેલી ટેસ્ટ સિરીઝ (Test Series) માટે ભારતીય ટીમ (Team India)નું એલાન કરવામાં આવ્યુ છે.

INDvsENG: ઈંગ્લેન્ડ સામેની પ્રથમ બે ટેસ્ટ મેચ માટેની ટીમ ઈન્ડીયાની જાહેરાત, આ બે ગુજરાતી ખેલાડીઓને સ્થાન
Team India

Follow us on

ઈંગ્લેન્ડ (England) સામે ફેબ્રુઆરી માસથી શરુ થઈ રહેલી ટેસ્ટ સિરીઝ (Test Series) માટે ભારતીય ટીમ (Team India)નું એલાન કરવામાં આવ્યુ છે. 5 ફેબ્રુઆરીથી શરુ થનારી ટેસ્ટ સીરીઝની પ્રથમ બે ટેસ્ટ મેચ માટે હાલમાં ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ બંને ટેસ્ટ મેચ ચેન્નાઈ (Chennai)ના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ (MA Chidambaram Stadium)માં રમાનારી છે. જે સિરીઝ માટે ટીમના નિયમિત કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) ફરીથી ટીમ સાથે જોડાઈ જશે. તે ઉપરાંત ઈશાંત શર્મા (Ishant Sharma) અને ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya)ની પણ ટેસ્ટ ટીમમાં વાપસી થઈ છે. ઈંગ્લેન્ડ સામે ઘર આંગણે ભારત ત્રણેય ફોર્મેટની સિરીઝ રમશે. સાથે જ ગુજરાતના લેફ્ટ આર્મ સ્પીનર અક્ષર પટેલ (Akshar Patel)ને પણ સ્થાન અપાયુ છે.

 

 

ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમ્યાન શાનદાર પ્રદર્શન કરનારા મહંમદ સિરાજ, શાર્દુલ ઠાકુર, શુભમન ગીલ અને વોશિંગ્ટન સુંદરને પણ ટીમમાં સ્થાન મળ્યુ છે. જો કે ટી નટરાજન અને નવદિપ સૈનીને ડ્રોપ કરવામાં આવ્યા છે તો એડીલેડ ટેસ્ટમાં ફ્લોપ રહેલા ઓપનર પૃથ્વી શો પણ ટીમથી હવે બહાર થઈ ગયો છે. મંગળવારે સાંજે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ માટે પસંદગી સમિતીની બેઠક યોજાઈ હતી. ચેતન શર્માની અધ્યક્ષતાવાળી નવી સિલેક્શન સમિતીની બેઠકમાં કેપ્ટન વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રી પણ વીડિયો કોન્ફરન્સથી બેઠકમાં જોડાયા હતા.

 

ઈંગ્લેંડ સામે રમાનારી ચાર મેચોની ટેસ્ટ સિરીઝ માટે હાલમાં શરુઆતની બે ટેસ્ટ માટેની ટીમને જાહેર કરવામાં આવી છે. 18 સદસ્ય ધરાવતી સ્ક્વોડમાં કેપ્ટન વિરાટ કોહલી રજા પરથી પરત થયો છે. કોહલી પેટરનિટી લિવ પર હતો. હવે તે પરત ફરતા ફરીવાર ટીમની કમાન સંભાળશે. લગભગ બે વર્ષના લાંબા અંતરાય બાદ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પણ ટેસ્ટ ટીમમાં સામેલ થયો છે. હાર્દિક પંડ્યા 2018-20માં ઓસ્ટ્રેલિયા સિરીઝ બાદ તે ટેસ્ટ ટીમની બહાર હતો.

 

હાર્દિક ઉપરાંત ઝડપી બોલર ઈશાંત શર્મા પણ ફિટ થઈને ટીમમાં પરત સામેલ થયો છે. આઈપીએલ દરમ્યાન ઈજાગ્રસ્ત થયેલો ઈશાંત ઓસ્ટ્રેલિયા પ્રવાસથી દુર રહેવા મજબૂર બન્યો હતો. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમ્યાન ઈજા થયેલા કેએલ રાહુલ, જસપ્રિત બુમરાહ અને રવિચંદ્રન અશ્વિન પણ ફીટ થઈને ટીમમાં જોડાયા છે. ટીમમાં નવા ચહેરાના સ્વરુપે ગુજરાતનો લેફ્ટ આર્મ સ્પિનર અક્ષર પટેલ પણ સ્થાન પામ્યો છે. ભારત માટે વન ડે અને ટી20 મેચ રમી ચુકેલો અક્ષર પટેલ પ્રથમ વાર ટેસ્ટ ટીમમાં સ્થાન પામ્યો છે.

 

ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમ્યાન સિનીયર ખેલાડીઓની ગેરહાજરીમાં ડેબ્યુ કરનાર અને શાનદાર રમત દાખવાનરા ખેલાડીઓને પણ જાણે ઈનામ મળ્યુ છે. યુવા ઓપનર શુભમન ગીલ, ઝડપી બોલર મહંમદ સિરાજ અને ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરે ડેબ્યુ કર્યુ હતુ અને હવે તેમને વધુ એક સિરીઝમાં મોકો મળ્યો છે. બ્રિસબેન ટેસ્ટમાં ઓલરાઉન્ડર દેખાવ કરનારા શાર્દુલ ઠાકુરને પણ સ્થાન મળ્યુ છે. ઈજાને લઈને બહાર થયેલા નવદિપ સૈનીને ટીમમાં સ્થાન મળ્યુ નથી.

 

આ ઉપરાંત ઓસ્ટ્રેલિયામાં ત્રણેય ફોર્મેટમાં ડેબ્યુ કરીને સૌનુ ધ્યાન ખેંચનારા ટી નટરાજનને પ્રથમ બે ટેસ્ટ મેચ માટે સ્થાન મળી શક્યુ નથી. સિરીઝની શરુઆતની ટેસ્ટમાં જ ફ્લોપ રહેનારા ઓપનર પૃથ્વી શોને પણ ટીમાં સ્થાન મળી શક્યુ નથી. ત્યારે વિકેટકીપર કેએસ ભરત, ઓપનર અભિમન્યુ ઈશ્વરન, સ્પીનર શાહબાઝ નદીમ અને રાહુલ ચાહરને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. ખેલાડીને ઈજા પહોંચવા જેવી સ્થિતીમાં તેમને ટીમમાં સ્થાન મળી શકે છે.

 

આ પણ વાંચો: IndvsAus: ભારતની ઐતિહાસિક જીત પર PM મોદી ગદગદ તો Googleના CEOએ કહી આ મોટી વાત

Published On - 7:50 pm, Tue, 19 January 21

Next Article