World Cup 2023: ભારત પ્રવાસ માટે પાકિસ્તાનના બદલવા લાગ્યા સૂર, પૂર્વ દિગ્ગજ ખેલાડીનું મોટું નિવેદન
ODI World Cup 2023: પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર અને કેપ્ટન મિસ્બાહ ઉલ હકે પોતાના દેશની ટીમને ભારત પ્રવાસ પર જવા પરવાનગી આપવાની વાત કહી હતી. મિસ્બાહે કહ્યુ હતુ કે ક્રિકેટને રાજનીતિથી દૂર રાખવુ જોઇએ કારણ કે ક્રિકેટ ફેન્સને આ મેચથી દૂર રાખવા તે યોગ્ય નથી.
પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટ કેપ્ટન મિસ્બાહ ઉલ હકે (Misbah-ul-Haq) પાકિસ્તાનની ટીમને ભારત પ્રવાસ માટે પરવાનગી આપવાની સલાહ આપી હતી, કારણ કે જો ટીમ વર્લ્ડ કપ 2023 (World Cup 2023) રમવા નહીં જાય તો તે ક્રિકેટના ફેન્સ સાથે એક મોટો અન્યાય હશે. એક કાર્યક્રમમાં મિસ્બાહએ કહ્યુ હતુ કે બંને દેશ જ્યારે અન્ય રમતમાં રમી શકે છે તો પછી ક્રિકેટમાં કેમ નહીં. ક્રિકેટને રાજનીતિથી દૂર રાખી બંને દેશના ફેન્સને બંને ટીમેને એક-બીજા સામે રમતા જોવાની તક આપવી જોઈએ.
મિસ્બાહના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 11,000થી વધુ રન
મિસ્બાહ ઉલ હકે આતંરરાષ્ટ્રીય ક્રિકેટમાં 11,000થી વધુ રન કર્યા છે. મિસ્બાહએ કહ્યું હતુ કે,’જો પાકિસ્તાન ટીમને ભારત પ્રવાસ માટે પરવાનગી આપવામાં આવતી નથી તો આ એ ફેન્સ સાથે એક મોટો અન્યાય હશે કે જે ભારત અને પાકિસ્તાનની ટીમને વધુ પસંદ કરે છે.’ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે હાલમાં આઈસીસી અને ભારતીય ક્રિકેટ બોર્ડને જણાવ્યુ હતુ કે ભારત પ્રવાસ માટે ક્રિકેટ ટીમને પરવાનગી માટેનો નિર્ણય હવે પાકિસ્તાન સરકાર કરશે. આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં વિશ્વ કપ ભારતમાં યોજાવાનું છે.
ભારતે એશિયા કપ માટે પાકિસ્તાન પ્રવાસ માટે ના પાડી હતી
ભારતીય ક્રિકેટ બોર્ડે એશિયા કપ 2023 માટે પાકિસ્તાન પ્રવાસ પર જવા માટે ભારતીય ટીમને પરવાનગી આપી ન હતી. તેથી હવે એશિયા કપની ટુર્નામેન્ટ ‘હાઇબ્રિડ’ રીતે રમાવાની છે. 31 ઓગસ્ટ થી 17 સપ્ટેમ્બર વચ્ચે યોજાનાર એશિયા કપમાં લીગ સ્ટેજની ચાર મેચ પાકિસ્તાનમાં રમાશે અને 9 મેચ શ્રીલંકામાં રમાશે. મિસ્બાહનું માનવુ છે કે પાકિસ્તાન ક્રિકેટ ટીમે વર્લ્ડ કપ માટે ભારત પ્રવાસ પર જવુ જોઇએ અને ભારતીય ક્રિકેટ ટીમે પણ પાકિસ્તાનમાં રમવા આવવુ જોઇએ.
આ પણ વાંચો: IND vs WI: પ્રથમ ટેસ્ટ મેચમાં જયસ્વાલ અને ભારતીય ક્રિકેટ ટીમે તોડયા આ રેકોર્ડ
તેણે કહ્યું કે,’નિશ્ચિત રૂપે પાકિસ્તાને ભારતમાં વિશ્વ કપ રમવા માટે જવુ જોઇએ. હું જેટલી વાર પણ ભારત ક્રિકેટ રમવા ગયો છુ ત્યારે મેચના તણાવ અને ફેન્સની ભીડનો આનંદ લીધો છે. આનાથી ખેલાડીઓને પ્રોત્સાહન મળે છે અને ભારતની પીચ અને હવામાન ખેલાડીઓને અનુકૂળ હોય છે. પાકિસ્તાનની ટીમ ભારતની પીચ પર સારું પ્રદર્શન કરવાની ક્ષમતા ધરાવે છે.’