એક મેચમાં ત્રણ-ત્રણ સુપર ઓવર… ક્રિકેટના ઈતિહાસમાં પહેલીવાર આવું બન્યું
સ્કોટલેન્ડના ગ્લાસગોમાં રમાઈ રહેલી T20 ત્રિકોણીય શ્રેણીની બીજી મેચ નેપાળ અને નેધરલેન્ડ વચ્ચે રમાઈ હતી. જેમાં નેધરલેન્ડની ટીમ જીતવામાં સફળ રહી હતી. ખાસ વાત એ હતી કે આ મેચમાં કુલ 3 સુપર ઓવર રમાઈ હતી.

સ્કોટલેન્ડના ગ્લાસગોમાં રમાઈ રહેલી T20 ટ્રાઈ સિરીઝ 2025માં એક ઐતિહાસિક મેચ જોવા મળી હતી. નેપાળ અને નેધરલેન્ડ વચ્ચેની બીજી T20 મેચ ટાઈ થયા બાદ એક, બે નહીં પણ ત્રણ સુપર ઓવર રમાઈ હતી અને ત્યારબાદ મેચનું પરિણામ નક્કી થયું હતું. આ ક્રિકેટ ઈતિહાસની પહેલી T20 મેચ બની છે જેમાં ત્રણ સુપર ઓવર રમાઈ હોય. આ રોમાંચક મેચ આ રોમાંચક મેચ ટિટવુડ ગ્રાઉન્ડ પર રમાઈ હતી જ્યાં સ્ટેડિયમમાં હાજર દર્શકોને ભારે રોમાંચક મેચ જોવાનો લ્હાવો મળ્યો હતો.
નેધરલેન્ડ્સ-નેપાળની મેચ થઈ ટાઈ
આ મેચમાં, નેધરલેન્ડે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 152 રન બનાવ્યા. નેપાળના સ્પિનરો, ખાસ કરીને સંદીપ લામિછાને અને લલિત રાજવંશીએ શાનદાર બોલિંગ કરી અને નેધરલેન્ડ્સને મોટો સ્કોર કરતા અટકાવ્યા. જવાબમાં, નેપાળની ટીમે પણ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 152 રન જ બનાવ્યા, જેના પરિણામે મેચ ટાઈ થઈ. નેપાળ માટે, નંદન યાદવે છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકારીને સ્કોરની બરાબરી કરી, જેના કારણે મેચ સુપર ઓવરમાં ગઈ.
એક મેચમાં ત્રણ સુપર ઓવર રમાઈ હતી
નેપાળે પહેલી સુપર ઓવરમાં 19 રન બનાવ્યા. જેના જવાબમાં નેધરલેન્ડે પણ 19 રન બનાવીને સુપર ઓવરમાં બરાબરી કરી. આ પછી, બીજી સુપર ઓવર રમાઈ, જ્યાં બંને ટીમોએ ફરીથી સમાન રન બનાવ્યા, જેનાથી મેચ વધુ રોમાંચક બની ગઈ. આ વખતે બંને ટીમોએ 17-17 રનનો સ્કોર બનાવ્યો, જેના કારણે મેચ ત્રીજી સુપર ઓવરમાં પહોંચી. પરંતુ ત્રીજી સુપર ઓવરમાં, નેપાળની ટીમ પોતાનું ખાતું ખોલી શકી નહીં અને પોતાની બંને વિકેટ 0 પર જ ગુમાવી દીધી. આ પછી, નેધરલેન્ડે પહેલા બોલ પર સિક્સર ફટકારીને મેચ જીતી લીધી.
THREE SUPER OVERS BETWEEN NEPAL AND THE NETHERLANDS!
https://t.co/nN9x8U0Cv5 pic.twitter.com/K4eQO6hA9v
— ESPNcricinfo (@ESPNcricinfo) June 16, 2025
નેધરલેન્ડની યાદગાર જીત
આ મેચમાં નેધરલેન્ડ તરફથી તેજા નિદામાનુરૂએ સૌથી વધુ 35 રન બનાવ્યા, જ્યારે વિક્રમજીત સિંહે 30 અને સાકિબ ઝુલ્ફીકારે 25 રન બનાવ્યા. બીજી તરફ, ડેનિયલ ડોરામ બોલિંગમાં સૌથી સફળ બોલર રહ્યો. તેણે 4 ઓવરમાં 14 રન આપીને 3 વિકેટ લીધી. વિક્રમજીત સિંહે પણ 2 વિકેટ લીધી. જેક લિયોન-કેચેટ, બેન ફ્લેચર અને કાયલ ક્લેઈનને 1-1 સફળતા મળી.
આ પણ વાંચો: IND vs ENG : 4 ખેલાડીઓ કરશે ડેબ્યૂ ! ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન કેવી હશે?
