લાગે છે કે આગ હજુ ઓલવાઈ નથી. એ જ આગ જે મુંબઈ ઈન્ડિયન્સના નિર્ણયને કારણે લાગી હતી. રોહિત શર્મા અને હાર્દિક પંડ્યા વચ્ચે જે આગ સળગી રહી છે. અને જેની જ્વાળાઓ હવે T20 વર્લ્ડ કપ 2024માં ટીમ ઈન્ડિયાની આકાંક્ષાઓને બાળી શકે છે. 2013થી ICC ખિતાબ જીતવાની તેમની આશા ફરી એકવાર તુટી શકે છે. રોહિત શર્મા અને અજીત અગરકર હાર્દિક પંડ્યાને T20 વર્લ્ડ કપની ટીમમાં નહોતા ઈચ્છતા. હવે જ્યારે કોચ અને સિલેક્ટર્સ ટીમ હાર્દિકને લેવા ન માંગતા હતા તો હાર્દિ ટીમમાં કેવી રીતે સામેલ થયો? તો તેમના આવું કરવા પાછળ એક કારણ છે.
T20 વર્લ્ડ કપ 2024 માટે ટીમ ઈન્ડિયાના 15 ખેલાડીઓની પસંદગી ગયા મહિનાના અંતિમ સપ્તાહમાં કરવામાં આવી હતી. ટીમ સિલેક્શન અમદાવાદમાં થયું હતું. હવે કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે, હાર્દિકને ટીમમાં પસંદ કરવા માટે ભારતીય પસંદગી સમિતિની પસંદગી નથી. રોહિત શર્મા પણ તેને ટીમમાં લેવા માંગતો ન હતો. સવાલ એ છે કે શા માટે હાર્દિક પંડ્યાની પસંદગી કરવામાં આવી? અને માત્ર પસંદ જ નહીં, તેને ટીમ ઈન્ડિયાનો વાઈસ કેપ્ટન પણ બનાવવામાં આવ્યો. એટલે કે તે T20 વર્લ્ડ કપમાં રોહિત શર્માનો ડેપ્યુટી હશે. કોચ અને મુખ્ય પસંદગીકારોની ઈચ્છા વિના આ બધું કેવી રીતે શક્ય બન્યું?
મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે હાર્દિક પંડ્યાને ભારે દબાણને કારણે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આ જ દબાણ હેઠળ તેને ટીમ ઈન્ડિયાની વાઈસ કેપ્ટનશિપ પણ આપવામાં આવી છે. જોકે, એ ખબર નથી પડતી કે ભારતીય ટીમના સિલેક્ટર અને કેપ્ટન પર કોનું દબાણ હતું? હવે સૌથી મોટો ડર એ હશે કે T20 વર્લ્ડ કપમાં દબાણમાં લીધેલા આ નિર્ણયનું પરિણામ ટીમ ઈન્ડિયાને ભોગવવું પડી શકે છે?
IPL 2024 દરમિયાન ઘણું બધું જોવા મળ્યું છે, જેનાથી લાગે છે કે રોહિત અને હાર્દિક વચ્ચે બધુ બરાબર નથી. ઈડન ગાર્ડન્સમાં વરસાદ દરમિયાન કોલકાતાના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ સાથે બેઠેલા રોહિત શર્માની તસવીરો હોય કે પછી કોલકાતાના બેટિંગ કોચ અભિષેક નાયર સાથે વાત કરતા હોય. આ સિવાય મુંબઈ ઈન્ડિયન્સના મેનેજમેન્ટે રોહિતને હટાવીને હાર્દિકને કેપ્ટન બનાવવાનો નિર્ણય લીધો ત્યારથી ટીમ બે કેમ્પમાં વહેંચાઈ ગઈ હોવાના સમાચારો સામે આવી રહ્યા છે.
એકંદરે રોહિત-હાર્દિકના અંતરનું પરિણામ IPL 2024માં દેખાઈ રહ્યું છે. 5 વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઓફની રેસમાંથી બહાર થનારી પ્રથમ ટીમ બની છે. હવે જો આ જ T20 વર્લ્ડ કપ 2024માં ટીમ ઈન્ડિયા સાથે થશે તો ભારતીય ક્રિકેટ ચાહકોના દિલ ખરેખર તૂટી જશે.
આ પણ વાંચો : RCB-CSK બંને પ્લેઓફમાં પહોંચશે, SRH બહાર થશે, KKR બનશે ચેમ્પિયન ! હરભજન સિંહે ચોંકાવનારો દાવો કર્યો