TNPL Auctionનો સૌથી મોંઘો ખેલાડી, ગુજરાત ટાઈટન્સના ખેલાડીને IPL કરતા વધુ રકમ મળી
Gujarat Titans ટીમના ખેલાડી સાંઈ સુદર્શને IPLની અંતિમ સિઝન દરમિયાન ડેબ્યૂ કર્યુ હતુ. પોતાની પ્રથમ સિઝનમાં ગુજરાત ટીમ IPL ચેમ્પિયન બની હતી અને તેનો તે હિસ્સો બન્યો હતો.

ઈન્ડિયન પ્રીમિયર લીગ વિશ્વની સૌથી ધનીક લીગ છે અને તેમાં વિશ્વભરના સ્ટાર ક્રિકેટરો હિસ્સો બનતા હોય છે. IPL નો હિસ્સો બની ખેલાડીઓ અઢળક રુપિયાની કમાણી કરતા હોય છે. ઓક્શનમાં અનેક ક્રિકેટરો કરોડપતિ બનવાનો મોકો મેળવી રહ્યા છે. અહીં ઘરેલુ યુવા ક્રિકેટરોને બેઝ પ્રાઈઝ મળવાનુ પણ એક સપનુ હોય છે અને અનેક ખેલાડીઓ એ સપનુ પુરુ કરતા જોવા મળી રહ્યા છે. ગુજરાત ટાઈટન્સ (GT) ટીમના ખેલાડી સાંઈ સુદર્શનને પોતાની પ્રથમ સિઝનની સ્ક્વોડમાં સામેલ કર્યો હતો. આ માટે તેને બેઝ પ્રાઈઝ ચુકવવામાં આવી હતી. જોકે TNPL Auction દરમિયાન તેને IPL માં ગુજરાત દ્વારા મળતી સેલેરી કરતા વધુ રકમથી ખરીદવામાં આવ્યો છે.
સાંઈ સુદર્શન શાનદાર બેટર છે. તેને તામિલનાડુની ક્રિકેટ લીગ TNPL માં સૌથી વઘારે રકમથી ખરીદવામાં આવ્યો છે. તેને સૌથી ઉંચી રકમ આગામી સિઝન માટે ચુકવવામા આવશે. તામીલનાડુની લીગ માટે ગુરુવારે ઓક્શનનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જે આ લીગનુ પ્રથમ ઓક્શન હતુ. જેમાં 8 ટીમોએ ખેલાડીઓની ખરીદી કરી હતી. લીગની સાતમી સિઝન માટેના ઓક્શનમાં સૌથી ઉંચી બોલી સુદર્શનના નામ પર બોલાઈ હતી. સુદર્શનને લાયકા કોવઈ કિંગ્સ ટીમે 21.60 લાખ રુપિયામાં ખરીદ્યો હતો.
સુદર્શન ગુજરાત ટીમનો હિસ્સો
તામિલનાડુની સિનિયર સ્ક્વોડનો હિસ્સો સાંઈ સુદર્શન ગુજરાત ટાઈટન્સ ટીમનો હિસ્સો છે. ગુજરાત ટાઈટન્સ ટીમે ગત સિઝન દરમિયાન ડેબ્યૂ કર્યુ હતુ. આ માટે ટીમે પોતાની પ્રથમ સ્ક્વોડમાં સાંઈ સુદર્શનને 20 લાખ રુપિયાની બેઝ પ્રાઈસ પર પોતાની સાથે સમાવ્યો હતો. ગુજરાતે ડેબ્યૂ સિઝનમાં જ ધમાકેદાર એન્ટ્રી આઈપીએલમાં કરતા ચેમ્પિયન બન્યુ હતુ. સુદર્શનને ચેમ્પિયન ટીમનો હિસ્સો બનવાનો મોકો મળ્યો હતો. સુદર્શનને 5 મેચોમાં રમવાનો મોકો મળ્યો હતો અને તેણે આ દરમિયાન એક અડધી સદી સાથે 145 રન નોંધાવ્યા હતા.
સુદર્શનની T20 કરિયર
અત્યાર સુધીમાં સુદર્શન માત્ર 18 ટી20 મેચ રમવાનો અનુભવ ધરાવે છે. આ મેચો રમવા દરમિયાન તે 33 ની સરેરાશ અને 122ની સ્ટ્રાઈક રેટ સાથે 497 રન નોંધાવી ચુક્યો છે. સુદર્શને રણજી ટ્રોફી અને એ પહેલા વિજય હજારે ટ્રોફીમાં તામિલનાડુ ટીમનો હિસ્સો રહી જબરદસ્ત પ્રદર્શન કર્યુ હતુ. તેનુ ફોર્મ શાનદાર રહ્યુ હતુ. તેણે પ્રભાવિત કરનારી રમત દર્શાવી હતી, જને લઈ લીગમાં તેના માટે આકર્ષણ રહ્યુ હતુ.
આ સિવાય સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમનો હિસ્સો રહેલા સંજય યાદવને 17.60 રનની રકમ TNPL ની હરાજીમાં મળી છે. જ્યારે શિવમ સિંહને 15.95 લાખ રુપિયાની રકમ મળી છે. શિવમ દિગ્ગજ સ્પિનર રવિચંદ્રન અશ્વિનની ટીમનો હિસ્સો બન્યો છે.