Team India: શામી, ઇશાંત અને ઉમેશ યાદવ પછી કોણ? ઝડપી બોલરોની નવી પેઢી તૈયાર કરવા BCCI એ માસ્ટર પ્લાન ઘડ્યો
BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી ભારતીય ટીમના નવા મુખ્ય કોચ રાહુલ દ્રવિડ (Rahul Dravid) NCAના આગામી વડા VVS લક્ષ્મણ સાથે મળીને ઝડપી બોલરો માટે નવો પ્લાન તૈયાર કરી રહ્યા છે.
ભારતીય ક્રિકેટમાં આ સમયે કોચિંગ સ્ટાફમાં ઘણા ફેરફારો જોવા મળી રહ્યા છે. BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી (Sourav Ganguly) તેમના બે ભૂતપૂર્વ સાથી ખેલાડીઓને કોચિંગ સ્ટીફમાં સામેલ કરવામાં સફળ રહ્યા છે. રાહુલ દ્રવિડ (Rahul Dravid) ને ટીમ ઈન્ડિયાના કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, ત્યારે ગાંગુલીએ કહ્યું હતું કે વીવીએસ લક્ષ્મણ (VVS Laxman) નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) ના આગામી વડા હશે. હવે આ ત્રિપુટીએ ભારતીય ક્રિકેટને નવી ઉંચાઇ આપવાનું શરૂ કર્યું છે અને આ માટે એક બ્લુ પ્રિન્ટ પણ તૈયાર કરવામાં આવી છે.
રિપોર્ટ અનુસાર, BCCI પ્રમુખ ગાંગુલી, સેક્રેટરી જય શાહ (Jay Shah) ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ દ્રવિડ અને લક્ષ્મણ સાથે બોલરોની આગામી પેઢી તૈયાર કરવા માટે કામ કરવા જઈ રહ્યા છે. આ બધા સાથે મળીને બોલરો માટે એક અલગ ડીલ શરૂ કરવા જઈ રહ્યા છે.
રિપોર્ટ અનુસાર, ઈશાંત શર્મા, મોહમ્મદ શામી અને ઉમેશ યાદવ તમામ 30 વર્ષની વય વટાવી ચૂક્યા છે અને તેઓ આગામી બે વર્ષ માટે જ રમે તેવી શક્યતા છે. આને ધ્યાનમાં રાખીને, BCCI પહેલેથી જ આયોજન કરી રહ્યું છે, કે ફાસ્ટ બોલરોની આગામી બેચ કેવી રીતે તૈયાર કરવી અને તે અંતર્ગત તે યુવા ઝડપી બોલરો માટે ‘એક્સલુઝીવ’ કોન્ટ્રાક્ટ લાવવા માટે તૈયાર છે.
આ આયોજન છે
ગાંગુલી શાહ, મુખ્ય કોચ દ્રવિડ અને એનસીએ ચીફ લક્ષ્મણ સાથે મળીને એવે કરાર કરવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનું માનવામાં આવે છે. જે ‘એક્સલુઝીવ’ છે અને કેન્દ્રીય કરારથી અલગ છે. અહેવાલમાં જણાવ્યું છે કે ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ બોલર અને ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ બોલિંગ કોચ ટ્રોય કુલી NCAના આગામી બોલિંગ કોચ હશે.
રિપોર્ટ અનુસાર, કુલી અને લક્ષ્મણ 10 યુવા ઝડપી બોલરોને પસંદ કરશે. આ બોલરો એવા હશે જેઓ આ સમયે રાષ્ટ્રીય મંચ પર નથી અને જેમની પાસે કરાર નથી. આ યુવા બોલરોને જુનિયર અને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી લેવામાં આવશે અને BCCI દ્વારા તેમને ફાસ્ટ બોલરનો કોન્ટ્રાક્ટ આપવામાં આવશે. દ્રવિડ અને લક્ષ્મણ આ બોલરોને જોશે અને પરખ કરશે કે શું આ ખેલાડીઓને ઈન્ડિયા-એ કે સિનિયર ટીમમાં પસંદ કરી શકાય છે.
ભારત પાસે મજબૂત ખેલાડીઓ
ભારતનું ઝડપી બોલિંગ આક્રમણ અત્યારે ખૂબ જ મજબૂત છે. ટીમ પાસે જસપ્રિત બુમરાહ, શામી, ઈશાંત, ઉમેશ, ભુવનેશ્વર જેવા અનુભવી બોલરો છે, તો તેમની જગ્યાએ મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર, ટી. નટરાજન જેવા ખેલાડીઓ છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં મુખ્ય બોલરોની ગેરહાજરીમાં આ તમામે સારું પ્રદર્શન કર્યું હતું. આ સિવાય ભારત પાસે આવેશ ખાન, હર્ષલ પટેલ, શિવમ માવી, પ્રસિદ્ધ ક્રૃષ્ણા, કમલેશ નાગરકોટી, ઉમરાન મલિક જેવા પ્રતિભાશાળી બોલરો છે. જેઓ ભવિષ્યમાં ટીમ માટે કમાલ કરી શકે છે.