T20 World Cup: મોહમ્મદ શામીએ અફઘાનિસ્તાન સામે શાનદાર પ્રદર્શન કરવા છતાં, આ દિગ્ગજે ટીમ ઇન્ડિયામાંથી બહાર રાખવાની માંગ કરી દીધી
સંજય માંજરેકરે મોહમ્મદ શામી (Mohammed Shami) ને ટીમ ઈન્ડિયા (Team India) ની પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરવાની વાત કરી, જાણો કેમ?
T20 વર્લ્ડ કપ 2021 (T20 World Cup 20210 માં ભારતે અફઘાનિસ્તાન સામે પ્રથમ જીત નોંધાવી હતી. ટીમ ઈન્ડિયા (Team India0 એ બુધવારે મેચમાં 66 રનના વિશાળ અંતરથી જીત મેળવી હતી. આ જીતમાં રોહિત શર્મા-કેએલ રાહુલની ઇનિંગ જોવા મળી હતી, જ્યારે ફાસ્ટ બોલર મોહમ્મદ શામી (Mohammed Shami) એ પણ આ જીતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. શામીએ 4 ઓવરમાં 32 રન આપીને 3 વિકેટ લીધી હતી. જો કે આટલા શાનદાર પ્રદર્શન છતાં તેને ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરવાની માંગ થઈ રહી છે.
ભૂતપૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર સંજય માંજરેકરે (Sanjay Manjrekar) કહ્યું કે ટીમ ઈન્ડિયાએ તેની પ્લેઈંગ ઈલેવન વિશે ફરી એકવાર વિચારવાની જરૂર છે. તે જ સમયે માંજરેકરે કહ્યું કે તેમના મતે ભારતીય ટીમ પાસે મોહમ્મદ શમી કરતા વધુ સારા ટી20 બોલર છે.
મીડિયા અહેવાલ મુજબ સંજય માંજરેકરે પર કહ્યું, ‘મને લાગે છે કે હવે સમય આવી ગયો છે કે ભારત પોતાની ટીમ પર ધ્યાન આપે. કેટલાક એવા ખેલાડીઓ છે, જે અન્ય કરતા સારા T20 પ્લેયર છે. કેટલાક એવા ખેલાડીઓ છે જે અન્ય કરતા વધુ સારી ભૂમિકા ભજવી શકે છે. હું મોહમ્મદ શામી વિશે વિચારી રહ્યો છું.
મોહમ્મદ શામી T20 ફોર્મેટનો બોલર નથીઃ માંજરેકર
સંજય માંજરેકરે મોહમ્મદ શામી પર મોટી ટિપ્પણી કરી છે. તેણે કહ્યું, ‘મને લાગે છે કે અમે શામીને ઘણો જોયો છે. તે ટેસ્ટ ક્રિકેટમાં સર્વશ્રેષ્ઠ બોલર છે. જ્યારે મેં છેલ્લે તેનો T20 ઇકોનોમી રેટ જોયો હતો તે 9 હતો. હું જાણું છું કે તેણે અફઘાનિસ્તાન સામે સારી બોલિંગ કરી હતી. પરંતુ ટીમ ઈન્ડિયા પાસે શામી કરતા સારા ટી20 બોલર છે.
T20 ઈન્ટરનેશનલમાં મોહમ્મદ શામીના આંકડા ઘણા ખરાબ છે. જમણા હાથના ફાસ્ટ બોલરે 15 મેચમાં 15 વિકેટ લીધી છે. જેમાં શામીનો ઈકોનોમી રેટ પ્રતિ ઓવર 9.79 રન છે. આ T20 ફોર્મેટના સંદર્ભમાં ઘણું છે. જોકે શામી અત્યારે સારા ફોર્મમાં છે. તેણે IPL 2021ના બીજા તબક્કામાં પંજાબ માટે સારું પ્રદર્શન કર્યું હતું અને ઈંગ્લેન્ડ વિરુદ્ધ વોર્મ-અપ મેચમાં પણ 3 વિકેટ લીધી હતી.
જો કે શામીએ પાકિસ્તાન વિરૂદ્ધ 43 રન આપ્યા હતા, જે બાદ સોશિયલ મીડિયા પર તેના વિરુદ્ધ અભદ્ર ટિપ્પણીઓ પણ કરવામાં આવી હતી. ટીમ ઈન્ડિયા હવે સ્કોટલેન્ડ સામે ટકરાશે અને એવું માનવામાં આવે છે, કે ભારતીય પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. આવી સ્થિતિમાં શમી ફરી એકવાર પોતાના બોલ બતાવતો જોવા મળશે.