Rishabh Pant એ ડેવિડ વિલીને કરી દીધો લાચાર, જીતની ખુશી મનાવવાની ઉતાવળે પંતે લગાવી દીધા સળંગ 5 ચોગ્ગા, જુઓ Video
ઋષભ પંતે (Rishabh Pant) ઈંગ્લેન્ડ સામેની ત્રીજી વનડેમાં અણનમ 125 રન બનાવ્યા હતા. તેણે ડેવિડ વિલી (David Willey) ની એક જ ઓવરમાં સતત 5 ચોગ્ગા ફટકાર્યા હતા. એટલે કે 4,4,4,4,4,1 ઓવર કંઈક આમ રહી હતી
ઋષભ પંત (Rishabh Pant) ની અણનમ સદીના આધારે ભારતે ત્રીજી વનડેમાં ઈંગ્લેન્ડને 5 વિકેટે હરાવી 3 મેચની શ્રેણી જીતી લીધી છે. પંતે અણનમ 125 રનની જબરદસ્ત ઇનિંગ રમી હતી. તેણે સ્ક્વેર લેગ તરફ શોટ બોલ રમીને તેની પ્રથમ ODI સદી ફટકારી. તેણે આગલી ઓવરમાં ડેવિડ વિલી (David Willey) ની ધોલાઈ કરીને તેની પ્રથમ વનડે સદીની ઉજવણી કરી હતી. મેચ, જે થોડી વધુ ઓવર ચાલશે તેવું લાગતું હતું, પરંતુ પંતે આ ઓવરમાં જ લગભગ પૂરી કરી દીધી હતી. પંતને સદી સાથે હવે જીતની ઉજાણીની ઉતાવળ થઈ આવી હતી. ભારતીય વિકેટકીપર બેટ્સમેન પંતે ડેવિડ વિલીની ઓવરમાં 21 રન બનાવ્યા જેમાં 5 ચોગ્ગા સામેલ હતા. તેની ઝડપી બેટિંગ 43મી ઓવરમાં જોવા મળી હતી.
ચાહકો ચોગ્ગાની માંગ કરી રહ્યા હતા
વિલીની આ ઓવર પછી ભારતને જીતવા માટે 8 ઓવરમાં માત્ર 3 રનની જરૂર હતી અને પંતે જો રૂટના બોલ પર રિવર્સ સ્વીપ કરીને બોલને બાઉન્ડ્રી સુધી લાવીને ભારતને જીત અપાવી હતી. બધાને આશા હતી કે પંત વિલીની ઓવરના છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકારીને મેચનો અંત લાવશે. ઓવરના છેલ્લા બોલ પર આખું સ્ટેડિયમ તેની પાસેથી ચોગ્ગાની માંગ કરી રહ્યું હતું, પરંતુ તે છેલ્લા બોલ પર માત્ર એક જ સિંગલ લઈ શક્યો.
260 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી અને 72 રનના સ્કોર પર શિખર ધવન, રોહિત શર્મા, વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવને 4 ઝટકા લાગ્યા હતા. આ પછી પંતે હાર્દિક પંડ્યા સાથે મોટી ભાગીદારી કરીને ભારતની જીત નિશ્ચિત કરી દીધી.
— Guess Karo (@KuchNahiUkhada) July 17, 2022
પંત મેચ વહેલી પૂરી કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો
પંડ્યાએ 55 બોલમાં 71 રનની ઇનિંગ રમી હતી. પંતે પોતાની સદીમાં 16 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. ભારતને 41 ઓવરની રમત બાદ 54 બોલમાં 24 રનની જરૂર હતી. ભારત જીત તરફ આગળ વધી રહ્યું હતું, પરંતુ પંત મેચ વહેલી પૂરી કરવા માટે જોઈ રહ્યો હતો. પછીની ઓવરમાં તેણે વિલીની ઓવરના પહેલા 5 બોલમાં સતત ચોગ્ગા ફટકાર્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. પંત પ્લેયર ઓફ ધ મેચ રહ્યો, જેણે સદી ફટકારવાની સાથે બે કેચ પણ લીધા. જ્યારે પંડ્યા પ્લેયર ઓફ ધ સિરીઝ રહ્યો હતો, જેણે આ સિરીઝમાં 100 રન બનાવ્યા હતા અને કુલ 6 વિકેટ લીધી હતી.