Ranji Trophy 2022: મધ્યપ્રદેશે 41 વખતની ચેમ્પિયન મુંબઈને હરાવી, પ્રથમ વખત રણજી ટ્રોફીનો ખિતાબ જીતીને ઈતિહાસ રચ્યો
મધ્યપ્રદેશે પ્રથમ વખત રણજી ટ્રોફીનો (Ranji Trophy) ખિતાબ જીતીને ઈતિહાસ રચ્યો હતો. રણજી ટ્રોફીની ફાઇનલમાં મધ્યપ્રદેશે મુંબઈને 6 વિકેટે હરાવ્યું.
Ranji Trophy 2022: મધ્યપ્રદેશે (Madhya Pradesh) પ્રથમ વખત રણજી ટ્રોફીનો ખિતાબ જીતીને ઈતિહાસ રચ્યો છે. રણજી ટ્રોફી (Ranji Trophy 2022)ની ફાઇનલમાં મધ્યપ્રદેશે મુંબઈને 6 વિકેટે હરાવ્યું. ઐતિહાસિક જીતનો હીરો રજત પાટીદાર (Rajat Patidar) હતો. જેણે અંત સુધી ટીમનો સાથ ન છોડ્યો અને જીતનો રન પણ તેના જ બેટમાંથી નીકળ્યો. મુંબઈએ મધ્યપ્રદેશને 108 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને ટીમે 4 વિકેટના નુકસાને હાંસલ કરી લીધો હતો. આ પહેલા ફાઈનલના અંતિમ દિવસે મધ્યપ્રદેશના બોલરોએ મુંબઈની બીજી ઈનિંગને 269 રનમાં જ સમેટી દીધી હતી. કુમાર કાર્તિકેયે અદભૂત બોલિંગ કરી અને મુંબઈની બીજી ઈનિંગમાં 4 વિકેટ ઝડપી. 23 વર્ષ પહેલા મધ્યપ્રદેશ રણજી ટ્રોફી ફાઇનલમાં કર્ણાટક સામે હાર્યું હતું.
Madhya Pradesh Won by 6 Wicket(s) (Winners) #MPvMUM #RanjiTrophy #Final Scorecard:https://t.co/xwAZ13D0nP
— BCCI Domestic (@BCCIdomestic) June 26, 2022
મધ્યપ્રદેશની પ્રથમ ઇનિંગમાં 3 સદી
આ પહેલા મધ્યપ્રદેશના બોલરોએ ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી અને પૃથ્વી શોની મુંબઈની ટીમનો પ્રથમ દાવ 374 રનમાં સમેટાઈ ગયો હતો. મુંબઈ માટે સરફરાઝ ખાને પ્રથમ દાવમાં 134 રન બનાવ્યા હતા, પરંતુ ગૌરવ યાદવ, અનુભવ અગ્રવાલની ઘાતક બોલિંગ સામે મુંબઈના બાકીના બેટ્સમેનો ટકી શક્યા ન હતા. ગૌરવે 106 રનમાં 4 અને અનુભવે 81 રનમાં 3 વિકેટ ઝડપી હતી. બોલરો બાદ મધ્યપ્રદેશના બેટ્સમેનોએ પોતાનું કૌશલ્ય બતાવ્યું અને પ્રથમ દાવમાં 536 રન બનાવી ટીમને લીડ અપાવી. મધ્યપ્રદેશની પ્રથમ 3 સદી લાગી હતી. યશ દુબેએ 133 રન, શુભમ શર્માએ 116 રન અને રજત પાટીદારે 122 રન બનાવ્યા હતા. તે જ સમયે, સારંશ જૈને 57 રનની ઇનિંગ રમી હતી. 3 સદીના બળ પર મધ્યપ્રદેશની ટીમ મુંબઈ પર દબાણ બનાવવામાં સફળ રહી હતી.
બીજી ઈનિંગમાં પણ મુંબઈના બેટ્સમેનો ફ્લોપ રહ્યા હતા
મુંબઈ પ્રથમ દાવમાં પહેલાથી જ પાછળ હતું. બીજી ઈનિંગમાં પણ તેના બેટ્સમેનો કંઈ ખાસ કરી શક્યા ન હતા. મુંબઈ તરફથી બીજી ઇનિંગમાં સુવેદ પારકરે સૌથી વધુ 51 રન બનાવ્યા હતા. કેપ્ટન શોએ 44 રન અને સરફરાઝ ખાને 45 રન બનાવ્યા હતા. મધ્યપ્રદેશના કુમાર કાર્તિકેયે 98 રનમાં 4 વિકેટ લઈને મુંબઈની બીજી ઈનિંગને 269 રન પર રોકવામાં મોટો ફાળો આપ્યો હતો. 108 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી મધ્યપ્રદેશની ટીમે 29.5 ઓવરમાં ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. રજત પાટીદાર 30 રને અણનમ રહ્યો હતો.