World Cup 2023: ભારત અને પાકિસ્તાન સહિત અન્ય મેચની તારીખ પણ બદલાશે, વિશ્વ કપના શેડ્યૂલમાં થશે મોટા ફેરફાર!
ODI World Cup 2023: આગામી વનડે વિશ્વ કપ ભારતમાં રમનાર છે. આ માટે ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા તૈયારીઓ તડામાર ચાલી રહી છે. આ દરમિયાન હવે જાહેર થયેલ શેડ્યૂલમાં ફેરફાર થવાની શક્યતા છે, કેટલીક મેચ અને સ્થળ બદલાઈ શકે છે.
આગામી વિશ્વ કપને લઈ ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી લીગ મેચની તારીખમાં ફેરફાર થવા સાથે કેટલીક અન્ય મેચને લઈને પણ મોટા ફેરફાર થઈ શકે છે. મીડિયા રિપોર્ટનુસાર પાકિસ્તાન અને અન્ય દેશની ટીમોની મેચને લઈ તારીખ અને સ્થળને લઈ ફેરફાર જોવા મળી શકે છે. રીપોર્ટસ મુજબ લગભગ 6 મેચની તારીખમાં ફેરફાર થઈ શકે છે, જેમાં ભારત અને પાકિસ્તાનની મેચની તારીખ પણ બદલાશે.
વિશ્વકપનુ શેડ્યૂલ અગાઉ જાહેર થયા મુજબ 15 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાનારી હતી. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનાર હોવાનુ શેડ્યૂલ જાહેર થયુ હતુ. જોકે નવરાત્રીના તહેવારને લઈ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા આ અંગે ફેર વિચારણા હાથ ધરવામાં આવી હતી. આમ હવે ભારત અને પાકિસ્તાનની મેચની તારીખમાં ફેરફાર કરવામાં આવી શકે છે. હવે શક્ય છે કે આ મેચ એક દિવસ અગાઉ નિયત તારીખ કરતા રમાઈ શકે છે.
6 મેચમાં થઈ શકે છે ફેરફાર!
મીડિયા રિપોર્ટ્સ મુજબ આગામી વનડે વિશ્વકપના જાહેર થયેલા શેડ્યૂલમાં 6 જેટલા ફેરફાર થઈ શકે છે. આ માટે પાકિસ્તાનની એક જ નહીં પરંતુ 2 મેચના શેડ્યૂલમાં ફેરફાર થઈ શકે છે. જે મુજબન નવા શેડ્યૂલમાં પાકિસ્તાનની ભારત ઉપરાંત શ્રીલંકા સામેની મેચની તારીખમાં પણ ફેરફાર થઈ શકે છે. આમ પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચેની તારીખમાં પણ ફેરફાર નવા શેડ્યૂલમાં કરવામાં આવ્યો છે. જે મેચ વર્તમાન શેડ્યૂલ મુજબ 12 ઓક્ટોબરે રમાનાર છે, જે હવે 10 ઓક્ટોબરે રમાઈ શકે છે.
પાકિસ્તાન ઉપરાંત ન્યુઝીલેન્ડ અને બાંગ્લાદેશની મેચના શેડ્યૂલ પણ ફેરફાર થયા છે. રિપોર્ટ મુજબ ન્યુઝીલેન્ડ, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને ઈંગ્લેન્ડની મેચની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આમ નવુ શેડ્યૂલમાં મોટા ફેરફાર જોવા મળી શકે છે.
ટૂંક સમયમાં ફેરફાર જાહેર કરાશે
સૌની નજર હાલ તો ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચના શેડ્યૂલના ફેરફાર ને લઈ ટકી રહી છે. પરંતુ હવે આ માટેની સત્તાવાર અપડેટની રાહ જોવાઈ રહી છે. જોકે ટૂંક સમયમાં જ શેડ્યૂલમાં ફેરફાર ને લઈ નવો કાર્યક્રમ ઝડપથી જાહેર કરવામાં આવી શકે છે. આ ફેરફાર સાથે એકાદ બે દિવસમાં જ નવુ શેડ્યૂલ જારી કરવામાં આવી શકે છે.