ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલ ટેસ્ટ સીરીઝમાં ભારતીય ટીમ માટે આજે બીજો દિવસ સારો નિવડ્યો હતો. ભારતીય બોલરોએ બીજા દિવસની રમતમાં ઓસ્ટ્રેલિયાને ઓલઆઉટ કર્યુ હતુ. પરંતુ જ્યારે મોહમ્મદ શામી મેચમાં બોલીંગ કરવા માટે આવ્યો તો ક્રિકેટ પ્રશંસકો તેમને જોઈ થોડા મુંઝાયા હતા. કારણ કે મોહમ્મદ શામી ફાટેલા શૂઝ સાથે બોલીંગ કરી રહ્યો હતો. મેચ દરમ્યાન કેમેરા તેના પગ પર ફોકસ થયો તો તેના ડાબા પગનો શૂઝ આગળથી ફાટેલો હતો.
Mohammad Shami
ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજ ખેલાડી એડમ ગિલક્રિસ્ટ, માર્ક વો અને શેન વોર્ન કોમેન્ટરી દરમ્યાન આ વાતને ધ્યાને લીધી. તેમણે આ અંગે કોમેન્ટરી દરમ્યાન વાત પણ કરી હતી. વોર્ને કહ્યુ હતુ કે મોહમ્મદ શામીની એક્શન હાઈ આર્મ છે. જ્યારે એકશન દરમ્યાન બોલ રીલીઝ કરો ત્યારે લેન્ડીંગ દરમ્યાન ડાબો અગુંઠો શૂઝમાં અંદર ટકરાય છે. જેનાથી બોલીંગ કરવામાં પરેશાની આવી શકે છે. એટલે જ શામીના એક શૂઝમાં છેદ જોઈ શકાય છે, જેથી અંગૂઠાને જગ્યા મળી રહે. જોકે વોર્ને જોક કરતા કહ્યુ હતુ કે, આશા છે કે શામી બેટીંગ દરમ્યાન ફાટેલો શૂઝ નહીં પહેરે. કારણ કે ઓસ્ટ્રેલીયાના ઝડપી બોલરના યોર્કર તેમની સ્થિતીને મુશ્કેલ બનાવી શકે છે.
વોર્ન, ગિલક્રિસ્ટ અને માર્ક વો આ દરમ્યાન શામીની લાઈન અને લેન્થને વખાણી રહ્યા હતા. બેટ્સમેનોને તે વધુમાં વધુ રમાડવા માટે પ્રયાસ કરતો હતો. પ્રથમ સ્પેલમાં બુમરાહ અને ઉમેશ યાદવના બોલને બેટ્સમેન લીવ કરવામાં સફળ રહેતા હતા. પિચ પર રિલેક્સ રહેવા માટે સફળતા મળતી હતી. બુમરાહે બંને ઓપનરોની વિકેટ ઝડપી હતી, પરંતુ શામીના બોલ પર લાબુશેનનો કેચ છુટ્યો હતો.