Cricket: મયંક અગ્રવાલ આ રીતે બન્યો મુંબઇ ટેસ્ટનો હિરો, વીવીએસ લક્ષ્મણે બતાવ્યુ કારણ, કર્યા ખૂબ વખાણ
મયંક અગ્રવાલે (Mayank Agarwal) મુંબઈ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં 150 રન બનાવ્યા હતા અને બીજી ઇનિંગમાં તેના બેટમાંથી 62 રન આવ્યા હતા. આ પ્રદર્શનના કારણે તેને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
ભારતે (Team India) તાજેતરમાં ન્યુઝીલેન્ડ (New Zealand) ને ઘરઆંગણે બે મેચની ટેસ્ટ શ્રેણીમાં હરાવ્યું હતું. કાનપુરમાં રમાયેલી પ્રથમ મેચમાં જો કે કીવી ટીમે જોરદાર સ્પર્ધા બતાવીને મેચ ડ્રો કરી હતી, પરંતુ મુંબઈમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ભારતે જોરદાર પ્રદર્શન કર્યું હતું અને જીત મેળવી હતી. તેની જીતનો હીરો ઓપનર મયંક અગ્રવાલ (Mayank Agarwal) હતો, જેણે શાનદાર બેટિંગ કરી હતી.
આ બેટિંગથી ભારતના ભૂતપૂર્વ બેટ્સમેન અને નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) ના આગામી વડા વી.વી.એસ. લક્ષ્મણ (VVS Laxman) ખૂબ જ પ્રભાવિત થયા છે. વીવીએસ લક્ષ્મણનું માનવું છે કે ન્યુઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટમાં મયંક અગ્રવાલનું શાનદાર પ્રદર્શન તેનો આત્મવિશ્વાસ દર્શાવે છે.
રોહિત શર્મા (Rohit Sharma) અને કેએલ રાહુલ (KL Rahul) ની ગેરહાજરીમાં રમી રહેલા ઓપનર મયંક અગ્રવાલ કાનપુરમાં સારું પ્રદર્શન કરી શક્યો ન હતો. પરંતુ બીજી મેચમાં તેણે 150 અને 62 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જેના માટે તેને ટૂર્નામેન્ટના શ્રેષ્ઠ ખેલાડી તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. એક કાર્યક્રમમાં લક્ષ્મણે કહ્યું, તેમણે પોતાના આત્મવિશ્વાસને ઘણું મહત્વ આપ્યું. તેને ફરીથી ફોર્મમાં આવતા અને આ રીતે પ્રદર્શન કરતા જોઈને આનંદ થયો. મને લાગે છે કે તે ફર્સ્ટ ક્લાસ અને ઈન્ટરનેશનલ ક્રિકેટમાં જે રીતે રમે છે તેવી જ માનસિકતા સાથે રમ્યો હતો.
સ્પિનરો સામેની રમતના ચાહક
મુંબઈ ટેસ્ટ મેચની બંને ઇનિંગ્સમાં મયંકે શાનદાર બેટિંગ કરી અને રન બનાવ્યા. આ દરમિયાન તેણે ન્યૂઝીલેન્ડના સ્પિનરોને પણ સારી રીતે રમ્યો હતો. લક્ષ્મણે કહ્યું છે કે સ્પિનરો સામે મયંકની બેટિંગ બેજોડ હતી. તેમણે કહ્યુ, મયંકે ખાસ કરીને એજાઝ પટેલ સામે કેટલાક અસાધારણ શોટ્સ રમ્યા હતા. લોન્ગ ઓફ અને એક્સ્ટ્રા કવર ઉપર છગ્ગા તેની ઇનિંગના શ્રેષ્ઠ શોટ હતા.
ઓસ્ટ્રેલિયામાં કર્યુ હતુ ડેબ્યુ અને પછી બહાર
મયંકે 2018માં ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. આ પહેલા ભારતમાં વેસ્ટ ઈન્ડિઝ સામે રમાયેલી ટેસ્ટ શ્રેણીમાં પણ તેની ટીમ ઈન્ડિયામાં પસંદગી થઈ હતી પરંતુ તેને રમવાની તક મળી ન હતી. ત્યારબાદ તે ટીમ સાથે ઓસ્ટ્રેલિયા ગયો જ્યાં તેને મેલબોર્નમાં ટેસ્ટ ડેબ્યૂ કરવાની તક મળી. આ મેચની પ્રથમ ઇનિંગમાં મયંકે 76 રન બનાવ્યા હતા. સિડનીમાં રમાયેલી બીજી મેચમાં તેણે ફરીથી જોરદાર ઇનિંગ રમી અને 77 રન બનાવ્યા.