ગુજરાતની જીત બાદ શુભમન ગિલને મળ્યા ખરાબ સમાચાર, આવુ કરનારો IPL 2025નો છઠ્ઠો કેપ્ટન બન્યો

શુભમન ગિલની કેપ્ટનશીપ હેઠળ, ગુજરાત ટાઇટન્સે, IPL 2025 માં શાનદાર પ્રદર્શન કર્યું છે અને 7 માંથી 5 મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગયું છે. 19 એપ્રિલના રોજ, તેમણે દિલ્હી કેપિટલ્સને હરાવ્યું, પરંતુ મેચ પછી, તેમના માટે એક ખરાબ સમાચાર આવ્યા હતા.

ગુજરાતની જીત બાદ શુભમન ગિલને મળ્યા ખરાબ સમાચાર, આવુ કરનારો IPL 2025નો છઠ્ઠો કેપ્ટન બન્યો
| Edited By: | Updated on: Apr 20, 2025 | 1:44 PM

ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલ માટે IPL 2025 સીઝન ખૂબ સારી ચાલી રહી છે. ગઈકાલ 19 એપ્રિલના રોજ, તેઓએ અક્ષર પટેલની આગેવાની હેઠળની દિલ્હી કેપિટલ્સને 7 વિકેટથી હરાવીને સિઝનની પાંચમી જીત મેળવી. આ સાથે તેની ટિમ ગુજરાત ટાઈટન્સ ટીમ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ. પણ આ મોટી ખુશી પછી, ગિલને એક ખરાબ સમાચાર પણ મળ્યા. વાસ્તવમાં, તેને સ્લો ઓવર રેટનો દોષી ઠેરવવામાં આવ્યો હતો. આ કારણે, મેચ પછી BCCIએ તેને સજા કરી અને તેના પર 12 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો.

IPL 2025 માં છઠ્ઠા કેપ્ટન બન્યો

શુભમન ગિલ IPL 2025નો છઠ્ઠો કેપ્ટન છે જેને BCCI દ્વારા સ્લો ઓવર રેટ માટે દંડ ફટકારવામાં આવ્યો છે. IPL એ એક નિવેદન જાહેર કરીને કહ્યું, “ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલને દંડ ફટકારવામાં આવ્યો છે કારણ કે તેની ટીમે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ સામે IPL 2025 ની 35મી મેચ દરમિયાન ધીમો ઓવર-રેટ જાળવી રાખ્યો હતો. IPL આચાર સંહિતાના કલમ 2.22 હેઠળ આ મામલે આ સિઝનમાં તેની ટીમનો આ પહેલો ગુનો હતો. તેથી, ગિલને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.”

શુભમન ગિલ પહેલા દિલ્હી કેપિટલ્સના કેપ્ટન અક્ષર પટેલને પણ સ્લો ઓવર રેટ માટે દંડ ફટકારવામાં આવ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા, લખનૌ સુપર જાયન્ટ્સના ઋષભ પંત, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના રજત પાટીદાર અને રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસન અને રિયાન પરાગને પણ સ્લો ઓવર રેટ માટે દંડ ફટકારવામાં આવ્યો છે.

ગરમીને કારણે મેચ વારંવાર રોકવી પડી

ગુજરાત અને દિલ્હીની ટીમ વચ્ચેની આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે બપોરે 3:30 વાગ્યાથી રમાઈ હતી. મેચ દરમિયાન ભારે ગરમી હતી. તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયું હતું. આ ભીષણ ગરમીમાં ગુજરાતના બોલરોએ પ્રથમ બોલિંગ કરી. આ કારણે તેમને ડિહાઇડ્રેશન અને તણાવ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. તેથી, મેચ વારંવાર રોકવી પડી હતી, જેની કિંમત શુભમન ગિલને ચૂકવવી પડી છે.


ઈશાંત શર્મા પોતાની પહેલી ઓવર નાખ્યા પછી મેદાનની બહાર ચાલ્યો ગયો. જ્યારે મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણાને પણ તાણનો સામનો કરવો પડ્યો હતો. જોસ બટલરને પણ આવી જ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. અમ્પાયરોને પણ તડકામાં ઊભા રહેવામાં ઘણી તકલીફ પડી હતી.

IPL 2025માં ગુજરાત ટાઈટન્સનું દમદાર પ્રદર્શન રહ્યું છે અને હવે ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ પર આવી ગયું છે. ગુજરાત ટાઈટન્સ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો