Virat Kohli: વિરાટ કોહલીના નિવેદનને લઇ ‘દાદા’ એ કારણ બતાવ નોટીસ મોકલવાની કરી હતી તૈયારી, ચોંકાવનારો ખુલાસો
સાઉથ આફ્રિકા પ્રવાસ પર રવાના થતા પહેલા વિરાટ કોહલી (Virat Kohli) એ આવા નિવેદન આપ્યા હતા, જે બાદ સૌરવ ગાંગુલી (Sourav Ganguly) પર સવાલો ઉઠી રહ્યા હતા, હવે આ મામલે ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે.
છેલ્લા 3-4 મહિનાથી વિરાટ કોહલી (Virat Kohli) માત્ર બેટિંગ માટે જ નહીં પરંતુ અન્ય કારણોસર પણ ચર્ચામાં છે. પહેલા વિરાટ કોહલીએ T20ની કેપ્ટનશીપ છોડી, પછી તેને ODIની કેપ્ટનશીપથી હટાવી દેવામાં આવ્યો અને હવે તેણે ટેસ્ટ ટીમની કમાન પણ છોડી દીધી છે. વિરાટ કોહલીને લઈને વધુ એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દક્ષિણ આફ્રિકા જતા પહેલા વિરાટ કોહલી દ્વારા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ બાદ BCCI ચીફ સૌરવ ગાંગુલી (Sourav Ganguly) ભડક્યા હતા અને આ ખેલાડીને કારણ બતાવો નોટિસ (Virat Kohli Show Cause Notice) મોકલવાની તૈયારી કરી હતી.
એક મીડિયા સમાચાર અનુસાર, સૌરવ ગાંગુલીએ કારણ બતાવો નોટિસ તૈયાર કરી હતી અને તે તેને વિરાટ કોહલીને મોકલવાનો હતો. સૌરવ ગાંગુલીએ બીસીસીઆઈના અન્ય સભ્યો સાથે પણ આ મુદ્દે ચર્ચા કરી હતી. તમને જણાવી દઈએ કે દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર રવાના થતા પહેલા વિરાટ કોહલીએ સૌરવ ગાંગુલી પર સવાલો ઉભા કર્યા હતા. સૌરવ ગાંગુલીએ કહ્યું હતું કે તેણે વિરાટ કોહલીને T20ની કેપ્ટનશીપ ન છોડવા કહ્યું હતું. જ્યારે ભારતીય ક્રિકેટરનુ તો કંઈક બીજું જ કહેવાની વાત હતી.
વિરાટ કોહલીએ કહ્યું કે તેને સુકાની પદ છોડતા કોઈએ રોક્યો નહોતો, પરંતુ તેની વિચારસરણીનું સ્વાગત કરવામાં આવ્યું હતુ. વિરાટ કોહલીના આ નિવેદનથી ભારતીય ક્રિકેટમાં જાણે કે ભૂકંપ આવી ગયો હતો. જોકે BCCI તરફથી સાર્વજનિક મંચ પર આ મામલે કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી. જો કે, ODI શ્રેણી માટે ટીમની જાહેરાત કરતી વખતે, મુખ્ય પસંદગીકાર ચેતન શર્માએ સૌરવ ગાંગુલીના દૃષ્ટિકોણનું પુનરાવર્તન કર્યું હતું. ચેતન શર્માએ કહ્યું હતું કે વિરાટ કોહલીને દરેકે પોતાના નિર્ણય પર વિચાર કરવા કહ્યું હતું.
સૌરવ ગાંગુલીને બોર્ડના સભ્યોએ રોક્યા!
વિરાટ કોહલીના નિવેદનોથી સૌરવ ગાંગુલી ખૂબ જ દુઃખી થયો હતા અને તે એવું પગલું ભરવા માટે તૈયાર હતા જે ભારતીય ક્રિકેટ ઈતિહાસમાં પહેલાં ક્યારેય જોવા મળ્યું ન હતું. જોકે, બીસીસીઆઈના સભ્યોએ ગાંગુલીને આમ કરતા અટકાવ્યા હતા. બોર્ડના સભ્યોને દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણી પહેલા ટેસ્ટ કેપ્ટનને નોટિસ મોકલવી યોગ્ય ન લાગી. સૌરવ ગાંગુલીએ પણ સભ્યોની વાત સ્વીકારી હતી.
ટેસ્ટ સિરીઝના અંતે વિરાટ કોહલીએ પણ ટેસ્ટ કેપ્ટનશિપ છોડી દીધી હતી. રસપ્રદ વાત એ છે કે તેણે આ અંગે સૌરવ ગાંગુલી સાથે વાત કરી ન હતી. ગાંગુલીએ ટીમના ખેલાડીઓને પોતાના નિર્ણય વિશે જણાવ્યું અને પછી બીજા દિવસે સોશિયલ મીડિયા પર ટેસ્ટ કેપ્ટનશિપ છોડવાનો નિર્ણય જાહેર કર્યો.