IND vs IRE: T20 સિરીઝમાં હાર્દિક પંડ્યા હશે કેપ્ટન, રાહુલ ત્રિપાઠીને મળી પહેલી તક

|

Jun 15, 2022 | 10:17 PM

ભારતે આયર્લેન્ડ સામે ટી20 સિરીઝ રમવાની છે.

IND vs IRE: T20 સિરીઝમાં હાર્દિક પંડ્યા હશે કેપ્ટન, રાહુલ ત્રિપાઠીને મળી પહેલી તક
hardik pandya

Follow us on

BCCIએ બુધવારે આયર્લેન્ડ સામેની T20 સિરીઝ માટે ટીમની જાહેરાત કરી છે. સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને (Hardik Pandya) ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે અને ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. હાર્દિક પંડ્યા ગુજરાતનો પહેલો ખેલાડી છે જે આંતરરાષ્ટ્રીય ટીમનો કેપ્ટન બન્યો છે. T20 માં આંતરરાષ્ટ્રીય મેચમાં અત્યાર સુધીમાં કુલ 8 ખેલાડીઓએ ભારતીય ટીમની કેપ્ટનશીપ સંભાળી છે. હાર્દિક પંડ્યા 9મો કેપ્ટન બન્યો. અગાઉ વિરેન્દ્ર સેહવાગ, એમએસ ધોની, સુરેશ રૈના, અજિંક્ય રહાણે, વિરાટ કોહલી, રોહિત શર્મા શિખર ધવન અને ઋષભ પંતે આંતરરાષ્ટ્રીય ટીમની કપ્તાની કરી છે. ભારત આ મહિનાના અંતમાં આયર્લેન્ડ સામે બે ટી-20 મેચ રમશે. સિલેક્ટર્સે આ સિરીઝ માટે IPLમાં શાનદાર પ્રદર્શન કરનાર ખેલાડી રાહુલ ત્રિપાઠીને (Rahul Tripathi) પ્રથમ વખત ટીમમાં તક આપી છે. IPLની ફાઈનલ રમનાર કેપ્ટન અને વિકેટ કીપર બેટ્સમેન સંજુ સેમસન પણ ટીમમાં પરત ફર્યો છે.

હાર્દિક પંડ્યાને મળી કેપ્ટનશીપ

સાઉથ આફ્રિકા સામેની વર્તમાન ટી20 સિરીઝમાં હાર્દિક પંડ્યા વાઇસ કેપ્ટનની જવાબદારી સંભાળી રહ્યો છે. કેએલ રાહુલ ઈજાગ્રસ્ત થતાં ઋષભ પંતને કેપ્ટન અને હાર્દિકને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. IPL 2022માં હાર્દિકે ડેબ્યૂ સિઝનમાં જ તેની ટીમ ગુજરાત ટાઇટન્સને ચેમ્પિયન બનાવી હતી. આ ટીમમાં એ ખેલાડીઓ સામેલ નથી કે જે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટનો ભાગ હશે કારણ કે તે ખેલાડીઓ આ સમયે મેચની તૈયારી કરી રહ્યા હશે.

રાહુલ ત્રિપાઠીને મળી તક

શ્રેયસ અય્યર અને ઋષભ પંત એકમાત્ર એવા ખેલાડી છે જે દક્ષિણ આફ્રિકા સામેની T20 સિરીઝનો ભાગ છે પરંતુ આયર્લેન્ડ સામેની સિરીઝનો ભાગ નહીં હોય. આ બંને ખેલાડીઓ ઈંગ્લેન્ડમાં ટીમ સાથે રહેશે. આ બંનેની જગ્યાએ રાહુલ ત્રિપાઠી અને સંજુ સેમસનનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સંજુ સેમસનની કપ્તાનીમાં રાજસ્થાન રોયલ્સની ટીમ ફાઇનલમાં પહોંચી હતી. IPL 2022માં તેણે 17 મેચમાં 374 રન બનાવ્યા હતા. બીજી તરફ સનરાઈઝર્સ હૈદરાબાદના રાહુલ ત્રિપાઠીએ 158.23ના સ્ટ્રાઈક રેટથી 413 રન બનાવ્યા હતા.

ભારતીય ટીમ – હાર્દિક પંડ્યા, ભુવનેશ્વર કુમાર, ઈશાન કિશન, ઋતુરાજ ગાયકવાડ, સંજુ સેમસન, સૂર્યકુમાર યાદવ, વેંકટેશ અય્યર, દીપક હુડા, રાહુલ ત્રિપાઠી, દિનેશ કાર્તિક, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, હર્ષલ પટેલ, આવેશ સિંહ, અર્શદીપ સિંહ અને ઉમરાન મલિક

Published On - 8:46 pm, Wed, 15 June 22

Next Article