‘ટ્રોફી તો ભૂલી જાઓ…’ મુંબઈ ઇન્ડિયન્સનો કેપ્ટન બનતા જ રોહિત શર્માનું ‘મોટું નિવેદન’

મુંબઈ ઇન્ડિયન્સની કમાન ફરી હાથમાં આવતા જ રોહિત શર્માએ એક ચોંકાવનારું નિવેદન આપીને સૌને વિચારતા કરી દીધા છે. 5 વખત મુંબઈને ચેમ્પિયન બનાવનાર રોહિતે કેપ્ટન બનતાની સાથે જ "ટ્રોફી તો ભૂલી જાઓ" કહીને સ્પષ્ટ કરી દીધું છે કે, નવી સિઝનમાં ટીમ નવા બદલાવ અને અલગ વિચારસરણી સાથે મેદાનમાં ઉતરશે.

ટ્રોફી તો ભૂલી જાઓ... મુંબઈ ઇન્ડિયન્સનો કેપ્ટન બનતા જ રોહિત શર્માનું મોટું નિવેદન
| Updated on: Nov 28, 2026 | 7:37 PM

IPL માં પાછલી કેટલીક સિઝન ખરાબ રહ્યા બાદ આખરે મુંબઈ ઇન્ડિયન્સે પોતાના જૂના અને સૌથી સફળ કેપ્ટનને કેપ્ટનશીપ સોંપી દીધી છે. શુક્રવારે 27 નવેમ્બરને રોજ MI એ રોહિત શર્માને ફરીથી કેપ્ટન બનાવવાની જાહેરાત કરી હતી.

જો કે, તેના એક દિવસ બાદ કેપ્ટન રોહિત શર્માએ મોટું નિવેદન આપી દીધું છે. તેણે ટીમની પ્રાથમિકતાના સવાલ પર કહ્યું કે, ટ્રોફી તો ઘણી દૂરની વાત છે, તેને ભૂલી જાઓ. જો કે, રોહિતે મુંબઈ માટે રમવાનો આનંદ લેવાની વાત કહી.

3 વર્ષના અંતરાલ બાદ બન્યો કેપ્ટન

ત્રણ વર્ષના અંતરાલ બાદ રોહિત શર્માને ફરીથી મુંબઈ ઇન્ડિયન્સનો કેપ્ટન બનાવી દેવામાં આવ્યો છે. તે હાર્દિક પંડ્યાનું સ્થાન લેશે, જે એક ટ્રેડ હેઠળ પંજાબ કિંગ્સમાં જોડાઈ ગયો છે. આ ટ્રેડને કારણે ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ મુંબઈ ઇન્ડિયન્સમાં આવી ગયો છે.

39 વર્ષીય રોહિતની કેપ્ટનશીપમાં મુંબઈએ 5 IPL ટાઈટલ જીત્યા છે. એવામાં તેનું માનવું છે કે, સિઝનના અંતે ટ્રોફી જીતવા વિશે વિચારતા પહેલાં ટીમે નાના-નાના લક્ષ્યો પર ધ્યાન આપવું જોઈએ.

‘ટ્રોફી તો ભૂલી જાઓ’

રોહિતે મુંબઈ ઇન્ડિયન્સને આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું, “જુઓ… મારું ધ્યાન સીધું ટ્રોફી જીતવા પર નથી. માની લો કે, IPL શરૂ થવામાં માત્ર એક અઠવાડિયું બાકી છે. જો હું ટીમને કહું કે ‘ચાલો, ટ્રોફી જીતીએ’, તો એવું નહીં થાય. તમે સિઝનની શરૂઆતમાં ટ્રોફી નથી જીતતા; તમે તેને અંતમાં જીતો છો.”


રોહિતે આગળ કહ્યું, “ટ્રોફી તો હજુ ઘણી દૂરની વાત છે, તેને ભૂલી જાઓ. પહેલાં રમતની મજા લો. વાત માત્ર મજા લેવાની છે અને એ યાદ રાખવાની છે કે, તમે રમવાનું શરૂ શા માટે કર્યું હતું? આપણે ઘણીવાર ભૂલી જઈએ છીએ કે, આ એ સમય છે જ્યારે આપણે એક ટીમ તરીકે મેદાન પર એકસાથે હોઈએ છીએ. તો ચાલો, મજા લેવાનો પ્રયાસ કરીએ.”

વર્ષ 2020 થી ટીમની સાતત્યતામાં આવી કમી

મુંબઈ ઇન્ડિયન્સના હાલના IPL રેકોર્ડથી ખબર પડે છે કે, રોહિત નવી સિઝનને એક અલગ દ્રષ્ટિકોણથી જોવા માંગે છે. આ ફ્રેન્ચાઇઝીએ છેલ્લી વખત વર્ષ 2020 માં ટાઈટલ જીત્યું હતું. ત્યારબાદથી તેઓ તે સાતત્યતા જાળવી રાખવા માટે સંઘર્ષ કરી રહ્યા છે, જેણે તેમને આ ટૂર્નામેન્ટની સૌથી સફળ ટીમોમાંથી એક બનાવી હતી.

હાર્દિકની કેપ્ટનશીપમાં ખરાબ થઈ હાલત

રોહિતની કેપ્ટનશીપમાં, મુંબઈ વર્ષ 2021 માં પાંચમા અને વર્ષ 2022 માં 10મા સ્થાને રહી. વર્ષ 2023 માં ક્વોલિફાયર 2 સુધી પહોંચ્યા બાદ ફ્રેન્ચાઇઝીએ કેપ્ટન બદલી નાખ્યો અને હાર્દિક પંડ્યાને રોહિતની જગ્યાએ કમાન સોંપી દીધી.

જો કે, વર્ષ 2024 માં પંડ્યાની કેપ્ટનશીપમાં મુંબઈ 10મા સ્થાને રહી. વર્ષ 2025 માં તેઓ ક્વોલિફાયર 2 સુધી પહોંચ્યા, જ્યારે વર્ષ 2026 ની સિઝન તેમણે નવમા સ્થાને પૂરી કરી.

Breaking News : ન સદી, ન અડધી સદી… માત્ર એક છગ્ગાથી ઋષભ પંતે રચ્યો ઇતિહાસ!

Follow Us
Loading...
Unable to load recommendations.