Team India Coach & Chief Selector: ટીમ ઈન્ડિયાને હેડ કોચ અને ચિફ સિલેક્ટર એક સાથે મળશે, જાણો ક્યારે થશે એલાન?
Indian Cricket Team: ભારતીય પુરુષ ક્રિકેટ ટીમના ચિફ સિલેક્ટરના નામને જાહેર થવાની રાહ જોવામાં આવી રહી છે. આ દરમિયાન સમાચાર સામે આવી રહ્યા છે કે, મહિલા ક્રિકેટ ટીમના હેડ કોચ અને ચિફ સિલેક્ટરના નામનુ એલાન સાથે થશે.
ભારતીય ક્રિકેટ ચાહકો છેલ્લા કેટલાક સમયથી બે પદ પર નિમણૂંક પર નામની જાહેરાત થવાની રાહ જોઈ રહ્યા છે. ભારતીય પુરુષ ક્રિકેટ ટીમના ચિફ સિલેક્ટરના ખાલી પદને લઈ છેલ્લા કેટલાક સમયથી રાહ જોવામાં આવી રહી છે. વનડે વિશ્વકપ આડેના દિવસો પણ એક એક ઓછા થઈ રહ્યા છે. આવામાં ભારતીય ક્રિકેટ ટીમના પસંદગીકારનુ નામ જાહેર થવાને લઈ રાહ જોવામાં આવી રહી છે. ઉપરાંત ભારતીય મહિલા ક્રિકેટ ટીમના હેડ કોચને લઈ પણ નિમણૂંકની રાહ જોવામાં આવી રહી છે. આ દરમિયાન અહેવાલ સામે આવી રહ્યા છે કે, ટૂંક સમયમાં જ બંને નામ એક સાથે જ જાહેર થઈ શકે છે.
હાલમાં ભારતીય ટીમના ચિફ સિલેક્ટર અને મહિલા ક્રિકેટ ટીમના હેડ કોચને લઈ ઈન્ટરવ્યુનો તબક્કો ચાલી રહ્યો છે. ઈન્ટરવ્યુ ઓફલાઈન અને ઓનલાઈન એમ બંને પ્રકારે લેવામાં આવી રહ્યા છે. ભારતીય પુરુષ ક્રિકેટ ટીમ હાલમાં વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે પહોંચી છે. જ્યારે મહિલા ક્રિકેટ ટીમ હવે બાંગ્લાદેશ પ્રવાસ ખેડનારી છે. બંને ટીમોને લઈ આ પદ પર નિમણૂંક ઝડપથી કરવા માટે ભારતીય ક્રિકેટ બોર્ડે કાર્યવાહી હાથ ધરી છે.
ક્યારે નામ જાહેર થશે?
BCCI દ્વારા ઈન્ટરવ્યુ લેવામાં આવી રહ્યા છે. આ દરમિયાન 3, જુલાઈ સોમવારે ઈન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા. બંને મહત્વના પદ માટે થઈને ઈન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા. જેમાં સોમવારે કોઈ ચોક્કસ નિષ્કર્ષ સામે આવ્યો નથી. હવે મંગળવારે એટલે કે 4, જુલાઈએ પણ ઈન્ટરવ્યુનો તબક્કો જારી છે. ઈન્ટરવ્યુ બાદ CAC નો પ્રયાસ મંગળવારે જ ફાઈનલ નામ જાહેર કરવાને લઈ હશે. જો મંગળવારે નામ જાહેર કરવામાં આવતા નથી તો આગામી એકાક બે દિવસમાં જ નામનુ એલાન કરવામાં આવી શકે છે.
હેડ કોચ માટે અમોલ મજૂમદાર આગળ
મહિલા ક્રિકેટ ટીમના હેડ કોચ તરીકે ત્રણ નામ શોર્ટ લિસ્ટ કરવામાં આવ્યા હોવાના રિપોર્ટ્સ સામે આવ્યા છે. રેસમાં પ્રથમ ક્રમે તુષાર અરોઠેનુ નામ છે. જેઓએ ટીમને 2017માં વિશ્વકપ ફાઈનલ સુધીની સફર કરાવી હતી. બીજા ક્રમે અમોલ મજૂમદાર છે. જેઓ અનુભવી અને મુંબઈની ટીમના પૂર્વ કોચ છે. જ્યારે ત્રીજા નામ તરીકે ઈંગ્લેન્ડના જોન લુઈસનુ છે.
ક્રિકેટ સલાહકાર સમિતિ દ્વારા આ નામ શોર્ટ લિસ્ટ કરવામાં આવ્યા છે. BCCI ની આ સમિતિમાં સુલક્ષણા નાઈક, અશોક મલ્હોત્રા અને જતિન પરાનિપે સામેલ છે. આ સમિતિે જ ઉમેદવારોના ઈન્ટરવ્યુ કર્યા છે. જેઓ ઓનલાઈન અને ઓફલાઈન ઈન્ટરવ્યુ લઈ રહ્યા છે. મહિલા ટીમના હેડ કોચ તરીકે મજૂમદારનુ નામ રેસમાં સૌથી આગળ હોવાના રિપોર્ટ્સ સામે આવી રહ્યા છે. જેમણે રુબરુ ઈન્ટરવ્યુ આપ્યો હતો. નવા કોચ સાથે મહિલા ટીમ બાંગ્લાદેશનો પ્રવાસ ખેડી શકે છે. જ્યાં ટીમ વ્હાઈટ બોલ ક્રિકેટ સિરીઝ રમશે.
ચિફ સિલેક્ટરની રેસમાં કોણ આગળ?
મીડિયા રિપોર્ટ્સ મુજબ મહિલા ક્રિકેટ ટીમના હેડ કોચના નામના એલાનની સાથે જ ભારતીય પુરુષ ક્રિકેટ ટીમના ચિફ સિલેક્ટરના નામનુ એલાન કરવામાં આવશે. પૂર્વ ભારતીય બોલર અજીત અગારકરને ચિફ સિલેક્ટર્સની રેસમાં સૌથી આગળ માનવામાં આવી રહ્યા છે. હાલમાં તે ભારત બહાર છે અને તે ઓનલાઈન માધ્યમથી ઈન્ટરવ્યુ માટે હાજર રહી શકે છે.