એક બોલમાં 2 વખત DRS ! અશ્વિનની હરકત જોઈ તમારું પણ માથું ચકરાઈ જશે, જુઓ Video
ઈંગ્લેન્ડથી પાછા ફર્યા પછી રવિચંદ્રન અશ્વિન સીધો તમિલનાડુ પ્રીમિયર લીગ (TNPL) રમવા પહોંચ્યો હતો. જ્યાં તે તેની ટીમ ડિંડીગુલ ડ્રેગનનું નેતૃત્વ કરી રહ્યો છે. અશ્વિને પહેલી જ મેચમાં 2 વિકેટ મેળવી હતી.

જ્યારે પણ રવિચંદ્રન અશ્વિન બોલિંગ કરે છે ત્યારે બેટ્સમેન એલર્ટ રહે છે, સાથે જ ચાહકો પણ સજાગ રહે છે. એલર્ટ એટલા માટે કારણ કે તે પોતાની બોલિંગમાં કંઈક અલગ કમાલ કરે છે. ક્યારેક તે તેની બોલિંગ સ્ટાઈલમાં થોડો ફેરફાર કરશે, ક્યારેક તે અચાનક ધીમો રન-અપ લઈ લેશે અને ક્યારેક તે બેટ્સમેનને રનઆઉટ કરશે. પરંતુ હવે અશ્વિને જે કર્યું છે તે ક્રિકેટમાં ભાગ્યે જ જોવા મળ્યું હશે. અશ્વિને પોતે TNPLમાં DRSને પડકાર આપીને DRS લીધું હતું.
કોઈમ્બતુરમાં રમાઈ રહેલી તમિલનાડુ પ્રીમિયર લીગમાં 14મી જૂનની સાંજે ડિંડીગુલ ડ્રેગન અને ત્રિચી વચ્ચે ટક્કર થઈ હતી. આ મેચમાં રવિચંદ્રન અશ્વિનની આગેવાની હેઠળની ડિંડીગુલે પ્રથમ બોલિંગ કરી અને ત્રિચીને માત્ર 120 રનના સામાન્ય સ્કોર સુધી રોકી દીધું હતું. અશ્વિને આ મેચમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
Uno Reverse card in real life! Ashwin reviews a review 🤐 . .#TNPLonFanCode pic.twitter.com/CkC8FOxKd9
— FanCode (@FanCode) June 14, 2023
બેટ્સમેન બાદ અશ્વિને લીધો DRS
અશ્વિને આ મેચમાં ન માત્ર બે મહત્વની વિકેટ લીધી પરંતુ આ દરમિયાન તેણે કંઈક એવું કર્યું જે દરેક માટે ચોંકાવનારું હતું. ત્રિચીની ઇનિંગ્સની 13મી ઓવરમાં અશ્વિન બોલિંગ કરી રહ્યો હતો. ત્રિચીનો બેટ્સમેન રાજકુમાર ઓવરના છેલ્લા બોલ પર મોટો શોટ રમી શક્યો ન હતો. જ્યારે તેની સામે કેચ માટે અપીલ કરવામાં આવી ત્યારે અમ્પાયરે તેને આઉટ આપ્યો હતો.
બેટ્સમેને અહીં DRS લીધું. રિપ્લેમાં સ્પષ્ટ દેખાતું હતું કે બોલ બેટ સાથે અથડાયો ન હતો. આવી સ્થિતિમાં થર્ડ અમ્પાયરે નિર્ણય પલટાવ્યો અને નોટઆઉટ આપ્યો. મેદાન પરના અમ્પાયરે પોતાનો નિર્ણય બદલતા જ અશ્વિને પોતે DRS લઈને બધાને ચોંકાવી દીધા હતા.તો અમ્પાયરે તેને ફરીથી ત્રીજા અમ્પાયર પાસે મોકલ્યું. ફરી એકવાર થર્ડ અમ્પાયરે અગાઉનો રિપ્લે ફરીથી જોયો અને ફરીથી પોતાનો નિર્ણય માન્ય રાખ્યો અને નોટઆઉટ આપ્યો. એકંદરે અશ્વિન અને તેની ટીમને સફળતા ન મળી.
It took Ashwin just two deliveries to make an impact.#TNPLonFanCode pic.twitter.com/etTH54mrHG
— FanCode (@FanCode) June 14, 2023
આ પણ વાંચોઃ એશિઝ 2023 : બેન સ્ટોકસનો ઓસ્ટ્રેલિયાને સીધો પડકાર, બે દિવસ પહેલા જાહેર કરી ઈંગ્લેન્ડની પ્લેઈંગ 11
અશ્વિનની 2 વિકેટ, ડિંડીગુલનો વિજય
મજાની વાત એ છે કે રાજકુમારે ત્યારપછી છેલ્લી ઓવરમાં અશ્વિનનો સામનો કર્યો હતો અને આ વખતે તેણે અશ્વિનને સતત ત્રણ બોલમાં 4, 6 અને 6 ફટકાર્યા હતા. આમ છતાં આ મેચમાં અશ્વિનનું પ્રદર્શન સારું રહ્યું હતું. તેણે પોતાની 4 ઓવરમાં માત્ર 26 રન આપ્યા અને 2 વિકેટ લીધી હતી. ડિંડીગુલે મેચ 6 વિકેટે જીતીને મજબૂત શરૂઆત કરી હતી.