
પાકિસ્તાનની ક્રિકેટ ટીમ 2026ના T20 વર્લ્ડ કપમાં ભાગ લેશે કે નહીં તે અંગેનો નિર્ણય હાલ પુરતો મુલતવી રાખવામાં આવ્યો છે. બાંગ્લાદેશને વર્લ્ડ કપમાંથી બાકાત રાખ્યા બાદ વર્લ્ડ કપનો બહિષ્કાર કરવાની ધમકી આપનાર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે કહ્યું છે કે તે આગામી થોડા દિવસોમાં ટુર્નામેન્ટમાં ભાગ લેવો કે નહીં તે અંગેનો નિર્ણય લેશે. પાકિસ્તાની બોર્ડના પ્રમુખ મોહસીન નકવીએ 26 જાન્યુઆરી, સોમવારના રોજ વડા પ્રધાન શાહબાઝ શરીફ સાથે મુલાકાત કરીને આ મુદ્દા પર ચર્ચા કરી હતી. આ પછી, નકવીએ જાહેરાત કરી હતી કે ટુર્નામેન્ટમાં ભાગ લેવા કે નહીં તે અંગેનો નિર્ણય આગામી શુક્રવાર (30 જાન્યુઆરી) અથવા આગામી સોમવાર (2 ફેબ્રુઆરી) ના રોજ લેવામાં આવશે.
આજે 26 જાન્યુઆરીના રોજ, પાકિસ્તાની બોર્ડના પ્રમુખ મોહસીન નકવીએ પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ સાથે મુલાકાત કરી અને ક્રિકેટ વર્લ્ડ કપ અંગે ચર્ચા કરી હતી. લગભગ એક કલાક ચાલેલી બેઠક બાદ, મોહસીન નકવીએ સોશિયલ મીડિયા પર જાહેરાત કરી કે, વડા પ્રધાને તેમને બધા વિકલ્પો ખુલ્લા રાખીને આ મામલો ઉકેલવા કહ્યું છે, અને આ અંગે સોમવાર સુધીમાં આખરી નિર્ણય લઈ શકાય છે. મોહસીન નકવીએ લખ્યું, “વડા પ્રધાનને ICC મુદ્દા અંગે માહિતી આપવામાં આવી હતી અને તેમણે નિર્દેશ આપ્યો હતો કે, બધા વિકલ્પો ખુલ્લા રાખીને આ મામલો ઉકેલવામાં આવે. આગામી 30મી જાન્યુઆરીને શુક્રવાર અથવા 2 ફેબ્રુઆરીને સોમવારના રોજ અંતિમ નિર્ણય લેવામાં આવશે.”
આ બેઠક પહેલા, પાકિસ્તાની મીડિયામાં એક મોટો દાવો કરવામાં આવ્યો હતો કે, પાકિસ્તાની ટીમ વર્લ્ડ કપમાં ભાગ લેશે પરંતુ 15 ફેબ્રુઆરીના રોજ ભારત સામેની મેચનો બહિષ્કાર કરી શકે છે. આનો અર્થ એ થયો કે ટીમ આ સિવાયની ટી20 ક્રિકેટ વર્લ્ડ કપની પાકીની બધી મેચ રમી શકે છે. એવું માનવામાં આવતું હતું કે શાહબાઝ શરીફ સાથેની બેઠકમાં આ મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે, ત્યારબાદ સત્તાવાર નિર્ણય લેવામાં આવશે. જોકે, પાકિસ્તાની બોર્ડે હવે આગામી થોડા દિવસો સુધી પોતાનું નાટક ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે.
ગત 24 જાન્યુઆરીના રોજ, PCBના ચેરમેન મોહસીન નકવીએ જણાવ્યું હતું કે, T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાની ટીમની ભાગીદારી અંગેનો નિર્ણય દેશની સરકાર લેશે, અને બોર્ડ તેના નિર્દેશોનું પાલન કરશે. ICC દ્વારા બાંગ્લાદેશને ટુર્નામેન્ટમાંથી બાકાત રાખવા અને તેની જગ્યાએ સ્કોટલેન્ડ લાવવાનો નિર્ણય લેવામાં આવ્યા બાદ નકવીનું આ નિવેદન સામે આવ્યું હતું. ત્યારબાદ નકવીએ તેને બાંગ્લાદેશ પ્રત્યે અન્યાયી ગણાવ્યું હતું અને, જ્યારે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે બાંગ્લાદેશને ટેકો આપવાનો દેખાવ કર્યો હતો, ત્યારે ગર્ભિત રીતે વર્લ્ડ કપનો બહિષ્કાર કરવાની ધમકી આપી હતી.
Published On - 7:32 pm, Mon, 26 January 26